Sun Aug 23 2026

Logo

ફેશન પ્લસઃ ચોમાસામાં રાખો જૂતા-ચંપલની સંભાળ દરેક પગલું હશે સુરક્ષિત ને સ્ટાઇલિશ

2026-07-30 11:26:00
Author: Namrata Nadeem
Article Image

નમ્રતા નદીમ


વરસાદની પહેલી છાંટ જ્યાં એકતરફ ગરમીમાંથી રાહત આપે છે, ત્યાં જ આપણા જૂતા-ચંપલ માટે નવી મુશ્કેલીઓ લઈને આવે છે. પાણી, કાદવ, ભેજ અને લપસણી જગ્યાઓને કારણે મોંઘા જૂતા થોડા જ દિવસોમાં ખરાબ થઈ જાય છે. લેધરના જૂતામાં તિરાડો પડી જાય છે. ચમકતા સ્માર્ટ શૂઝમાંથી દુર્ગંધ આવવા લાગે છે અને ચંપલની પકડ નબળી પડી જાય છે. ઘણા લોકો ચોમાસું પૂરું થાય ત્યાં સુધી પોતાના મનપસંદ જૂતા કબાટમાં સાચવીને રાખી દે છે, પરંતુ આવું કરવાથી જૂતા સુરક્ષિત નથી રહેતા, બલકે ખરાબ થઈ જાય છે. જોકે, જો થોડી સાવચેતી રાખવામાં આવે તો ચોમાસામાં પણ જૂતા સાફ અને સુરક્ષિત રહી શકે છે. ચાલો જાણીએ કે તેના માટે શું કરવું.

યોગ્ય ફૂટવેર પસંદ કરો

સૌપ્રથમ, વરસાદને અનુકૂળ યોગ્ય ફૂટવેર પસંદ કરવાં મહત્ત્વપૂર્ણ છે. ચોમાસામાં લેધરના જૂતા પહેરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ, કારણ કે લેધર પાણી ઝડપથી શોષી લે છે, જેનાથી તે તરત જ ખરાબ થઈ જાય છે. તે કડક પણ થઈ જાય છે અને ઘણી વાર ફાટી પણ જાય છે. આ દિવસોમાં પીવીસી, ઈવીએ ફોમ, રબર અને ઝડપથી સુકાઈ જાય તેવા સિન્થેટિક મટીરિયલના જૂતા અને સૅન્ડલ પહેરવા માટે યોગ્ય વિકલ્પ છે. 

આ ફૂટવેર હલકાં હોય છે, ઝડપથી સુકાઈ જાય છે અને તેમાં લપસવાની શક્યતા પણ ઓછી રહે છે, પરંતુ આ ફૂટવેર સાથે પણ એક વાત હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ બહારથી ઘરે આવો ત્યારે જૂતાને સાફ કર્યા વગર ક્યારેય રેકમાં ન મૂકવા જોઈએ. 

જો જૂતા ગંદા થઈ ગયા હોય તો સૌથી પહેલાં સાફ પાણીથી તેને ધોઈ લો, પછી નરમ કપડા કે બ્રશથી તેને સારી રીતે લૂછી લો. જૂતાને સાફ અને સૂકવીને જ રેકમાં મૂકવા જોઈએ. જો જૂતા પર ડાઘ રહી જાય તો તેને હળવા સાબુવાળા પાણીથી સાફ કરી લેવા જોઈએ. જ્યારે જૂતા ગંદા થાય ત્યારે જ તેને સાફ કરવા જોઈએ, એવું ન વિચારતા કે પછી કરી લઈશું. જો લાંબા સમય સુધી જૂતામાં ગંદકી ચોંટેલી રહે, તો જૂતાનો રંગ અને કાપડ બંને ખરાબ થઈ જાય છે.

તડકામાં નહીં પણ હવામાં સૂકવો

વરસાદમાં જ્યારે જૂતા પલળી જાય ત્યારે તેને તડકામાં ન સૂકવવા જોઈએ. મોટાભાગના લોકો આ જ ભૂલ કરે છે. યાદ રાખો કે પ્રખર તડકો કે હીટરની ગરમી જૂતાના ગુંદરને નબળો પાડી શકે છે અને તેનો આકાર પણ બગાડી શકે છે. તેને બદલે જૂતાની અંદર છાપું કે ટિશ્યૂ પેપર ભરી દો જેથી તે તેનો ભેજ શોષી લે અને પછી તેને હવા ઉજાસવાળી જગ્યાએ રાખીને કુદરતી રીતે સુકાવા દો. 

આ દિવસોમાં જૂતામાંથી દુર્ગંધ આવવાની પણ એક સમસ્યા ઊભી થાય છે, કારણ કે સતત પાણી અને કાદવના સંપર્કમાં રહેવાને લીધે બૅક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે. આનાથી બચવા માટે જૂતાને પૂરેપૂરા સુકાવા દો. અઠવાડિયામાં એક કે બે વાર તેમાં બેકિગ સોડા છાંટીને રાતભર છોડી દો અને સવારે તેને ખંખેરી લો. તમે ઇચ્છો તો એન્ટિ-ફંગલ, ફૂટ પાવડર કે શૂ-ડિયોડ્રન્ટનો પણ ઉપયોગ કરી શકો છો.

આ દિવસોમાં બે જોડી જૂતા રાખો

બીજી ઋતુઓમાં રોજ એક જ જોડી જૂતા સતત પહેરીને ઘરની બહાર જાવ તો ચાલી જાય, પરંતુ વરસાદના દિવસોમાં ઓછામાં ઓછી બે જોડી જૂતા રાખો. જો રોજ એક જ જોડી પહેરશો તો આખી ઋતુમાં તેને પૂરેપૂરા સુકાવાનો ક્યારેય મોકો નહીં મળે. એટલા માટે જ કહેવાય છે કે ચોમાસામાં ઓછામાં ઓછી બે જોડી જૂતા ચોક્કસ રાખો અને તેને વારાફરતી પહેરો. 

આનાથી તેમનું આયુષ્ય પણ વધશે અને દુર્ગંધ જેવી સમસ્યા પણ નહીં રહે. આ દિવસોમાં જૂતાના ઇનસોલનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ જ એ વસ્તુ છે જે જૂતાનો ભેજ શોષી લે છે. જો શક્ય હોય તો તેને કાઢીને અલગથી સૂકવો. આજકાલ બજારમાં એન્ટિ-બૅક્ટેરિયલ અને ક્વિક-ડ્રાય ઇનસોલ પણ મળે છે જે ચોમાસા માટે સારા સાબિત થાય છે.

જૂતાને હવા ઉજાસવાળી રેકમાં રાખો

ચોમાસામાં જૂતાને બંધ પ્લાસ્ટિક બેગમાં રાખવાનું ટાળો. આનાથી ભેજ અંદર જ ભરાઈ રહે છે અને પછી તેના લીધે જૂતામાં ફૂગ લાગી જાય છે. એટલા માટે વરસાદના દિવસોમાં જૂતાને સૂકી અને હવા ઉજાસવાળી રેકમાં જ રાખો. સિલિકા જેલનાં નાનાં પૅકેટ અથવા ભેજ શોષી લેતી વસ્તુઓ પણ આ દિવસોમાં જૂતાના કબાટમાં રાખી શકાય છે. 

એક બીજી વાતનું પણ ધ્યાન રાખો કે જૂતા સુંદર હોય તે ઠીક છે, પણ તેમની સુંદરતા કરતાં પણ વધુ જરૂરી એ છે કે તે મજબૂત અને સુરક્ષિત હોય. એટલા માટે વરસાદની ઋતુમાં એવા જૂતા પસંદ કરો જેના સોલ પર સારી ગ્રીપ હોય, ઘસાઈ ગયેલા સોલવાળા જૂતા વરસાદમાં અકસ્માતનું કારણ બની શકે છે. 

જો સોલ ઘસાઈ ગયો હોય તો સમય રહેતાં તેને બદલાવી લેવો જોઈએ. સાથે જ કેનવાસ કે ફેબ્રિકના જૂતાને મશીનમાં વારંવાર ધોવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તેમનો આકાર બગડી શકે છે. આ જૂતાને હાથથી હળવા ડિટર્જન્ટથી સાફ કરો અને હવામાં સૂકવો.

જો આ રીતે સજાગ રહેશો તો વરસાદની ઋતુ જૂતા અને ચંપલની દુશ્મન સાબિત નહીં થાય. નિયમિત સફાઈ અને યોગ્ય સાચવણીથી મોંઘામાં મોંઘા ફૂટવેર પણ આ દિવસોમાં પહેરી શકાય છે. કપડાં ભલે ગમે તેટલા સારા હોય, પણ વ્યક્તિની અસલી શાન તો સારા જૂતાથી જ થાય છે. એટલા માટે જૂતાની સંભાળ રાખવી જ જોઈએ.

ચોમાસામાં જૂતાની સાચવણીના સોનેરી નિયમો

* વરસાદમાં નિયમિત પહેરવા માટે ઓછામાં ઓછી બે જોડી જૂતા રાખો.
* આ દિવસોમાં લેધર ફૂટવેર પહેરવાનું ટાળો તો વધારે સારું.
* જ્યારે પણ જૂતા ગંદા થાય ત્યારે તેને સાફ પાણીથી સાફ કરો.
* જૂતાને ક્યારેય પ્રખર તડકામાં કે હીટર પાસે ન સૂકવો.
* જૂતાનો ભેજ દૂર કરવાનો રસ્તો એ છે કે તેમાં અખબાર ભરીને રાખી દો.
* હંમેશાં સારી ગ્રીપવાળા સોલ જ પસંદ કરો.
* વરસાદના દિવસોમાં જૂતાને પ્લાસ્ટિક બૅગમાં રાખવાનું ટાળો.
* આ દિવસોમાં તમારા પગ સ્વચ્છ અને સુકા રાખો, તો જ તમારા જૂતા લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે.