Thu Jun 18 2026

Logo

T20 વર્લ્ડકપ: સેમીફાઈનલની રેસ માટે આવતીકાલે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે જંગ

2026-02-23 20:50:21
Author: Mumbai Samachar Team
Article Image

પલ્લેકલઃ ટી-20 વર્લ્ડકપ 2026માં સુપર-8 તબક્કામાં આવતીકાલે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ ટકરાશે. પલ્લેકલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થનારી આ મેચ બંને ટીમો માટે સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ છે. આ મેચ પાકિસ્તાન માટે આ ‘કરો યા મરો’ જેવી છે.  જ્યારે ઇંગ્લેન્ડ જીત સાથે પોતાનું સ્થાન સેમિફાઈનલમાં સુરક્ષિત કરવા માંગશે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપના સુપર-8 મેચમાં ધીમા બોલરો માટે અનુકૂળ પીચ પર ટકરાશે, ત્યારે ધ્યાન સ્પિન બોલિંગ પર રહેશે. ઇંગ્લેન્ડે હજુ સુધી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી.

સુપર આઠ તબક્કાની પહેલી મેચમાં શ્રીલંકા સામે 51 રનની જીતથી ઈગ્લેન્ડની ટીમના નેટ રન રેટમાં સુધારો થયો છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. શ્રીલંકા સામે ઓછા સ્કોરનો બચાવ કરતા ઇંગ્લેન્ડના ખેલાડીઓએ પરિસ્થિતિઓને અનુકુળ પ્રદર્શન કર્યું હતું. તેમના સ્પિનરોએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું, જ્યારે ઝડપી બોલર જોફ્રા આર્ચર પણ ફોર્મમાં જોવા મળ્યો હતો.

લેગ-સ્પિનર આદિલ રશીદ અને સ્પિનર લિયામ ડોસનએ પણ વિકેટ લીધી હતી. વિલ જેક્સે  બોલિંગ અને  બેટિંગમાં યોગદાન આપ્યું હતું. ઓપનર ફિલ સોલ્ટે શ્રીલંકા સામે શાનદાર ઇનિંગ્સ સાથે ફોર્મમાં વાપસી કરી હતી. તેણે ટુર્નામેન્ટમાં પહેલી વાર મોટી ઈનિંગ રમી હતી. જોસ બટલરનું ફોર્મ ચિંતાનો વિષય છે. આ મહિનાની શરૂઆતમાં આ મેદાન પર ઇંગ્લેન્ડે ત્રણ મેચની ટી-20 સીરિઝ 3-0થી જીતી હતી.

શ્રીલંકાને હરાવ્યા બાદ બ્રુકે કહ્યું હતું કે, "અત્યાર સુધી અમે સારી બેટિંગ કરી શક્યા નથી. અમે સારી શરૂઆત કરી નથી અને મોટો સ્કોર કર્યો નથી. મને લાગે છે કે તે ખૂબ જ ટૂંક સમયમાં થશે. જોસ બટલર, જેકબ બેથેલ અને હું મોટો સ્કોર કરી શક્યા નથી, પરંતુ અમે હજુ પણ જીતવામાં સફળ રહ્યા છીએ."

બીજી તરફ પાકિસ્તાનની ન્યૂ ઝીલેન્ડ સામેની પહેલી સુપર-8 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, તેથી હવે તેમને બંને મેચ જીતવી પડશે. તેની પાસે ઉસ્માન તારિક, સૈમ અયુબ, અબરાર અહેમદ, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ જેવા સારા સ્પિનરો છે. જો કે, બેટિંગ ચિંતાનો વિષય છે, ખાસ કરીને તેઓ સારા સ્પિનરો સામે ટકી શક્યા નથી.