Sun May 31 2026

Logo

રવિવારે ફાઈનલ, ન્યૂ ઝીલેન્ડને હરાવી ભારત હૅટટ્રિક કરી શકે

2026-03-07 09:39:00
Author: Mumbaisamachar Team
Article Image

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતની ટીમે રંગ રાખી દીધો. આ જીત સાથે હવે ફાઈનલમાં ભારતની ન્યૂ ઝીલેન્ડ સાથે ટક્કરનો તખ્તો તૈયાર છે. ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાતો હોય ત્યારે વર્લ્ડ કપ ભારત જ જીતે એવી ક્રિકેટ ચાહકોને અપેક્ષા હોય જ ને આ અપેક્ષા પૂરી થવા આડે હવે એક જ જીત છે એ જોતાં ક્રિકેટ ચાહકો ઈચ્છતા હતા એવા પરફેક્ટ ફિનિશિંગનો તખ્તો તૈયાર છે. 

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડને પછાડીને સૂર્યકુમાર યાદવની ટીમ વધુ એક વાર વર્લ્ડ ચેમ્પિયન બનીને આ પરફેક્ટ ફિનિશિંગ પાર પાડે એવું સૌ ઈચ્છે છે. ભારતે આ વર્લ્ડ કપમાં આફ્રિકા સામેની મેચને બાદ કરતાં સારી રમત બતાવી છે એ જોતાં ચેમ્પિયન બની શકે છે. આપણે બીજી મેચોમાં બહુ પરસેવો નહોતો પાડવો પડ્યો કેમ કે સામેની ટીમો પહેલેથી પાણીમાં બેસી ગયેલી. ગ્રૂપ સ્ટેજમાં તો પાકિસ્તાન સિવાય બીજી કોઈ રેગ્યુલર ટીમ સામે રમવાનું નહોતું ને પાકિસ્તાન પહેલાં જેવું છે નહીં તેથી ભારત સામે પડકાર નહોતો.  

સુપર એઈટમાં અસલી ટક્કર આફ્રિકા સામે હતી ને તેમાં આપણે હારી ગયેલા. એ પછી વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને હરાવીને આપણે સેમી ફાઈનલમાં આવ્યા. વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે બંને વર્લ્ડ કપમાં દમખમ સાથે રમ્યાં પણ તેમની હાલત દશેરાના દાડે ઘોડું ના દોડે એવી થયેલી તેથી ભારત સામે જ જોર ના બતાવી શક્યાં. 

જો કે સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડે આપણને પરસેવો પડાવી દીધો એ કબૂલવું પડે. સેમી ફાઈનલમાં ભારતે 20 ઓવરમાં 253 રન ખડક્યા ત્યારે સૌને લાગતું હતું કે, ઈંગ્લેન્ડ ઝીંક નહીં ઝીલી શકે. ઈંગ્લેન્ડ 100 રનની અંદર 4 વિકેટ ગુમાવી દીધી ત્યારે આ વાત સાચી પડતી લાગી રહી હતી પણ પછી જેકબ બેથેલની બેટિગે ભારતીયોના શ્વાસ અધ્ધર કરી દીધેલા. 

બેથેલે વિલ જેક્સ અને સેમ કરન સાથે નિર્ણાયક ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને જીતના આરે લાવીને મૂકી દીધેલું. 17મી ઓવર પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડે જીતવા માટે 45 રન કરવાના હતા ને બેથેલ તથા કરન ઊભા હતા તેથી ઈંગ્લેન્ડ જીતી જાય એવું લાગતું હતું પણ આપણા બે ગુજરાતી ભાયડા જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ 18મી અને 19મી ઓવરમાં બધા મળીને 15 રન આપ્યા ને સેમ કરનને આઉટ કરતાં બાજી ભારતની તરફેણમાં આવી ગયેલી. 

કરન આઉટ થયો પછી બેથેલ પર પ્રેશર વધ્યું ને સ્ટ્રાઈક પોતાની પાસે રાખવાના ચક્કરમાં છેલ્લી ઓવરના પહેલા બોલે રનઆઉટ થયો એ સાથે ઈંગ્લેન્ડની લડતનો અંત આવી ગયેલો. છેલ્લે જોફરા આર્ચરે સળંગ ત્રણ સિક્સર ફટકારીને લોકોનું થોડું મનોરંજન કર્યું પણ મેચ પહેલાં જ ઈંગ્લેન્ડના હાથમાંથી સરકી ગયેલી તેથી આર્ચરની આતશબાજી કંઈ કામ ના આવી. આર્ચરની આતશબાજીના કારણે જીતનું અંતર ઘટ્યું પણ બીજો કોઈ ફરક ના પડ્યો. 

ફાઈનલમાં ભારત સામે ટકરાનારી ન્યૂ ઝીલેન્ડની ટીમ પણ બળુકી છે. ન્યૂ ઝીલેન્ડે આ વર્લ્ડ કપમાં ગ્રૂપ સ્ટેજમાં કે સુપર એઈટમાં એવો જબરદસ્ત દેખાવ નથી કર્યો. સેમિ ફાઈનલમાં પણ બે વાંદરાની લડાઈમાં બિલાડી ફાવે એ રીતે  પાકિસ્તાન ને શ્રીલંકાની લડાઈના કારણે ન્યૂ ઝીલેન્ડ આવેલું પણ સેમિ ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડે જોરદાર દેખાવ કર્યો હતો. 

આફ્રિકા સામેની સેમિ ફાઈનલમાં 169 રનનો સ્કોર ન્યૂ ઝીલેન્ડે 13 ઓવરમાં તો ચેઝ કરીને સોપો પાડી દીધેલો. ફિન એલને 33 બોલમાં 100 રન ઝીંકીને આફ્રિકાનાં છોતરાં ફાડી નાંખેલાં ને ટીમ સેઈફર્ટે 33 બોલમાં 58 રન કરીને તેને સાથ આપ્યો તેમાં ન્યૂ ઝીલેન્ડ સરળતાથી જીતી ગયેલું.  

ન્યૂ ઝીલેન્ડે સેમિ ફાઈનલમાં સાબિત કરેલું કે, તેની પાસે ગમે તેવી પિચ પર પણ અકલ્પનીય હદે સ્ફોટક બેટિગ કરી શકે એવા બેટ્સમેન છે. રવિન્દ્ર રચિન, ડેરેલ મિચલ, ગ્લેન ફિલિપ્સ, મારે ચેપમેન વગેરે ખતરનાક બેટ્સમેનથી ન્યૂ ઝીલેન્ડની ટીમ ભરેલી છે. ન્યૂ ઝીલેન્ડ પહેલાં પણ આવી સ્ફોટક બેટિગ કરીને ભારત સહિતના દેશો પાસેથી મેચો ખૂંચવી ગયું છે તેથી ભારતે ફાઈનલમાં સતર્ક રહેવું પડે. 

અમદાવાદની પિચ બેટ્સમેન માટે સારી છે ને ન્યૂ ઝીલેન્ડ પાસે છેક 11મા નંબર સુધીની બેટિગ લાઈન અપ છે તેથી ભારતે પરફેક્ટ પ્લાન સાથે ઉતરવું પડે. આમ પણ ટી-20માં તો આઠ-દસ બોલમાં બાજી પલટાઈ જતી હોય છે. કદી સારું ના રમ્યો હોય એવા બેટ્સમેનના બેટમાં 10 બોલ ભરાઈ જાય તો સામેની ટીમની પથારી ફરી જાય ને કોઈ બોલર 10 બોલમાં બે સારા બેટ્સમેનને તંબુભેગા કરે તો પણ બાજી પલટાઈ જાય તેથી ભારતે એ માટે અત્યારથી તૈયારી કરી રાખવી પડે. 

છેલ્લાં કેટલાંક વરસોથી આઈસીસીની સ્પર્ધાઓમાં ન્યૂ ઝીલેન્ડ  ભારત પર ભારે પડતું હતું પણ આ વખતે ભારતની તરફેણમાં એક હકારાત્મક બાબત એ છે કે, ભારત અને ન્યૂ ઝીલેન્ડ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટકરાયાં ત્યારે ભારત જીતેલું અને ચેમ્પિયન બનેલું. ગયા વરસે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને ભારતે 4 વિકેટે હાર આપી હતી. આ જીત સાથે ભારતે ન્યૂ ઝીલેન્ડ સામે  આઈસીસીની સ્પર્ધાઓમાં હારનો સિલસિલો પણ તોડ્યો હતો. ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડે 50 ઓવરમાં 7 વિકેટે 251 રન કરેલા. 

ભારતે રોહિત શર્માના 76 અને શ્રેયસ અય્યરના 48 રનની મદદથી 49 ઓવરમાં આ સ્કોર ચેઝ કરીને જીત મેળવી હતી. અલબત્ત ભારતની વન ડે અને ટી-20 ટીમ બિલકુલ અલગ છે ને ફોર્મેટ પણ અલગ છે તેથી 2025ની જીતના આધારે આ વખતે પણ આપણે જીતીશું એવું માની ના લેવાય પણ ન્યૂ ઝીલેન્ડ પર થોડું ઘણું દબાણ પેદા તો થશે જ. ભારત ઘરઆંગણે રમી રહ્યું છે તેનો પણ તેને ફાયદો છે જ. 

ભારત રવિવારે જીતે તો આઈસીસી સ્પર્ધામાં જીતની હૅટ્રિક પણ પૂરી થશે. 2023 પહેલાં  ભારત આઈસીસી સ્પર્ધાઓ જીતી શકતું નહોતું. ભારત સેમિ ફાઈનલ કે ફાઈનલમાં આવીને ફસકી જતું હતું. 2023માં ભારતમાં જ વન ડેનો વર્લ્ડ કપ રમાયેલો છતાં ભારત જીત્યું નહતું ને ફાઈનલમાંં અમદાવાદમાં ઓસ્ટે્રલિયા સામે શરમજનક રીતે હારેલું. 2024માં  ટી-20 વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવીને પરાજયનો ક્રમ તોડ્યો ને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને જીતનો સિલસિલો આગળ ધપાવ્યો હતો. હવે આ વર્લ્ડ કપની ફાઈનલ જીતી જાય તો હૅટ્રિક પૂરી થઈ જાય. આશા રાખીએ કે, સૂર્યકુમાર યાદવની ટીમ નિરાશ નહીં કરે.