મુંબઈ: બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ એશિયા કપ ટ્રોફી (TROPHY) વિવાદમાં મૌન તોડ્યું છે અને ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે એક અપડેટ રજૂ કર્યું છે.
નકવીએ ભારતના હકની ટ્રોફી ગાયબ કરાવી દીધી હતી
ગયા વર્ષે ભારતે એશિયા કપ જીતી લીધો ત્યાર પછી સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમૅન, પાકિસ્તાનના આંતરિક વિષયોને લગતા ખાતાના પ્રધાન અને એશિયા કપની આયોજક એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચીફ મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી દીધી ત્યાર બાદ નકવીએ ભારતના હકની ટ્રોફી ગાયબ કરાવી દીધી હતી. સૂર્યકુમારે ત્યારે વર્ચ્યુઅલ ટ્રોફી સાથે ટીમ ઇન્ડિયાના સાથીઓ વચ્ચે ચેમ્પિયનપદ સેલિબ્રેટ કર્યું હતું. ભારતે એ ટ્રોફી પોતાના હાથે જ સ્વીકારવી પડશે એવી નકવી ત્યારથી હઠ લઈને બેઠો છે જે ભારતને મંજૂર નથી.

ભારતીય ટીમે મેદાન પર જીત સેલિબ્રેટ કરી
રવિવારે ભારતની મહિલા ટીમ ટી-20 એશિયા કપમાં ચેમ્પિયન બની ત્યાર બાદ હરમનપ્રીત કૌર અને તેની ટીમે નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારી એટલે એ ટ્રોફી હજી સુધી ભારતીય મહિલા ટીમ પાસે આવી નથી. જોકે હરમનપ્રીત અને તેની સાથીઓએ ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ સાથે મળીને મેદાન પર જ જીત સેલિબ્રેટ કરી હતી. પેસ બોલર નંદની શર્માને ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ફીલ્ડર બદલ મેડલ આપવામાં આવ્યું હતું.
સૈકિયાની હૈયાધારણ
જોકે બીસીસીઆઈના સેક્રેટરી સૈકિયાએ ભારતના ક્રિકેટપ્રેમીઓને હૈયાધારણ આપી છે કે ટૂંક સમયમાં જ બંને ટ્રોફી બીસીસીઆઈ પાસે આવી જશે. સૈકિયાએ એક જાણીતી ટીવી ચેનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘ભારતના હકની બંને ટ્રોફી ક્યારે આવશે એ ચોક્કસ સમય તો હમણાં ન કહી શકું, પરંતુ ટૂંક સમયમાં બંને ટ્રોફી બીસીસીઆઈના મુંબઈના હેડ ક્વૉર્ટરમાં આવી જશે એ નક્કી છે. ભારતને એક વર્ષ કરતાં વધુ સમયથી મેન્સ એશિયા કપની ટ્રોફી નથી મળી અને રવિવારની વિમેન્સ એશિયા કપની ટ્રોફી પણ હજી આપણી સુધી પહોંચી નથી. આ ટ્રોફીઓ નકવીના હાથે ન સ્વીકારવાનો નિર્ણય સંસ્થાકીય હતો અને ખેલાડીઓ કે ક્રિકેટની રમત કે એશિયા કપ ટૂર્નામેન્ટની ખ્યાતિને હાનિ પહોંચે એવો કોઈ જ ઈરાદો બીસીસીઆઈનો નથી.'
મોહસિન નકવી ‘ટ્રોફી ચોર... ટ્રોફી ચોર...'
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતે એશિયા કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને ત્રણ વખત પછડાટ આપ્યા બાદ ટ્રોફી જીતી લીધી ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને તેના નેતૃત્વ હેઠળની ટીમે મોહસિન નકવીના હાથે ટ્રોફી નહોતી સ્વીકારી. નકવીએ ત્યારે ભારતના હકની ટ્રોફી ગાયબ કરાવી દીધી હતી. સોશિયલ મીડિયામાં ત્યારે નકવી માટે ભારતીય ક્રિકેટપ્રેમીઓએ ‘ટ્રોફી ચોર...ટ્રોફી ચોર' ના સ્લોગનવાળી પોસ્ટ વાયરલ કરી હતી. આ વખતે પણ નકવી ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને ટ્રોફી આપવા મેદાન પર આવ્યો હતો, પરંતુ ભારતીય ટીમ તેની પાસે ટ્રોફી લેવા નહોતી ગઈ. છેવટે નકવી રનર-અપ ટીમ શ્રીલંકાને મેડલ આપ્યા બાદ મેદાન છોડીને જતો રહ્યો હતો.