Fri Jul 24 2026

Logo

ગુજરાતમાં પણ હવે ઓપરેશન લંગડા ?સુરતમાં બે દિવસમાં બે આરોપીને પોલીસે પગમાં ગોળી મારી દીધી

2026-05-11 08:58:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ ગુજરાતમાં ગુનેગારોની હવે ખેર નથી. સુરત જેવા શહેરમાં પરપ્રાંતીયોની સંખ્યા વધવાની સાથે ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો છે . વરાછાની એસબીઆઈ બેંકમાં થયેલી લૂંટમાં પરપ્રાંતીય ગેંગની સંડોવણી સામે આવી હતી. ગેંગના બે આરોપી ઝડપાયા બાદ સુરત લાવીને રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબમાં પોલીસે તેના પગમાં ગોળી મારી હતી. સુરતમાં બે દિવસમાં બે આરોપીને પોલીસે પગમાં ગોળી મારી છે. જે બાદ ગુજરાતમાં પણ હવે ઓપરેશન લંગડા શરૂ થયું છે તેવી ચર્ચા થઈ રહી છે.

ગઈકાલે લિંબાયત વિસ્તારમાં થયેલી બબાલમાં  એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આરોપીને ઝડપવા વિવિધ ટીમો બનાવી હતી. આરોપી મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલો હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ પકડવા પહોંચી ત્યારે આરોપીએ ધરપકડથી બચવા પોલીસ જવાનો પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગી હતી. જેના કારણે તે ફસડાઈ પડ્યો હતો અને પોલીસે આરોપીને દબોચી લીધો હતો. સારવાર દરમિયાન પણ દર્દમાં તે ફરી આવું ન કરવાનું કહી બુમો પાડી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપી રાહુલ જોગી રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના 17 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધ મારામારીના મોસ્ટ ઓફ ગુના દાખલ થયેલા છે અને આરોપી આ પ્રકારના ગુના કરવાની ટેવવાળો છે.

સુરતમાં 36 કલાકમાં બીજી ઘટના

આમ સુરતમાં 36 કલાકમાં પોલીસે સ્વ.બચાવમાં ફાયરિંગ કર્યાની બીજી ઘટના બની હતી. આ પહેલા પણ રાજ્યમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યાની ઘટના બની હતી. તાજેતરમાં દ્વારકામાં ધાર્મિક રેલી દરમિયાન પોલીસ સાથેના ઘર્ષણ બાદ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે સ્વબચાવમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. 

ગુજરાતમાં આરોપીઓ પર પોલીસે કરેલા ફાયરિંગની ઘટનાઓ

ડિસેમ્બર 2025માં  દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. બંને કેસમાં રીઢા ગુનેગારોએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ લિકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આજે ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા SMCના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું, બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી. 

30 ડિસેમ્બર 2025ના રોજસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી પર PSIએ ફાયરિંગ કર્યું હતું. ગુનાની વિગતોની તપાસ માટે આરોપી દેવરાજ બોરાણાને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેને પોલીસની નજર ચૂકવી પહેલેથી સંતાડેલી છરી વડે હુમલો કર્યો હતો.જેમાં જેમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાબી કાર્યવાહીમાં હાજર PSIએ આરોપી દેવરાજ બોરાણાના પગના ભાગે ગોળી મારી હતી. જે બાદ તે ઢળી પડ્યો હતો. 

આ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર 11 સપ્ટેમ્બર 2025ના રોજ અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે લૂંટ અને હત્યા કેસમાં ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે આરોપી વિપુલ પરમાર પર, 6 નવેમ્બરના રોજ નવસારીના ડાબેલમાં હત્યાના આરોપી સલમાન લસ્સી પર તો 8 ડિસેમ્બરે અમદાવાદ દાણીલીમડામાં દુષ્કર્મ કેસના આરોપી મોઈનુંદીન પર અને 11 ડિસેમ્બરે રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી રામસિંહ પર, 16 ડિસેમ્બરના રોજ સુરત ડબલ મર્ડરના આરોપી શિવા ટકલા પર તો 20 ડિસેમ્બરે ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપી રામ ગનીત યાદવ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું.