Thu Oct 01 2026

Logo

સુરત જિલ્લાની વિવિધ આરોગ્ય સંસ્થાઓને છેલ્લા બે વર્ષમાં કુલ ૨,૬૪૫ ચક્ષુદાન પ્રાપ્ત થયા

2026-09-10 17:21:38
Author: Pooja Shah
સુરત જિલ્લાની વિવિધ આરોગ્ય સંસ્થાઓને છેલ્લા બે વર્ષમાં કુલ ૨,૬૪૫ ચક્ષુદાન પ્રાપ્ત થયા

Gemini AI Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
ઓર્ગન ડોનેશનમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે તેની સાથે સાથે સુરત જિલ્લો  ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે, કારણ કે કુલ જે ચક્ષુદાન મળ્યા છે, તેમાં આશરે ૨૩ ટકા જેટલા એકલા સુરત જિલ્લામાંથી મળ્યા છે, તેવી માહિતી આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ ગૃહમાં આપી હતી. 

તેમણે જણાવ્યું હતું કે સુરત જિલ્લાની અંદર વર્ષોથી આઈ ડોનેશન (ચક્ષુદાન) અંગે ખૂબ જાગૃતિ આવી છે અને એમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે. તેમાં સરકારી મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫૨ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૧૮ ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન-સ્મિમેર હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૭ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૨ ચક્ષુદાન પ્રાપ્ત થયા છે.

જ્યારે દિવ્ય ચક્ષુ આઈ બેન્ક (દિવ્ય જ્યોત ટ્રસ્ટ) વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૯૩ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૯૮ ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, લોકદ્રષ્ટિ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૭૬ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૫૨૯ ચક્ષુદાન પ્રાપ્ત થયા છે.આમ, ગુજરાતમાં ૨૦૨૪-૨૫માં કુલ ૧૪૬૮ અને ૨૦૨૫-૨૬માં કુલ ૧૧૭૭ ચક્ષુદાન આ સંસ્થાઓને પ્રાપ્ત થયા છે.

તેમણે કહ્યું કે, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ છ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે છે. ચક્ષુદાનમાં પ્રાપ્ત થતા ૧૦૦માંથી ૨૦ થી ૩૦ કોર્નિયા જ ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપયોગી થઈ શકે છે. આ ટ્રાન્સપ્લાન્ટ કરવાથી શોર્ટ ટર્મમાં (૧ થી ૨ વર્ષના ટૂંકા ગાળામાં) ૧૦૦ ટકા સફળતા મળે છે, મિડ ટર્મમાં ૮૦ ટકા અને લાંબા ગાળે ૬૦ થી ૭૦ ટકા સફળતા પ્રાપ્ત થાય છે.

અગાઉ એવું હતું કે એક કીકી માત્ર એક જ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતી હતી. એક કીકીના ૩ થી ૪ લેયર (સ્તર) હોય છે. આધુનિક ટેકનોલોજી અને નવા સંશોધનોના આધારે, દર્દીને જે લેયરની જરૂરિયાત હોય તે મુજબ કોર્નિયામાંથી તે સ્તર અલગ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આમ,  હવે એક કીકીના દાન દ્વારા ૩ થી ૪ વ્યક્તિઓની દ્રષ્ટિહીનતા દૂર કરી શકાય છે. જેનાથી એક થી વધુ દર્દીઓને આનો લાભ મળી રહ્યો છે. 

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ભારતની અંદર ૧ થી ૧.૫ લાખ જેટલા દર્દીઓને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની જરૂરીયાત છે, એમને જો કોર્નિયા મળે તો ચોક્કસ એ સારા થઈ જાય. પરંતુ દર વર્ષે આપણને ૫૫ થી ૬૦ હજાર કોર્નિયા મળે છે, એમાં દર વર્ષે ૨૦ થી ૨૫ હજાર દર્દીઓનો ઉમેરો થતો જાય છે. ચક્ષુદાન જાગૃતિ એ બહુ જરૂરી છે.