અમદાવાદઃ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી એનઆઈઆઈટી (નીટ)ની પરીક્ષા રવિવારે ત્રીજી મેના રોજ સમગ્ર દેશમાં લેવામાં આવી હતી, જેમાં ગુજરાતના લગભગ 79,000 વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો. પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર અમુકને કેમસ્ટ્રી તો અમુક વિદ્યાર્થીઓને ફિઝિક્સનું પેપર અઘરું લાગ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓએ બાયોલોજીનું પેપર પ્રમાણમાં સરળ હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન સુરતના એક પરીક્ષાકેન્દ્રમાં એક પિતાએ ગળામાં કંઠી પહેરવા બાબતે માથાકૂટ કરી હતી. તેમની દીકરીને પ્રવેશ પહેલા કંઠી કાઢવા કહ્યું હતું ત્યારે પિતાએ આનો વિરોધ કર્યો હતો. તેમણે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો અને હિન્દુની દીકરી કંઠી પહેરે તો કઢાવી નાખો છો તેવો સવાલ કર્યો હતો. હું લાહોર કે કરાંચીમાં નથી, પરંતુ હિન્દુ છું અને હિન્દુસ્તાનમાં ઊભો છું તેવી દલીલો તેમણે કરી હતી. ત્યારબાદ તેમણે દીકરીને બહાર બોલાવી કંઠી પહેરવા દબાણ કર્યું હતું, પરંતુ દીકરી ઢીલી પડી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તેમને સમજાવ્યા હતા. ત્યારબાદ મામલો થાળે પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.