Sun May 03 2026

Logo

સુરત-બેંકોક વચ્ચેની હવાઈસેવા રદઃ સુરત એરપોર્ટ પરથી એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્ નહીં

2026-05-03 19:57:54
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ટેક્સટાઈલ્સ અને ડાયમન્ડ ઉદ્યોગોને લીધે વૈશ્વિક ફલક પર વર્ષોથી પહોંચી ગયેલા સુરત શહેર પાસે હાલમાં વિશ્વના શહેરો સાથે કનેક્ટિવિટી નથી. પહેલી મેથી એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા અચાનક સુરત-બેંકોકની હવાઈસેવા રદ કરી નાખવામાં આવતા હાલમાં સુરત એરપોર્ટ પરથી એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્ જતી નથી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આ રૂટ પર મુસાફરોની ભારે માંગ હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ ડેટા અનુસાર, માર્ચ 2026 માં સુરત-બેંગકોક રૂટ પર 7,000 થી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી, તેમ છતાં  એરલાઇને સેવા બંધ કરતી વખતે આ રૂટ નફાકારક ન હોવાનું જણાવ્યું હતું. 

સુરત-બેંગકોક ફ્લાઇટ અઠવાડિયામાં ચાર વખત - સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે - સવારે 10:50 વાગ્યે સુરતથી ઉપડતી અને સાંજે 5:10 વાગ્યે બેંગકોક પહોંચતી હતી. જોકે સુરતથી ગલ્ફ સહિતના અન્ય દેશોમાં જતી ફ્લાઈટ્સ અગાઉ રદ થઈ છે. 

હાલમાં, સુરત એરપોર્ટથી ફક્ત ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કાર્યરત છે, જેમાં દિલ્હી, જયપુર, કોલકાતા, ગોવા, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા અન્ય રાજ્યોના શહેરો તેમજ જામનગર અને ભૂજ એમ ગુજરાતના બે શહેર મળી 22 ફ્લાઈટ્સ કાર્યરત છે.