Thu Oct 01 2026

Logo

સુરતમાં રૂપિયા 2000 કરોડનું બોગસ ITC કૌભાંડ: ભંગારના નાના વેપારીઓના નામે થયાં અબજોના વ્યવહાર

2026-09-05 18:05:53
Author: Vimal Prajapati
સુરતમાં રૂપિયા 2000 કરોડનું બોગસ ITC કૌભાંડ: ભંગારના નાના વેપારીઓના નામે થયાં અબજોના વ્યવહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ સુરતમાં રૂપિયા 2000 કરોડનું બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ સપાટી પર આવતાં સેન્ટ્રલ જીએસટી વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રોજિંદુ સામાન્ય ટર્નઓવર ધરાવતા ભંગારના પાંચ નાના વેપારીઓના નામે અચાનક અબજો રૂપિયાનો વ્યવહાર દેખાતાં ડીજીજીઆઈ વડોદરા અને સુરતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. આ પ્રાથમિક તપાસમાં આઈટીસીની મોટી રકમ મણિપુરની બોગસ શેલ કંપનીઓ દ્વારા ટ્રાન્સફર કરાઈ હોવાનું સામે આવતાં આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

રોજીંદી મજૂરી કરતા સ્ક્રેપ ડીલરોના નામે થયું કૌભાંડ

ડીજીજીઆઈની સઘન પૂછપરછ દરમિયાન રોજીંદી મજૂરી કરતા આ સ્ક્રેપ ડીલરો પોતાના ચોપડે અબજો રૂપિયાનું શંકાસ્પદ ટર્નઓવર જોઈને ખુદ સ્તબ્ધ થઈ ગયા હતા. તપાસ અધિકારીઓની શંકા મુજબ આ સામાન્ય વેપારીઓને અંધારામાં રાખીને અથવા તો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો છે. મણિપુરમાં બેઠેલા કૌભાંડીઓ પાસે સુરતના નાના વેપારીઓના જીએસટી નંબર, પાનકાર્ડ અને બેંક વિગતો કેવી રીતે પહોંચી તે દિશામાં ડિજિટલ ટ્રેઇલના આધારે તપાસ તેજ કરી દેવામાં આવી હતી.

આ આંતરરાજ્ય ગેંગમાં સામેલ અન્યની તપાસ શરૂ કરાઈ

આ કેસમાં આ તમામ પાંચેય સ્ક્રેપ ડીલર્સને ડીજીજીઆઈ કચેરીએ બોલાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. કોઈ સ્થાનિક એજન્ટે લાલચ આપીને દસ્તાવેજો મેળવ્યા હોવાની આશંકા વચ્ચે બેંક એકાઉન્ટ્સની વિગતો ખંખોળવામાં આવી રહી છે. રૂપિયા 2000 કરોડના આ મહાકૌભાંડના પડદા પાછળ બેઠેલા અસલી કિંગપિન અને આંતરરાજ્ય ગેંગના મોટા માથાઓ સુધી પહોંચવા માટે વડોદરા અને સુરતની સંયુક્ત ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.