અમદાવાદઃ ટી-20નો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા છેલ્લી આઠમાંથી પાંચ ઇનિંગ્સમાં શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો છે અને એમાં ખાસ કરીને વર્તમાન વર્લ્ડ કપમાં બુધવારે તેણે ઝીરોની હૅટ-ટ્રિક કરીને અમદાવાદીઓને પણ નારાજ કરી દીધા હતા અને તેની આ નિષ્ફળતાને પગલે બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે અભિષેક વિશે વિચારો વ્યક્ત કર્યા છે જેમાં ખાસ કરીને તેમણે કહ્યું છે કે તેણે દાવના પહેલા જ બૉલથી બિગ-શૉટ મારવાનું છોડી દેવું જોઈએ.
અભિષેક શર્મા આ વિશ્વ કપમાં અમેરિકા સામેની મૅચમાં પોતાના પ્રથમ બૉલમાં (પેસ બોલર અલી ખાનના બૉલમાં) કૅચઆઉટ થયો હતો, પાકિસ્તાન સામેની મૅચમાં (પોતાના ચોથા બૉલમાં) સ્પિનર સલમાન આગાના બૉલમાં કૅચઆઉટ થયો હતો અને બુધવારે નેધરલૅન્ડ્સ સામે પોતાના ત્રીજા બૉલમાં સ્પિનર આર્યન દત્તના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો.
અભિષેક આ ટૂર્નામેન્ટમાં સર્વોત્તમ બૅટ્સમૅન તરીકે પ્રવેશ્યો હતો, પરંતુ હૅટ-ટ્રિક ઝીરોને કારણે તેના ફૉર્મ વિશે સૌ ભારતીયો ચિંતિત છે. ટી-20 વર્લ્ડ કપમાં કોઈ એક ભારતીય પ્લેયરે સતત ત્રણ વખત શૂન્યમાં વિકેટ ગુમાવી હોય એવું પહેલી વખત બન્યું છે. ભારતના કોઈ બોલરના નામે પણ આવો ખરાબ રેકૉર્ડ નથી.
સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર કહ્યું, ` અભિષેક બહુ સારો ખેલાડી છે, પણ મને લાગે છે કે તે અપેક્ષાઓ (Expectations)ના ભારનો શિકાર થયો છે. તેણે જો ગયા અઠવાડિયે અમેરિકા સામેની મૅચમાં સારી શરૂઆત કરી હોત તો આજે તેના પર્ફોર્મન્સની સ્થિતિ અલગ હોત.
તે સિક્સ-હિટર અને વિશ્વના સર્વોચ્ચ ટી-20 બૅટ્સમૅન તરીકેનું માનસિક દબાણનો સામનો પણ કરી રહ્યો છે. તેણે ક્રીઝમાં આવ્યા બાદ શરૂઆતમાં ધૈર્યપૂર્વક રમવું જોઈએ. તેણે પહેલા જ બૉલમાં ચોગ્ગો કે છગ્ગો મારવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. બિગ શૉટ મારવા એ સારી વાત છે, પરંતુ તેણે અક્રોસ ધ લાઇન બિગ શૉટ મારવાની આદત કાઢી નાખવી જોઈએ.'
સની ગાવસકરે અભિષેક (Abhishek) વિશે એવું પણ કહ્યું હતું કે ` સિંગલ રન દોડીને ખાતું ખોલ. ચાર બૉલ જો ડૉટ જાય તો પણ ચિંતા નહીં કરવાની. પછીથી તે ફટકાબાજીથી કવર કરી શકે છે. શરૂઆતમાં તો સ્માર્ટ અભિગમ રાખીને જ રમવું જોઈએ. સેટ થવા માટે એકાદ-બે ઓવર લાગી જાય તો પણ કોઈ વાંધો નહીં, ત્યાર પછી નૅચરલ ગેમ રમીને આતશબાજી શરૂ કરી દેવાની.'
ગાવસકરે શિવમ વિશે શું કહ્યું?
બુધવારે અમદાવાદમાં નેધરલૅન્ડ્સ સામે ખાસ કરીને શિવમ દુબે (66 રન, 31 બૉલ, છ સિક્સર, ચાર ફોર તથા 35 રનમાં બે વિકેટ) તથા હાર્દિક પંડ્યા (30 રન, 21 બૉલ, ત્રણ સિક્સર તથા 40 રનમાં એક વિકેટ) અને વરુણ ચક્રવર્તી (3-0-14-3)ના સુપર પર્ફોર્મન્સથી 17 રનથી વિજય મેળવ્યો હતો. ગાવસકરે વરુણ ઉપરાંત બુમરાહ અને હાર્દિકની પણ પ્રશંસા કરી હતી, પરંતુ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અને રાઇટ-હૅન્ડ પેસ બોલર શિવમ દુબે વિશે તેમણે ચૅનલને કહ્યું, ` શિવમ એક નવા પ્રકારનો શૉટ રમવાનું શરૂ કરશે એટલે ભલભલા બોલર તેનાથી ડરશે.
શિવમની ખાસિયત એ છે કે તે અનેક પ્રકારના શૉટ રમી શકે છે એટલે તેને કેવો બૉલ ફેંકવો એ બોલરો માટે મોટી મૂંઝવણ છે. તે ઑફ સ્ટમ્પની બહારના બૉલને પણ લૉન્ગ ઑન પરથી બાઉન્ડરી લાઇન તરફ મોકલી શકે છે. બૉલને મિડ-વિકેટ કે સ્ક્વેર-લેગ પરથી કે લૉન્ગ-ઑફ પરથી પણ બાઉન્ડરી તરફ મોકલવાની તેનામાં સારી કળા છે. તે ઇન્સાઇડ-આઉટ શૉટમાં બૉલને એક્સ્ટ્રા કવર તરફ મોકલવાની કળા શીખી લેશે ત્યારે કોઈ પણ બોલર માટે માથાનો દુખાવો બની જશે. તે દરેક ઇનિંગ્સમાં બૅટ્સમૅન તરીકે જે રીતે પાકટ બની રહ્યો છે ભારત માટે ગુડ ન્યૂઝ છે.'