Thu Apr 30 2026

Logo

ભ્રષ્ટાચારમાં બદનામી ને સજા છતાં સુખરામની રાજકીય વગ ન ઘટી

2026-04-29 08:10:24
Author: પ્રફુલ શાહ
Article Image

પ્રફુલ શાહ

ખરેખર તો દેશમાં ટેલિફોન ક્રાંતિ લાવનારા પંડિત સુખરામ શર્માએ 1996ના ટેલિકોમ સ્કેમ માટે ઈતિહાસમાં નામ અંકિત કરાવી લીધું પણ પછી ગોટાળા માટે વધુ ચર્ચામાં રહ્યા ને છાપાની અણગમતી હેડલાઈન બનતા રહ્યા હતા. આથી જાણવું પડે કે શું હતું 1996નું ટેલિકોમ કૌભાંડ?

1993થી 1996 સુધી કેન્દ્રની કૉંગ્રેસી સરકારમાં દૂરસંચાર મંત્રી રહેલા સુખરામે એક ઇન્ટરવ્યૂમાં માહિતી આપી હતી કે ભારતમાં મોબાઇલ ટેક્નોલોજી કેવી રીતે લાવવામાં આવી. 1995ની 31મી જુલાઇએ પહેલીવાર ભારતમાં મોબાઇલ કોલ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી સુખરામ અને પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાન જ્યોતિ બસુ વચ્ચે આ પહેલી વાતચીત થઈ હતી અને ફોન નોકિયાનો હતો. આમ મોબાઇલ ફોનના દેશમાં આગમનથી સુખરામનું રાજકીય વજન એકદમ વધી ગયું. 

1963થી રાજકીય સફરની શરૂઆત કરનાર હિમાચલ પ્રદેશનો આ દિગ્ગજ રાજકીય ચહેરાના પતનની શરૂઆત 1996માં થઈ. એવી ભયંકર બદનામી થઈ કે જીવનભર એમાંથી છુટકારો ન જ મળ્યો. 

થયું એવું કે નવાસવા ભૂતપૂર્વ દૂરસંચાર પ્રધાન બનેલા સુખરામના ઘરમાં 1996માં સીબીઆઈ ના દરોડા પડ્યા હતા. યાદ રહે કે ત્યારે દેશમાં પી.વી. નરસિંહ રાવની સરકાર હતી. સુખરામના દિલ્હી અને હિમાચલ પ્રદેશ સ્થિત મંડિના ઘરોમાંથી ચલણી નોટોથી ભરેલા સુટકેસ અને બેગ મળ્યા હતા. તે સમયે 4 કરોડથી વધુ રૂપિયા તેમની પાસેથી મળ્યા હતા. આજના ભ્રષ્ટાચારના ધોરણે આ રકમ ચણા-મમરા લાગે પણ ત્યારે અધધ લાગતા ભ્રષ્ટાચારના મામલામાં કૉંગ્રેસનો એક દિગ્ગજ નેતા ઘેરાયો હતો. સ્વાભાવિક છે કે સુખરામ સમજાવી શક્યા નહોતા કે આ પૈસાનો કાયદેસર સ્ત્રોત શું હતો. 

એવું બહાર આવ્યું કે તેમણે દૂરસંચાર મંત્રાલયમાં રહીને ગેરકાયદે રીતે અનેક ખાનગી કંપનીઓને ભારે ફાયદો પહોંચાડ્યો હતો. આને પરિણામે સરકારી તિજોરીને નુકસાન થયું હતું. જો આ તોતિંગ ભ્રષ્ટાચાર હોય તો ગમે તેવો ધુરંધર એકલો પૂરેપૂરી મલાઈ ખાઈ ન જ શકે. 

પરંતુ સુખરામને પોતીકાઓએ જ કુઠરાઘાત આપ્યા હતા. તેમને સજા અપાવવામાં કૉંગ્રેસના નેતાઓની જ ભૂમિકા નિર્ણાયક રહી એમ કહી શકાય. સુખરામના સમયના વડા પ્રધાન પીવી નરસિંહ રાવ અને તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ સીબીઆઇને નિવેદન આપ્યું હતું કે જપ્ત કરાયેલી રોકડ રકમ પૈસા સુખરામના જ છે.

સુખરામની બદનામી વધતાં કૉંગ્રેસે તેમને પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. 1997માં હિમાચલ વિકાસ કૉંગ્રેસ બનાવી અને 1998ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરીને સરકારમાં પણ સામેલ થયા હતા. એમના પ્રાદેશિક પક્ષના સુખરામ સહિત પાંચ વિધાનસભ્યો પ્રધાન બન્યા હતા. એમના પુત્ર અનિલ શર્મા 1998માં રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા એટલુ સુખરામનું રાજકીય સામર્થ્ય ખરું. 2003માં સુખરામ ફરી મંડિથી જીત્યા અને ફરી કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યો. અને 2017માં સુખરામ પુત્ર સાથે ભાજપમાં જોડાયા પરંતુ બે વર્ષમાં જ કૉંગ્રેસમાં ‘ઘર વાપસી’ કરી. સુખરામના પુત્ર અનિલ શર્મા મંડિથી ભાજપના વિધાનસભ્ય છે. 

જોકે પછી તેઓ ફરી કૉંગ્રેસમાં આવ્યા અને પરિવાર ભાજપમાં પણ ગયો. નવી સદી શરૂ થતા જ સુખરામને સજા થવા લાગી. 2002માં તેમને ત્રણ વર્ષની સજા થઈ હતી. પ્રધાનપદનો દુરુપયોગ કરતા તેમણે એક ખાનગી કંપનીને સામાન સપ્લાય કરવાનો ઠેકો આપ્યો જેનાથી સરકારને 1.66 કરોડ રૂપિયાનું નુકસાન થયાનું સાબિત થયું હતું. અન્ય એક મામલામાં પદનો દુરુપયોગ કરતા તેમણે એક ખાનગી કંપનીને ઠેકો આપ્યો અને બદલામાં ત્રણ લાખ રૂપિયાની લાંચ લીધી. 

એક કંપનીને તેમણે દૂરસંચાર વિભાગને 30 કરોડ રૂપિયાના કેબલ વેચવા માટે ઠેકો આપ્યો હતો અને તેના બદલામાં પૈસા લીધા હતા. 2011માં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા અને પાંચ વર્ષની સજા આપવામાં આવી. આ પહેલાં સુખરામને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં 2009માં દોષી ઠરાવવામાં આવ્યા હતા. તેમની સામે 4.25 કરોડ રૂપિયા ગેરકાયદે રીતે કમાવવાના આરોપ લાગ્યા હતા.

2011ના નવેમ્બરમાં સુખરામની રાહત માટેની અપીલને નકારી કાઢતાં, વિશેષ સીબીઆઇ જજ આરપી પાંડેએ આ 86 વર્ષીય રાજકારણીને ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પૂર્વ ટેલિકોમ મંત્રીના વકીલે તેમની વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખીને અદાલતને સહાનુભૂતિ બતાવવા વિનંતી કરી હતી. પરંતુ પ્રોસિક્યુટરે તેમને ‘રીઢા ગુનેગાર’ ગણાવ્યા હતા કે, જેણે જનતાના વિશ્વાસ સાથે ‘દ્રોહ’ કર્યો હતો અને તેઓ પહેલાથી જ બે અન્ય કેસોમાં સજા પામી ચૂક્યા હતા.

ચુકાદો જાહેર કરતાં જ સુખરામને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને લોકઅપ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે હરવિંદર સિંહ નામના યુવાને તેમના પર હુમલો કર્યો હતો. સુખરામને તિહારની જેલ નંબર વનમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં અન્ય પૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજા પહેલેથી બંધ હતા.

તેમના શર્મા પરિવારનો હિમાચલના બ્રાહ્મણોમાં નોંધપાત્ર પ્રભાવ છે. આ રાજ્યના મતદાતાઓ માં લગભગ 20 ટકા બ્રાહ્મણો છે. તેમના એક પૌત્ર આયુષ શર્મા અભિનેતા છે અને સુપરસ્ટાર સલમાન ખાનની બહેન સાથે તેમના લગ્ન થયા છે. આયુષ શર્મા પહેલા હીરો ને પછી નિર્માતા બન્યા પણ હજી સુધી સફળતા હાથ લાગી નથી. 

પંડિત સુખરામે ઉંમર અને વિવિધ માંદગીને પગલે 2022માં 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને ભ્રષ્ટાચારના મામલામાં ભલે સજા થઈ હોય પરંતુ જનતાએ તેમને ક્યારેય દિલથી દૂર કર્યા નહોતા. જનતાના તો તેઓ હંમેશાં ‘પંડિતજી’ જ રહ્યા હતા. 
(સંપૂર્ણ)