ભુજઃ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ-કંડલા સંકુલ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સ્પાઈસ જેટ કંપની દ્વારા આગામી ૨૨ એપ્રિલથી કંડલા-મુંબઈ વચ્ચેની વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા ઉદ્યોગજગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોર્ટ આધારિત ઉદ્યોગોથી ધમધમતા આ સંકુલની કનેક્ટિવિટી તૂટવાથી ઔદ્યોગિક વિકાસ પર બ્રેક લાગશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ, સ્પાઈસ જેટ દ્વારા કથિત આર્થિક સંકટના કારણે મુંબઈની ઉડાન બંધ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, કંડલા એરપોર્ટ પરથી અગાઉ અમદાવાદ અને દિલ્હીની સેવાઓ પણ બંધ થઈ ચૂકી છે. નવાઈની વાત એ છે કે, કોરોનાકાળ બાદ કંડલાથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટમાં મુસાફરોનો ધસારો ખૂબ જ સારો રહેતો હોવા છતાં કંપની દ્વારા આ સેવા સંકેલી લેવામાં આવી રહી છે. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું કે તેઓ અન્ય વિમાની કંપનીઓ સાથે મંત્રણા કરી રહ્યા છે, પરંતુ હાલ પૂરતું કોઈ નક્કર પરિણામ દેખાતું નથી.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે વિમાન સેવા બંધ કરવાના કંપનીના આ નિર્ણયને ગાંધીધામ સંકુલ માટે ભારે નુકસાનકારક ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "જ્યારે પણ વિમાની કંપનીઓમાં ટેકનિકલ ખામી સર્જાય છે, ત્યારે સૌથી પહેલા કચ્છની સેવાને જ નિશાન બનાવવામાં આવે છે. કંડલામાં વિમાની સેવા સક્ષમ બનાવવા માટે 'ગ્રીન ફિલ્ડ એરપોર્ટ' અત્યંત જરૂરી છે."
બીજી તરફ, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન્સ (ફોકિયા) ના એમ.ડી.નિમિષ ફડકેએ પણ કાયમી વિકલ્પ શોધવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે સક્રિય રસ દાખવે તે જરૂરી છે. ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશ પુજે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે શિપિંગ મંત્રાલય દ્વારા સત્વરે એવિએશન મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવે, અન્યથા કંડલા બંદરના ભાવિ પ્રકલ્પો પર માઠી અસર થશે.
કંડલા ટિમ્બર એસોસિએશનના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવે જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈની ડાયરેક્ટ ફ્લાઈટના અભાવે ઉદ્યોગકારોને વાયા અમદાવાદ આવવું પડે છે, જેમાં વધારાના ૬ કલાક બગડે છે. કોઈ પણ મોટો ઉદ્યોગકાર આટલો સમય બગાડવા તૈયાર નથી. બીજી તરફ, અગ્રણી નમક ઉદ્યોગકાર બાબુભાઈ હુંબલે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ૨૨ એપ્રિલ પહેલા અન્ય કોઈ કંપનીની સેવા શરૂ થાય તે માટે તેઓ કેન્દ્ર અને રાજ્ય સ્તરે રજૂઆત કરશે. રન-વેનું વિસ્તરણ કરીને મોટા વિમાન ઉતરે તેવી સુવિધા વિકસાવવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે.
અગ્રણી વેપારી સમીર ગર્ગે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક હબમાં કનેક્ટિવિટી મહત્વનો ભાગ ભજવે છે. સ્પાઈસ જેટ સિવાય અન્ય કંપનીઓને પણ સ્લોટ ફાળવવા જોઈએ જેથી કોઈ એક કંપનીની મોનોપોલી ન રહે.
અગાઉ પણ વર્ષો સુધી કંડલા એરપોર્ટ વિમાની સેવા વગર સૂનું રહ્યું હતું, ત્યારે ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ ન થાય તે જોવાની જવાબદારી પ્રશાસન અને સરકારની છે.
આગામી ૨૨ એપ્રિલ બાદ કંડલા એરપોર્ટ પરથી મુંબઈની છેલ્લી ફ્લાઈટ ઉડ્યા બાદ ગાંધીધામ સંકુલ ફરી એકવાર વિમાની સેવાના નકશા પરથી ભૂંસાઈ જશે કે કેમ, તે યક્ષ પ્રશ્ન હાલ ઉદ્યોગજગતમાં ચર્ચાના સ્થાને છે.
(ઉત્સવ વૈદ્ય)