ડરબન: દક્ષિણ આફ્રિકાના ડરબન શહેર નજીક આવેલા એક રહેણાંક વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે સામૂહિક ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી છે. કેટલાક હથિયારબંધ શખ્સોએ એક મકાનમાં અચાનક ઘૂસીને ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. આ ભીષણ હુમલામાં ગર્ભવતી મહિલા સહિત ઓછામાં ઓછા 11 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચાલો વિગતે જાણીએ શું છે સમગ્ર મામલો...
પાર્ટી વખતે અચાનક બંદૂકધારીઓએ કર્યું ફાયરિંગ
આ લોહિયાળ ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો ડરબન નજીક આવેલા ક્વામખૂતા ટાઉનશિપની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના સમયે મકાનની અંદર 13 પુરુષો અને 1 મહિલા સહિત કુલ 14 લોકો એકઠા થઈને પાર્ટી કરી રહ્યાં હતા. તે જ સમયે અચાનક ત્રણ અજાણ્યાં બંદૂકધારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને કંઈ પણ વિચારવાની કોઈ તક મળે એ પહેલા અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર વખતે લોકોને ભાગવા માટે કે બચવા માટે સમય પણ મળ્યો નહોતો.
ગોળીબારમાં ગર્ભવતી મહિલાનું પણ મોત થયું
ગોળીબાર એટલો ભયાનક હતો કે 10 લોકોએ ઘટનાસ્થળે કરૂણ મોત થઈ ગયાં હતા, જ્યારે 4 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. આ ગોળીબારમાં પ્રાણ ગુમાવનાર મહિલા ગર્ભવતી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. હુમલાખોરોએ ભાગતા પહેલા પીડિતોમાંથી એકની કારને આગ ચાંપી દીધી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં.
હુમલાખોરોને પકડવા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ
આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પ્રાથમિક તપાસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે, મૃતકોમાંથી કેટલાક લોકો ગેરકાયદે પ્રવૃત્તિઓ સંબંધિત કેસોમાં પહેલાથી જ પોલીસની 'વોચ લિસ્ટ'માં સામેલ હતાં. પ્રાથમિક તારણ મુજબ આ હત્યાકાંડ પાછળ બે ગેંગ વચ્ચેની કોઈ જૂના વિવાદે ગોળીબાર થયો હોવાની પ્રબળ આશંકા છે.