Thu Oct 01 2026

Logo

પુણેના શ્રીમંત દગડુશેઠ હલવાઇ ગણપતિ

2026-09-21 08:28:10
Author: Umesh Trivedi
પુણેના શ્રીમંત દગડુશેઠ હલવાઇ ગણપતિ

ઉમેશ ત્રિવેદી

પુણે શહેરના હાર્દ સમા વિસ્તારમાં દગડુશેઠ હલવાઇ ગણપતિનું મંદિર આવેલું છે. આખા વર્ષ દરમિયાન અહીં લાખો લોકો દર્શને આવે છે અને ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન અહીં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. આ દગડુશેઠના ગણપતિ વિશ્વપ્રસિદ્ધ છે અને અહીંની મૂર્તિને `નવસાચા ગણપતિ' પણ કહેવામાં આવે છે. નવસાચા ગણપતિ એટલે કે માનતાના ગણપતિ. અહીં આવનારા ભક્તો ગણપતિ દર્શન કર્યા પછી કોઇને કોઇ માનતા માને છે અને તેમની માનતા પૂરી થઇ જાય તો તેઓ અહીં ફરી દર્શને આવે છે.

ગણેશોત્સવના 10 દિવસ તો ઠીક પણ અહીં આખું વર્ષ ભક્તજનોની અવરજવર રહે છે. આ મંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે રસ્તા પરથી જતાં- આવતાં પણ આ ગણપતિના આસાનીથી દર્શન કરી શકાય છે. સન 1890ની સાલમાં પુણેમાં દગડુશેઠની મીઠાઇની દુકાન હતી. આ દુકાન અત્યારે પુણેમાં દત્ત મંદિર નજીક હજી પણ આવેલી છે અને તેનું નામ `દગડુશેઠ હલવાઇ સ્વીટ્સ' છે.

 તે સમયે પૂણેમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. દગડુશેઠ અને પત્ની લક્ષ્મીબાઇને એકમાત્ર પુત્ર હતો. 1892ની સાલમાં પુણેમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તેમના આ પુત્રનું અવસાન થયું હતું. ત્યારે એક મહારાજે પુત્રની યાદમાં પુણેમાં એક ગણપતિનું મંદિર સ્થાપવાની સલાહ આપી. થોડા સમય પછી દગડુશેઠે પોતાના ભત્રીજા ગોવિંદ શેઠને દત્તક લીધો હતો.

દગડુશેઠે જે મંદિર બનાવ્યું હતું અને તેમાં જે ગણપતિની મૂર્તિની સ્થાપના કરી હતી, તે ગોવિંદ શેઠે હટાવીને તેના સ્થઆને નવી મૂર્તિની સ્થાપના કરી તે અત્યારે આ મંદિરમાં બિરાજમાન છે અને દગડુ શેઠે જે મૂર્તિ સ્થાપી હતી તે અત્યારે પુણેમાં આવેલા અકરા મારુતિ ચોકના મંદિરમાં છે. દગડુ શેઠ પોતે એક હલવાઇની સાથે જ પહેલવાન પણ હતા.

ગોવિંદ શેઠે ત્યાર પછી મંદિરમાં ગણેશ ઉત્સવ, દત્ત જયંતી અને બીજા તહેવારો ઉજવવાની શરૂઆત કરી હતી. દગડુશેઠ અને તેમનાં પત્ની લક્ષ્મીબાઇ રહેતાં હતાં તે મકાન જયાં હતું. એ વિસ્તારને પુણેમાં લક્ષ્મીરોડ તરીકે ઓળખવામાં આવે છે અને એ મકાન લક્ષ્મીબાઇ દગડુશેઠ હલવાઇ સંસ્થાન દત્ત મંદિર ટ્રસ્ટને નામે ઓળખાય છે.

ગોવિંદ શેઠનું 1943માં મૃત્યુ થયું અને 1926ના તેમના ઘરે જન્મેલા દત્તાત્રેય ગોવિંદરામ શેઠ આ મંદિરમાં જે મૂર્તિ હતી એની જગ્યાએ નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. અત્યારે મંદિરમાં બિરાજમાન ગણપતિની મૂર્તિ છે એ દત્તાત્રેય સ્થાપેલી મૂર્તિ છે અને એ `નવસાચા ગણપતિ' તરીકે ઓળખાય છે.

128 વર્ષથી અહીં કાયમી ગણેશોત્સવ મોટા પાયે ઉજવવામાં આવે છે. 2020માં કોરોનાને કારણે પહેલીવાર અહીં ઉત્સવ મનાવવામાં આવ્યો નહોતો. આ મંદિરની રચના એ રીતે કરવામાં આવી છે કે મંદિરમાં જે પૂજાપાઠ થાય એ બહાર રસ્તા પરથી જોઇ શકાય અને મૂર્તિના દર્શન પણ કરી શકાય.

મંદિરમાં જે ગણપતિની મૂર્તિ છે 2.2મીટર ઊંચી અને એક મીટર પહોળી છે. આ મૂર્તિને બનાવતી વખતે અને પછી શણગારતી વખતે 40 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંદિરને જે ભેટ ચઢાવવામાં આવે છે અને જે ડોનેશન તેમને મળે છે તેની દેખરેખ શ્રીમંત દગડુ શેઠ હલવાઇ ગણપતી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ ગણપતી અને આ ટ્રસ્ટ એ મહારાષ્ટ્રમાં સૌથી શ્રીમંત ટ્રસ્ટમાંનું એક ગણાય છે. 

અહીં ગણેશોત્સવ દરમિયાન ભજન સંધ્યા મહિલાઓ દ્વારા અથર્વશીર્ષના પાઠ, સંગીત સંધ્યા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.  આ બધું આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને તેમાં આજુબાજુ મંદિરો પણ જોડાય છે. અહીં મહિલાઓ દ્વારા જે અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે, તેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાય છે અને તેની ઘણીવાર ગિનીઝ બુકમાં નોંધ લેવામાં આવી છે.

શ્રીમંત દગડુશેઠ હલવાઇ ગણપતિ ટ્રસ્ટ દ્વારા પુણેના કોંઢવા વિસ્તારમાં `ઘરડા ઘર' ચલાવવામાં આવે છે, જેનું નામ `પિતાશ્રી' રાખવામાં આવ્યું છે. આ `ઘરડા ઘર'ની સ્થાપના મે-2003માં કરવામાં આવી છે. ટ્રસ્ટની આ ઇમારતમાં જ 400 જેટલા વિદ્યાર્થીઓને રહેવાની પણ સગવડ છે. આ 400 વિદ્યાર્થીઓનો ભણતરનો ખર્ચ, રહેવા - જમવાનો ખર્ચ બધું જ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા પુણે જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. મંદિરમાં ગણેશોત્સવ, દત્ત જયંતી, ગુડી પડવા અને રામનવમી જેવાં તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.

દગડુશેઠ હલવાઇના અત્યારના જે ગણપતિ છે અત્યાર સુધી દુનિયામાં એક માત્ર હતા. ગણેશોત્સવ દરમિયાન મૂર્તિકારો એવી મૂર્તિની રચના કરે છે, પણ એનું મંદિર નથી. જોકે થોડા સમય પહેલાં થાઇલેન્ડ ફુકેટમાં અદલ દગડુશેઠના ગણપતિ જેવી જ મૂર્તિની સ્થાપના કરીને મંદિર બનાવવામાં આવ્યું છે અને હાલમાં ત્યાં ગણેશોત્સવનું પહેલી જ વાર આયોજન કરવામાં આવ્યું છે.

જોકે, થાઇલેન્ડમાં સ્થાપવામાં આવેલી આ મૂર્તિની ખૂબ જ રોચક વાત છે. થાઇલેન્ડની એક મહિલા ઉદ્યોગપતિ 2005માં પુણેનાં `દગડુશેઠ હલવાઇના ગણપતિ'ના દર્શન કરવા આવી હતી. તે આ મૂર્તિ અને ગણેશની ભક્તિમાં એટલી ઓતપ્રોત થઇ ગઇ અને મોહિત થઇ ગઇ કે પછી દર મહિને તે થાઇલેન્ડથી આ મૂર્તિના દર્શન કરવા આવવા લાગી. તેની ઇચ્છા એવી હતી કે થાઇલેન્ડમાં પણ `શ્રીમંત દગડુશેઠ ગણપતિ'ની સ્થાપના કરવામાં આવે.

આ માટે તેણે ટ્રસ્ટનો સંપર્ક કર્યો. પણ ટ્રસ્ટે તેને એની સ્થાપના પરવાનગી ન આપી. જોકે, મહિલાની ભક્તિ જોઇને ટ્રસ્ટે કેટલાંક વર્ષો પછી એ અનુમતી આપી. હૂબહૂ પુણે જેવા ગણપતિ તૈયાર કરવામાં આવ્યા અને 700 કિલો વજનની આ મૂર્તિ જહાજ દ્વારા થાઇલેન્ડ મોકલવામાં  આવી અને પુણેના મંદિર જેવું જ મંદિર થાઇલેન્ડના ફુકેટમાં ઊભું કરવામાં આવ્યું છે. આમ, એક મહિલાની ભક્તિને કારણે થાઇલેન્ડમાં `શ્રીમંત દગડુશેઠ હલવાઇ'ના ગણપતિ બિરાજમાન થયા છે.