Mon Sep 07 2026

Logo

કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ: 'સમુદ્ર મંથન' યોજનાને ગણાવ્યું ₹ 84,084 કરોડનું કૌભાંડ

2026-08-31 20:05:06
Author: Devayat Khatana
કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ: 'સમુદ્ર મંથન' યોજનાને ગણાવ્યું ₹ 84,084 કરોડનું કૌભાંડ

અમદાવાદ: કેન્દ્રની ભાજપ સરકારની નવી 'સમુદ્ર મંથન' યોજના પર કોંગ્રેસએ ગંભીર આક્ષેપો લગાવતા તેને 84,084 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ ગણાવ્યું હતું. આ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે સીધો આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 1 ઓગસ્ટના રોજ મંજૂર કરવામાં આવેલી આ યોજના દેશની જનતા કે યુવાનોના કલ્યાણ માટે નહીં, પરંતુ માત્ર વડા પ્રધાનના 'મિત્ર'ને ફાયદો કરાવવા માટે લાવવામાં આવી છે.

તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આ 'સમુદ્ર મંથન'માં દેશની જનતાના ભાગે માત્ર ઝેર આવશે, જ્યારે વડા પ્રધાનના 'મિત્ર'ના ભાગે અમૃત જશે. સરકારની નીતિઓ પર પ્રહાર કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ સરકારની કોઈ પણ નવી યોજના, નીતિગત ફેરફાર કે નાણાંની ફાળવણી ખેડૂતો કે લઘુ ઉદ્યોગોના હિતમાં નથી, પરંતુ માત્ર મૂડીવાદી મિત્રોના ખિસ્સા ભરવા માટે જ બનાવવામાં આવે છે. 

તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેલ અને ગેસના સંશોધન માટે 27,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જોકે, CAG રિપોર્ટમાં જણાવાયું છે કે કંઈ મળ્યું નથી, એટલે કે બધા પૈસા વેડફાયા હતા, અને કુવાઓ ફક્ત કાગળ પર જ બનાવવામાં આવ્યા હતા. 

આ યોજનાની કાર્યપદ્ધતિ સમજાવતા તેમણે વાત કરી હતી કે, સરકાર સમુદ્રમાં તેલ અને ગેસ શોધવાના ખર્ચ, ડીપ-સી ડ્રિલિંગ, સિસ્મિક સર્વે અને ઓફશોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ થતા ખર્ચના 50 ટકા સુધીની નાણાકીય સહાય આપશે, પરંતુ સફળતા મળ્યે તેનો નફો ખાનગી કંપનીઓ જ લઈ જશે. 

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ યોજનાનો સૌથી મોટો લાભ ઉદ્યોગપતિઓને થશે, જેમાં તે ગ્રુપનો 65 ટકા હિસ્સો છે. આ કંપની પાસે મુંબઈ ઓફશોર બેસિન, તાપી-દમણ અને કચ્છમાં સંશોધનના અધિકારો છે અને તે આગામી મહિનાઓમાં મોટું તેલ અને ગેસ સંશોધન શરૂ કરવાની તૈયારીમાં છે.

કોંગ્રેસે આ મુદ્દે દેશની ઉર્જા સુરક્ષા અને ONGCની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે અને તેણે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે સરકારી કંપની ONGC પાસે તેલ અને ગેસ સંશોધનનો દાયકાઓનો બહોળો અનુભવ છે, તો પછી તેમને પ્રાથમિક ભૂમિકા આપવાના બદલે ખાનગી કંપનીઓને પ્રજાના પૈસે કેમ ફાયદો કરાવાઈ રહ્યો છે? 

દેશની ભવિષ્યની ઉર્જા જરૂરિયાતો અને આર્થિક વિકાસ માટે સ્થાનિક ઉત્પાદન વધારવું જરૂરી છે, પરંતુ સરકાર પોતાની જ જાહેર સાહસ કંપનીના હિતોને નુકસાન પહોંચાડીને માત્ર એક ખાનગી કંપનીને જ કેમ જોખમમુક્ત કરી રહી છે?

અગાઉ એરપોર્ટ, સોલાર પ્રોજેક્ટ અને અનાજ સંગ્રહની નીતિઓમાં પણ તેમના મિત્રને ફાયદો કરાવાયો હોવાનો ઉલ્લેખ કરી કોંગ્રેસએ ઉગ્ર માંગ કરી છે. પક્ષે સ્પષ્ટ માંગ કરી છે કે "સમુદ્ર મંથન" યોજના તાત્કાલિક રદ કરવામાં આવે અથવા ફાળવવામાં આવેલા પૂરા 84 હજાર કરોડ રૂપિયા ONGCને આપવામાં આવે, જેથી નવી રોજગારી ઊભી થઈ શકે. કોંગ્રેસે જણાવાયું હતું કે સાચા અર્થમાં સમુદ્ર મંથનથી કરદાતાના પૈસા કોઈ એક કંપનીના નફા માટે ન વપરાવા જોઈએ, પરંતુ તેનો ફાયદો દરેક ભારતીયને મળવો જોઈએ, માત્ર ઉદ્યોગપતિને નહીં.