Fri Apr 17 2026

Logo

સાઉદી વિસ્ફોટમાં શું ખરેખર ભારતીયનું મોત થયું? જાણો ભારતીય દૂતાવાસે શું કહ્યું

Riyadh   2026-03-09 12:32:00
Author: Devayat Khatana
Article Image

રિયાધ: મિડલ ઈસ્ટની સ્થિતિએ ખાડી દેશોમાં વસતા ભારતીયોની સુરક્ષા મુદ્દે ચિંતા જગાવી છે. તાજેતરમાં પ્રસારિત થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયાના અલ-ખર્જ વિસ્તારમાં રવિવારે સાંજે એક સૈન્ય પ્રોજેક્ટાઇલ (ગોળો) રહેણાંક વિસ્તારમાં ખાબકતા મોટું નુકસાન થયું હતું. જેમાં એક ભારતીય સહિત બે લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ભારતીય દૂતાવાસે નિવેદન આપ્યું છે. 

સાઉદી અરેબિયાના અલ-ખર્જ વિસ્તારમાં સૈન્ય પ્રોજેક્ટાઇલ (ગોળો) રહેણાંક વિસ્તારમાં ખાબકતા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા  અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. સાઉદી સત્તાવાળાઓએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ઉલ્લંઘન ગણાવી તેની સખત નિંદા કરી હતી. આ હુમલામાં એક ભારતીયના મોતના દાવાને ભારતીય દૂતાવાસે નકારી કાઢ્યો છે. 
 

આ ઘટના અંગે ભારતીય દૂતાવાસ દ્વારા મહત્વનું સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું છે. દૂતાવાસે રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, અલ-ખર્જની આ કમનસીબ ઘટનામાં કોઈ પણ ભારતીય નાગરિકનું મૃત્યુ થયું નથી. દૂતાવાસ આ ગંભીર મુદ્દે સંબંધિત સાઉદી સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે. અગાઉના અહેવાલોમાં મૃતકોમાં ભારતીય હોવાની વાત સામે આવી હતી, પરંતુ દૂતાવાસના સત્તાવાર નિવેદનથી હવે સ્થિતિ સ્પષ્ટ થઈ છે.

ભારતીય દૂતાવાસના કાઉન્સેલર (CW)  વાય. સાબિરે ગત રાત્રે જ અલ-ખર્જની મુલાકાત લીધી હતી. તેમણે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય નાગરિક સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. હાલમાં ઈજાગ્રસ્ત ભારતીય શ્રમિક અલ-ખર્જની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે.