Tue Aug 18 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ મૂવી ને મોબાઇલ: નાનો પડદો વિરુદ્ધ મોટો પડદો

2026-08-07 08:52:00
Author: Sanjay Chhel
Article Image

 

સંજય છેલ 

‘મોટા પડદાથી લઈને ફોનની ચમકતી સ્ક્રીન સુધી, કળા હવે સંવેદના નથી રહી, પણ માત્ર 24 કલાક ચાલતો તમાશો બની ગઈ છે.’ 
નસીરુદ્દીન શાહ

‘લોકોને હવે ગહન વાર્તા નથી જોઈતી, એમને તો બસ એવું કન્ટેન્ટ જોઈએ છે, જે તેમના માનસિક શૂન્યાવકાશને થોડી સેકન્ડ માટે ભરી દે.’ 
સૌરભ શુક્લા, લેખક-કલાકાર

છેલ્લાં 1 મહિનાથી સોશ્યલ મીડિયાનો વપરાશ રાતોરાત વધ્યો અને દેશની રાજધાનીથી લઈને મોટાં મોટાં  શહેરોના કોફી શોપ્સ, બાર કે રેસ્ટોરેંન્ટસમાં એક જ નામ ગૂંજવા લાગ્યું: ‘સીજેપી’ એટલે કે ‘કોક્રોચ જનતા પાર્ટી’, જેણે આમ તો ‘નીટ’ પરીક્ષાપત્ર ફૂટવાનાં મુદ્દે દિલ્હીનાં જંતરમંતર મેદાનમાં આંદોલન કરેલું. 

આ કોઈ ગંભીર રાજકીય ચળવળ લાગતી નહોતી પણ ‘ઝેન- ઝી’ એટલે કે 1997-2022 વચ્ચે જન્મેલી પેઢીનાં હજારો ને અન્ય લાખો યુવાન-યુવતીઓ રસ્તા પર ઊતરી આવેલા. તેમના હાથમાં પોસ્ટરો હતાં, આંખોમાં આક્રોશ હતો. રસ્તાની એક બાજુએ કોઇ છોકરો હાથમાં માઈક લઈને ગંભીર નારા લગાવતો હતો ને બીજી જ સેકન્ડે તેનો દોસ્ત કેમેરા સામે આવીને બોલતો હતો: ‘દોસ્તો, હિંદુ-મુસ્લિમ છોડો, શિક્ષણને બચાવો’ આવી ડાહી વાતોથી લઇને અતિશય રમૂજી-ક્રિએટિવ વાતો પણ હતી ને કશેક અશ્લીલતા પણ ખરી.... 

આખરે જ્યારે સરકાર ઝૂકી અને શિક્ષાપ્રધાને રાજીનામું આપવું પડ્યું ત્યારે ચળવળ અટકી અને પછી પાટનગરની સડક પર ડાન્સ થયા, બિયર બાર્સમાં ડિજિટલ યુગના સ્ટાર્સ આ જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. ખુદ વડા પ્રધાન મોદીજીએ ઇન્સ્ટાગ્રામ પર વારે વારે રીલ્સ મૂકીને યંગ લોકોને મનાવવા પડ્યા! આ ઇન શોર્ટ, હવે ક્રાંતિ મનોરંજનકળા અને તમાશા વચ્ચેની સીમા રેખાઓ કેવી ભૂંસાઈ ગઈ છે. 

એવામાં મૂવીજગત પર મોબાઇલની ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે યુટયૂબની આઇટેમો ભારી પડી રહી છે. હવે ફોન પર મનોરંજક રીલ્સ, ક્રાઇમ સમાચારોના કે અશ્લીલ વીડિયો વગેરે જોઇ જોઇને લોકોની મનોરંજનની ભૂખ જ ભાંગી ગઇ છે, કારણકે 24 કલાક મનોરંજન ફોન પર હાથવગું છે. વળી, નવી ફિલ્મો કે વેબસિરીઝો પણ ‘ટેલિગ્રામ’ એપ કે બીજી સર્વિસથી પલક ઝપકાવતાં મળી જાય છે.

અગાઉ ફિલ્મોની વાર્તામાં ગુનાખોરી, અન્યાય, બળાત્કાર, ભ્રષ્ટાચાર, રાજકારણ વગેરે જે જે સામાજિક મુદ્દાઓ આવતા એ હવે માત્ર 15 સેક્ધડના વીડિયોઝ ને વાયરલ ટ્રેન્ડ્સમાં ફેરવાઈ ગયા છે. ચર્ચા, અભિપ્રાયો અને આક્રોશ પણ હવે પળભરમાં ફોન પરનો મસાલો બની જાય છે.

મહાન શાયર અહમદ ફરાઝે સાચું જ કહ્યું હતું:
‘ઈસ દૌર-એ-તમાશેમાં હુન્નર કૌન પરખતા હૈ?
યહાં જો જીતના શોર મચાએ, વો સિકંદર કહેલાતા હે.’

હમણાં મુંબઈના નાટ્યગૃહમાં એક અનુભવી દિગ્દર્શકે પોતાના નવા નાટકનો પ્રયોગ રાખ્યો હતો. એક યુવાન પ્રેક્ષકે એમને ખૂબ ઉત્સાહથી કહ્યું: ‘સર, નાટક ખૂબ જ અદ્ભુત હતું! પણ જો તમે પેલા વિલનની એન્ટ્રી વખતે એક નાનો ડાન્સ મૂકી દીધો હોત ને વચ્ચે થોડા પંચલાઈન ઉમેર્યા હોત, તો એનો 30 સેકન્ડનો વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ જાત!’ 

આ ટ્રેજીકોમિક કિસ્સો, આજના સમયની વાસ્તવિકતા કે કરૂણતા છતી કરે છે. એક જમાનો હતો જ્યારે થિયેટરમાં નાટક જોવા માટે લોકો પોતાની સાંજ સાચવી રાખતા. લેખકો દિવસો સુધી વિચારી વિચારીને લખતા, દિગ્દર્શકો પાત્રના માનસમાં ઊતરવા માટે મહિનાઓ વિતાવતા, પરંતુ આજે? આજે ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરો કલાકારોને પસંદ કરવા માટે માત્ર એમની ઇન્સ્ટા પ્રોફાઇલ ખોલે છે ને ફોલોઅર્સનો આંકડો ગણે છે.

જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર રાતોરાત છવાઇ ગયેલા સમય રૈના, ગુરલીન, કુણાલ કામરા, પુનિત પાનિયા જેવા સ્ટેંડઅપ હાસ્ય કલાકારો અચાનક ફેમસ થઇ જાય ત્યારે સમજવું કે સમાજને સિનેમાનાટકની ગંભીરતા સાથે કોઈ લેવાદેવા નથી. નાટકસિનેમા હવે મોંઘો વિકલ્પ છે, કોણ મોંઘી ટિકીટો ને પોપકોર્ન ખરીદે, પાર્કિંગના પૈસા ભરે ને 3 કલાક કાઢે? હવે ફોન પર ટ્રેન્ડિંગ વાયરલ રીલ્સ કે વિષયો પર સવાર થઈને ભલભલા કલાકારો, નેતાઓ, ડોક્ટરો, શાયરો, વિચારકો પોતાની બ્રાન્ડવેલ્યૂ ટકાવવાના હવાતિયાં મારે છે. અરે, વિદ્યા બાલન જેવી સ્ટાર અભિનેત્રી, કોઇકના અવાજમાં બનેલા ફાલતુ જોકસ પર રીલ્સ બનાવે ત્યારે શું સમજવું?

પહેલાં ટીવીનાં રીમોટ કંટ્રોલને લીધે ને હવે ફોન પર સતત સ્ક્રોલિંગને આખી નવી પેઢીનો પડદા પરનો ‘એટેન્શન સ્પેન’ કે લોકોનો પડદા પર ધ્યાન આપવાનો સમયગાળો સાવ ખતમ થઈ ગયો છે. લોકોને હવે બે-અઢી કલાકની ફિલ્મમાં પાત્રો કે વાર્તાનો ધીમો ને સુંદર વિકાસ નથી જોવો, દર્શકોને હવે દર 10 સેકન્ડે કોઇ મોટો ધમાકો કે કોમેડી જોઈએ છે. ફોનની રીલ્સમાં સારા ઘરની ક્ધયાઓ રીલ્સમાં સેક્સી કપડામાં લટકાં કરે છે ને બીજી બાજુ  સેંસર બોર્ડવાળા હજુ ફિલ્મોને સાફસુથરી રાખવામાં પડ્યા છે!

વળી આજે જ્યારે લેખક કે દિગ્દર્શક, પ્રોડક્શન હાઉસ કે ચેનલ, ઓટીટી પ્લેટફોર્મમાં પોતાની વાર્તા લઈને જાય છે ત્યારે પહેલો સવાલ પૂછવામાં આવે કે તમારી વાર્તામાંથી ટૂંકા વીડિયો કે ક્લિપ્સ કેવી રીતે બનશે? મુખ્ય પાત્ર માટે કેટલા લાખના ફોલોવર્સો એટલે કે ‘જેમને રોજ ફોન પર નિહાળતા લોકોની મોટી સંખ્યા’ મળી શકે એમ છે? 

જો કલાકારનો અભિનય કે ફિલ્મકારની વાર્તા ડિજિટલ સ્ક્રીન પર સ્ક્રોલ થતાં અંગૂઠાને પાંચ સેક્ધડ માટે રોકી ન શકે તો આ આધુનિક મનોરંજન બજારમાં તમારી કળાની કિંમત શૂન્ય ગણાય છે. એક લેખકે કંટાળીને મજાકમાં કહેલું, ‘આજકાલ લેખકોને સ્ક્રિપ્ટ લખવા પેનપેપરની જરૂર નથી પડતી... બસ, એક કેલ્ક્યુલેટર જોઈએ છે જેનાથી કલાકારોના ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ એ ગણી શકે! ’ 

હવે  વાત માત્ર ફિલ્મો પૂરતી નથી રહી, પણ પુસ્તકો, નાટકો, ટીવી સિરિયલો અને ઓટીટી વેબસિરીઝોના મૂળિયાં પણ હચમચાવી નાખ્યા છે. નાટક, ફિલ્મ કે વેબસિરીઝના નિર્માતાઓનો આદેશ હોય છે કે જેનો ડિજિટલ ચહેરો પ્રખ્યાત હોય તેને મુખ્ય રોલ આપી દો, જેથી પહેલાં જ દિવસે ઘણી બધી ટિકિટો વેંચાઇ શકે કે ઓનલાઇન વ્યૂઝ મળી જાય. રોજ ફોન પર આરોગ્યથી ઇકોનોમી સુધીનાં સલાહ-સૂચનો આપતા ‘સોશ્યલ ઇન્ફ્લ્યૂએન્સરો’ની ભીડ ને શોરમાં વચ્ચે સિનેમા, સાહિત્ય અને સાચી કલા ખોવાઈ જવા લાગી છે. 

હવે નાટકસિનેમા હવે ‘સતત ધ્યાન ખેંચવાની ભૂખ બની ગયા છે. સમાજ એવા મુકામ પર આવીને ઊભો છે જ્યાં વિચારો નબળા પડી ગયા છે, પડદો નાનો થઇ ગયો છે ને કલાકારો માત્ર બજારનો સામાન બની ગયા છે. અગાઉ ફિલ્મ, ટીવી કે નાટકવાળાં આપણને થિયેટરના અંધારામાં માનવ સંવેદનાઓના દરિયામાં ડૂબકી મારવા પ્રેરતા. કદાચ હવે એ સમય દૂર નથી કે આવનારી પેઢી કળાને માત્ર ‘નોટિફિકેશન’ કે ‘કેટલી આંખે જોયુ?’ એનો આંકડો સમજી બેસશે.