અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબનું મહત્વ હંમેશા રહ્યું છે, પરંતુ બદલાતા સમય અને કળિયુગની અસરોને કારણે આજે વૃદ્ધાશ્રમ એક અનિવાર્ય જરૂરિયાત બની ગયા છે. તૂટતા પરિવારો અને વધતી જતી આધુનિકતા વચ્ચે અનેક વડીલો આજે નિરાધાર બની રહ્યા છે. આ પરિસ્થિતિમાં રાજકોટ સ્થિત "સદભાવના વૃદ્ધાશ્રમ" છેલ્લા દસ વર્ષથી સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.
રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસે, મોટા રામપર ખાતે 500 કરોડના માતબર ખર્ચે વિશ્વનો સૌથી મોટો નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ આકાર લઈ રહ્યો છે. આ સંસ્થાની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
વિશાળ ક્ષમતા: 20 લાખ સ્કેવેર ફૂટના બાંધકામમાં 7 ટાવર્સ (દરેક 11 માળના) બનાવવામાં આવ્યા છે, જેમાં 5000 થી વધુ નિરાધાર અને બીમાર વડીલો રહી શકશે.
સંપૂર્ણ નિઃશુલ્ક સેવા: અહીં દાખલ થતા વડીલો પાસેથી કોઈ પણ પ્રકારની ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. રહેવા, જમવા અને દવાની તમામ સુવિધાઓ આજીવન મફત છે.
ખાસ જૈન ટાવર: જૈન વડીલો માટે અલગ ટાવર અને દેરાસરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
સદભાવના વૃદ્ધાશ્રમ માત્ર સ્વસ્થ વડીલો માટે જ નહીં, પણ જેમના માટે કોઈ નથી તેવા કેન્સરગ્રસ્ત, કોમામાં રહેલા અથવા સંપૂર્ણ પથારીવશ વ્યક્તિઓ માટે પણ આશીર્વાદ સમાન છે. હાલ અહીં 700 થી વધુ માવતરો રહે છે, જેમાંથી 260 વડીલો પથારીવશ છે. 24/7 તબીબી સેવા અને તાલીમબદ્ધ નિષ્ણાતો દ્વારા તેમની નવડાવવાથી લઈને ડાયપર બદલવા સુધીની તમામ સેવા પૂરી પાડવામાં આવે છે.
જો તમારી આસપાસ કોઈ પણ ઉંમરના નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિ હોય અહીં સુધી પહોંચાડવા સંસ્થા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.આ સંસ્થા વડીલોને માત્ર છત જ નથી આપતી, પરંતુ તેમના જીવનના અંતિમ પડાવમાં "મને પ્રેમ કરવામાં આવે છે અને મારું મૂલ્ય છે તેવી ગૌરવપૂર્ણ અનુભૂતિ કરાવે છે.