અમદાવાદ: રાજ્યમાં વાહનોની સંખ્યા વધવાના સાથે જીવલેણ અકસ્માતની સંખ્યા વધી રહી છે. રોજબરોજ રાજ્યના કોઈને કોઈ ખૂણામાં અકસ્માતના બનાવ સામે આવતા રહે છે. RTI અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં ગુજરાતમાં માર્ગ સલામતીની વરવી વાસ્તવિકતા સામે આવી હતી. વર્ષે 2021 થી 2025 દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ 79,054 ઘટના બની હતી. જેમાં 38,530 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલે કે રાજ્યમાં દર કલાકે અકસ્માની બે ઘટના અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ આંકડાઓ રાજ્યમાં સતત વધી રહેલી માર્ગ દુર્ઘટનાઓ અને મૃત્યુઆંક તરફ આંગળી ચીંધે છે.
કોણે કરી આરટીઆઈ
અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી એક યુવકે આરટીઆઈ કરી હતી. જેમાં આપવામાં આવેલા જવાબ મુજબ, સૌથી વધુ મૃત્યુ વર્ષ 2022માં નોંધાયા હતા, જેમાં 9,954 લોકોના મોત થયા હતા. વર્ષ 2025માં સૌથી વધુ 56,100 અકસ્માત નોંધાયા હતા. આ પાંચ વર્ષના ગાળામાં સરેરાશ દર કલાકે એક વ્યક્તિનું મોત થયું હતું અને દર કલાકે લગભગ બે અકસ્માતો સર્જાયા હતા.
અકસ્માતના મોટાભાગના કારણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના અકસ્માતો ઓવર-સ્પીડિંગ (અતિશય ઝડપ) અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે થાય છે. મૃતકોમાં રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોનું પ્રમાણ સૌથી વધુ છે. આ સિવાય હાઈવે પર ભારે વાહનોનું અપૂરતું મોનિટરિંગ અને રાહદારીઓ માટે નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પણ મુખ્ય ચિંતાનો વિષય છે. ગુજરાતમાં હાલ અંદાજે 2.9 કરોડ નોંધાયેલા વાહનો છે, પરંતુ તેની સામે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેટલી ઝડપે વધ્યું નથી.
ગુજરાતમાં 5 વર્ષમાં હિટ એન્ડ રનની 9597 ઘટના
આ ઉપરાંત રાજ્યમાં હિટ એન્ડ રનની વધતી ઘટના માર્ગ સલામતી માટે એક મોટી ચિંતા તરીકે ઉભરી આવ્યા હતા. 2020 થી 2024 દરમિયાન રાજ્યમાં કુલ 9597 બનાવો નોંધાયા છે. લોકસભામાં લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વાર્ષિક સરેરાશ 1800 થી વધુ ઘટનાઓ બને છે, અર્થાત્ રોજની સરેરાશ 5 ઘટના બને છે.