Wed Jun 10 2026

Logo

શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારના કાવતરાનો દોરીસંચાર તિહાર અને આર્થર રોડ જેલમાંથી

2026-02-25 20:16:28
Author: Yogesh C Patel
Article Image

શૂટરની પસંદગી દિલ્હીની જેલમાંથી થઈ તો શસ્ત્રો પૂરાં પાડવાની કામગીરી મુંબઈની જેલમાંથી થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારના કેસની તપાસ કરનારી ક્રાઈમ બ્રાન્ચને એક પછી એક ચોંકાવનારી માહિતી મળી રહી છે. આ આખા કાવતરાનો દોરીસંચાર દેશની હાઈ સિક્યોરિટીવાળી બે જેલ મુંબઈની આર્થર રોડ અને દિલ્હીની તિહારમાંથી થયો હોવાનું તપાસમાં જણાયું હતું. તિહાર જેલમાંથી શૂટરની પસંદગી કરવામાં આવી હતી તો આર્થર રોડ જેલમાંથી શસ્ત્રો પૂરાં પાડવાનું માર્ગદર્શન કરાયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂહુના શેટ્ટી ટાવર પર ગોળીબાર કરવાના કેસમાં હરિયાણા અને ઉત્તર પ્રદેશથી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ કાવતરું લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા ઘડવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. એ સિવાય દેશની બે જેલમાંથી તેનો દોરીસંચાર થયો હોવાનું પણ સામે આવ્યું હતું.

શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારની જવાબદારી ‘આગ્રા મોડ્યુલ’ને સોંપાઈ હતી, જેમાં શૂટર દીપક શર્માએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ તપાસમાં જણાયું હતું કે તિહાર જેલમાં બંધ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય ગોલુ પંડિતે જેલમાંથી આગ્રા મોડ્યુલ સાથે કોઑર્ડિનેશન કર્યું હતું. ગોલુ પંડિત અગાઉ શુભમ લોણકરનો સાથી હતો અને તેને શૂટરોની પસંદગીનું કામ સોંપાયું હતું.

શૂટરની પસંદગી પણ પદ્ધતિસર કરાઈ હતી. તિહાર જેલમાંથી ગોલુ પંડિતે વિષ્ણુ કુશવાહા નામના શખસનો સંપર્ક સાધ્યો હતો. વિષ્ણુએ દીપક અને અન્ય સભ્યોને આ કાવતરામાં સામેલ કર્યા હતા. પછી શુભમ લોણકર દીપક અને તેના સાથીઓના સીધા સંપર્કમાં રહ્યો હતો. કાવતરાને અંજામ આપવા માટે મોટી રકમની લાલચ આરોપીઓને અપાઈ હતી.

એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં શૂટર દીપક શર્મા અને તેના સાથી પકડાયા તેના અમુક દિવસ પહેલાં જ ગોલુ પંડિત જામીન પર છૂટ્યો હતો. મુંબઈ પોલીસ હવે તેની શોધ ચલાવી રહી છે.

બીજી તરફ ગોળીબાર માટે શસ્ત્રો અને વાહનની સગવડ કરવાની જવાબદારી ‘પુણે મોડ્યુલ’ને સોંપાઈ હતી. આ મોડ્યુલ શુભમ લોણકરના ભાઈ પ્રવીણ લોણકરના ઇશારે કામ કરતું હતું. પ્રવીણ લોણકરની બાન્દ્રામાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાઈ હતી અને હાલમાં તે મુંબઈની આર્થર રોડ જેલમાં છે. પ્રવીણ લોણકરે જ શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર માટે શસ્ત્રોની સગવડ કરી આપી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.

ગોળીબારના કેસમાં પૂછપરછ કરવા પોલીસ પ્રવીણની કસ્ટડી મેળવવાની તૈયારી કરી રહી છે. પ્રવીણની પૂછપરછમાં કાવતરાની વધુ ઊંડી માહિતી હાથ લાગવાની આશા પોલીસને છે. જેલમાંથી પણ કઈ રીતે ક્રિમિનલ નેટવર્ક કામ કરી શકે છે તેના પર આ કેસ પ્રકાશ પાડે છે.