ભારતમાં ધર્માંતરણ એ હંમેશાંથી જ ચર્ચા અને વિવાદનો વિષય રહ્યો છે. રાજકીય નિવેદનો અને સોશિયલ મીડિયાના દાવાઓથી વિપરીત, વૈજ્ઞાનિક સંશોધનો અને સત્તાવાર આંકડાઓ એક તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે, એ વાત અલગ જ છે. એક રિસર્ચ સેન્ટર અને રાજ્ય સરકારોના રેકોર્ડ્સ આ બાબતે ચોંકાવનારી વાસ્તવિકતા દર્શાવે છે. ઘણા લોકોની એવી માન્યતા છે કે ભારતમાં દર વર્ષે મોટા પાયે ધર્માંતરણ થાય છે, પરંતુ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના ડેટા તો કંઈક બીજું જ કહે છે. આજે આપણે આ સ્ટોરીમાં ધર્માંતરણના આ આંકડાઓ જાણી લેવાનું પ્રયાસ કરીશું.
મુસ્લિમોમાં ધાર્મિક સ્થિરતા સૌથી વધુ
એક રિસર્ચ સેન્ટર દ્વારા 2021માં તૈયાર કરવામાં આવેલા અહેવાલ અનુસાર, ભારતમાં મુસ્લિમોમાં પોતાના ધર્મ પ્રત્યે વળગી રહેવાનો દર સૌથી વધારે ઊંચો છે. આ રિસર્ચમાં સામે આવેલા આંકડાઓ એવું પણ છે કે જે લોકો મુસ્લિમ પરિવારમાં જન્મ્યા છે, તેમાંથી 97 ટકા લોકો પુખ્ત વયે પણ પોતાને મુસ્લિમ તરીકે જ ઓળખાવે છે.
સંશોધનમાં કરવામાં આવેલા દાવા અનુસાર સર્વેક્ષણમાં સામેલ માત્ર 0.3 ટકા લોકોએ જ એવું સ્વીકાર્યું હતું કે તેઓ જન્મથી મુસ્લિમ હતા પરંતુ બાદમાં તેમણે બીજો ધર્મ અપનાવ્યો છે કે પછી તેઓ નાસ્તિક બની ગયા છે. આ આંકડો સૂચવે છે કે ઇસ્લામ છોડવાની ઘટનાઓ ભારતમાં અત્યંત વિરલ અથવા નહિવત છે.
AI Generated Images
આ ટ્રેન્ડ તમામ ધર્મોમાં સમાન
રસપ્રદ વાત તો એ છે કે આ સ્થિરતા માત્ર મુસ્લિમો પૂરતી જ મર્યાદિત નથી. હિન્દુઓ અને અન્ય ધર્મોના લોકોમાં પણ ધર્મ પરિવર્તનનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. મોટાભાગના ભારતીયો તે જ ધર્મને અનુસરે છે જેમાં તેમનો જન્મ થયો હોય છે.
સરકારી ગેઝેટ અને આંકડા શું કહે છે?
જ્યારે કોઈ વ્યક્તિ કાયદેસર રીતે ધર્મ બદલે છે, ત્યારે તેની વિગત સરકારી ગેઝેટમાં પ્રકાશિત થાય છે. કેરળના 2024ના ઓફિશિયલ ફિગરની વાત કરીએ તો 343 લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો તો 365 લોકોએ અલગ-અલગ ધર્મોમાંથી હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ધર્મ પરિવર્તન બંને પક્ષે થાય છે અને તેની સંખ્યા હજારો કે લાખોમાં નથી હોતી.
વાત કરીએ રિસર્ચ અને સરકારી ડેટાની તો આ ડેટાના આંકડા સાબિત કરી આપે છે કે ભારતમાં મોટા પાયે ધાર્મિક પરિવર્તન થતું હોવાની વાતો માત્ર ચર્ચાનો વિષય છે. વાસ્તવિકતામાં વર્ષો પછી પણ આ આંકડા ઘણા નીચા રહે છે, જે દર્શાવે છે કે ભારતીય સમાજ પોતાના ધાર્મિક મૂળ સાથે મજબૂતીથી જોડાયેલો છે.
છે ને એકદમ ચોંકાવનારી અને આશ્ચર્ય પમાડે એવા આંકડાઓ? આવા જ બીજા વાંચનવૈવિધ્યથી ભરપૂર લેખ અને સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો...