Tue Aug 18 2026

Logo

રિઝર્વ બૅન્કે વ્યાજદર યથાવત્‌‍ રાખતાં ડૉલર સામે રૂપિયો 19 પૈસા મજબૂત

2026-08-05 19:56:21
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે ત્રણ દિવસીય મોનેટરી પૉલિસી કમિટીની બેઠકના અંતે પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટીને ધ્યાનમાં વર્તમાન નાણાકીય વર્ષ 2027માં સતત ત્રીજી વખત વ્યાજદર યથાવત્‌‍ રાખ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ, અમેરિકી ટ્રેઝરની યિલ્ડ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો વધુ 19 પૈસા મજબૂત થઈને 95.08ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે એક તબક્કે રૂપિયો ગઈકાલના બંધ સામે 39 પૈસા ઉછળીને 95ની સપાટીની અંદર ઊતરી ગયો હતો. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.28ના બંધ સામે સુધારાના અન્ડરટોને 94.90ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.25 અને ઉપરમાં 94.89 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 19 પૈસાના સુધારા સાથે 95.19ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં નવ પૈસાનો સુધારો આવ્યો હતો. 

હાલમાં અમેરિકા ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ હળવો થયો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેશે અને 94.80થી 95.50 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. 

નોંધનીય બાબત એ છે કે આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના છ સભ્યોની મોનેટરી પૉલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠકના અંતે રિપો રેટ 5.25 ટકાના સ્તરે જાળવી રાખ્યા હતા અને નીતિ માટેનું તટસ્થ વલણ અપનાવ્યું હતું. તેમ જ મૂડીગત્‌‍ આંતરપ્રવાહ અને રૂપિયાને ગબડતો અટકાવવા માટે લીધેલાં પગલાં અંગે વિશ્વાસ ગવર્નર સંજય મલ્હોત્રાએ વ્યક્ત કર્યો હતો. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.03 ટકા ઘટીને 99.82 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ઘટ્યા મથાળેથી સાધારણ 1.75 ટકાના સુધારા સાથે બેરલદીઠ 80.75 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 152.05 પૉઈન્ટનો અને 9.75 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2446.47 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.