Tue Apr 28 2026

Logo

રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા હાર્યા, લોકગાયક મણિરાજ બારોટની પુત્રીની જીત, જાણો કોણ હાર્યું - જીત્યું

2026-04-28 14:51:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ વખતે કેટલાક જાણીતા ચહેરાની હાર થઈ છે તો કેટલાકની જીત થઈ છે.

નયનાબા જાડેજા: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બહેન તથા ગુજરાત સરકારના પ્રધાન રીવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજા રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. જો કે તેમનો પરાજય થયો હતો. 

રાજલ બારોટ : જાણીતી લોકગાયિકા રાજલ બારોટે ઉના નગરપાલિકામાંથી પહેલીવાર પોતાનું રાજકીય ડેબ્યુ કર્યું હતું. નસીબનો સાથ અને પ્રચાર તથા પક્ષના સાથના પગલે 2313 મતો મેળવીને શાનદાર જીત હાંસલ કરી હતી. તેઓ સનેડા ફેમ મણિરાજ બારોટના પુત્રી છે.

નેહા સુથાર : ગુજરાતી અભિનેત્રી અને સિંગર નેહા સુથારે વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પર જીત મેળવીને રાજકારણમાં સફળ એન્ટ્રી કરી છે.

સોનલ ડેર: જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલ ડેરનો લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર પરાજય થયો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર વિજેતા થયા હતા.

અંકિતા પરમાર: સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો છે. ટિકિટ મળી ત્યારે થયેલા વિવાદ છતાં તેમના મોટા ફેનબેઝે અથવા તો તેમના પ્રચારે અને કામગીરીએ તેમને જીત અપાવી છે તેવું કહી શકાય. 

પૂર્વ IPS મનોજ નિનામાઃ નિવૃત્તિના બે મહિના પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનો ઓડ બેઠક પર 2700 મતોથી કારમો પરાજય થયો છે.

રાજુ કરપડા: આમ આદમી પાર્ટીથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાની જીત થઇ હતી. તેઓ મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર તેમણે જીત મેળવી હતી.  જોકે શરૂઆતમાં તેમની હારના સમાચાર વહેતા થયા હતા.

ભૂપત ભાયાણી: આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ જનતાએ નકારી દીધા છે. ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પર AAPના દિનેશ રૂપારેલીયાએ તેમને 1700 મતોથી હરાવ્યા છે.

કાવ્યા કથીરિયા: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ સુરત મનપાના વોર્ડ નં. 3 માં જીત મેળવી છે.

મનોજ સોરઠિયાઃ AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

RJ આભા દેસાઇ: રાજકોટના વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના ઉમેદવાર અને ચર્ચિત ચહેરો તેવા આરજે આભાનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના રેડિયો જોકીના વ્યવસાયના કારણે યુવાનોમાં ચર્ચિત ચહેરા આરજે આભાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. 

પાયલ સાકરિયાઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAPનાં પૂર્વ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયાની હાર થઈ છે.