Fri Apr 17 2026

Logo

આ કારણે રાષ્ટ્રપતિ ભવનની 'ચેન્જ ઓફ ગાર્ડ' સેરેમનીના સમયમાં ફેરફાર, જાણી લો એક ક્લિક પર...

2026-03-07 15:43:41
Author: Darshana Visaria
Article Image

નવી દિલ્હીઃ નવી દિલ્હીના ઐતિહાસિક રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જનારા વિઝિટર્સ અને સ્થાનિક નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતી શાનદાર 'ચેન્જ ઓફ ગાર્ડ' (Change of Guard) સેરેમનીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે પણ આ અદભૂત સેરેમની નિહાળવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ લેટેસ્ટ અપડેટ વિશે જાણી લેવું તમારા માટે જરૂરી છે. 

સેરેમનીનો નવો સમય આ પ્રમાણે રહેશે
રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, મુલાકાતીઓ અને પરેડમાં ભાગ લેતા જવાનોની સુવિધા માટે સાપ્તાહિક કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દર શનિવારે યોજાતી આ સેરેમની હવે તેના નિર્ધારિત સમય કરતાં થોડી વહેલી યોજાશે. જેની નોંધ લેવી જરૂરી છે. હવે આ સેરેમની સવારે 8 વાગ્યે શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ સમય થોડો મોડો હતો, પરંતુ આકરી ગરમીથી બચવા માટે હવે સવારનો વહેલો સમય નક્કી કરવામાં આવ્યો છે.

શું છે 'ચેન્જ ઓફ ગાર્ડ' સેરેમની?
ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની એ એક સદીઓ જૂની ચાલી આવતી લશ્કરી પરંપરા છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા સંભાળતા ગાર્ડ્સની નવી ટુકડી જૂની ટુકડી પાસેથી ચાર્જનું હેન્ડ ઓવર લે છે. વાત કરીએ એ સેરેમનીની મેઈન અટ્રેક્શનની તો આ સેરેમનીમાં પ્રેસિડેન્ટ્સ ગાર્ડ (PBG)ના ઘોડેસવાર સૈનિકો અને સેનાના અલગ-અલગ યુનિટ્સ ભવ્ય પરેડ કરે છે. મિલિટ્રી બેન્ડના સૂર અને ડિસિપ્લિનથી ભરપૂર માર્ચ આ સેરેમનીને અત્યંત આકર્ષક બનાવે છે.

આ રીતે કરી શકો છો ઓનલાઈન રજિસ્ટર
ગેટ નંબર: આ સેરેમની જોવા આવનાર વિઝિટર્સને રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 2 કે પછી 3 પરથી એન્ટ્રી આપવામાં આવે છે.
બુકિંગ: આ સેરેમની નિહાળવા માટે રાષ્ટ્રપતિ ભવનની સત્તાવાર વેબસાઇટ (https://rb.nic.in/) પર અગાઉથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
આઈડી પ્રૂફ: સુરક્ષાના કારણોસર મુલાકાતીઓએ પોતાનું ઓરિજનલ ફોટો આઈડી કાર્ડ જેમ કે આધાર કાર્ડ વગેરે સાથે ખૂબ જ આવશ્યક છે.

આ વાત પણ રાખો ખાસ ધ્યાનમાં-
જો હવામાન અત્યંત ખરાબ હોય અથવા કોઈ ખાસ રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલતો હોય, તો આ સેરેમની રદ પણ થઈ શકે છે. તેથી મુલાકાત લેતા પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરી લેવું હિતાવહ છે, જેથી પાછળથી કોઈ પણ મુશ્કેલીમાં અટવાઈ જવાનો વારો ના આવે અને તમારી આ મુલાકાત યાદગાર બની રહે...