મુંબઈ: સાઉથથી લઈને બોલીવુડ સુધી જેમના અફેરની ચર્ચાઓ વર્ષોથી ચાલતી હતી, તે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હવે સત્તાવાર રીતે એક થવા જઈ રહ્યા છે. લાંબા સમય સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા બાદ, આ જોડીએ આખરે લગ્નની જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઈઝ આપી છે. રસપ્રદ વાત એ છે કે, આ લગ્નને ચાહકો દ્વારા આપવામાં આવેલા લોકપ્રિય નામ ‘VIROSH’ (વિરોશ) તરીકે ઓળખવામાં આવશે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ બંને લગ્ન જીવનની શરૂઆત કરશે. આ લગ્ન અત્યંત ખાનગી અને સાદગીભર્યા રાખવાનું કપલે નક્કી કર્યું છે.

લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા આ જોડીએ પોતાના નજીકના મિત્રો અને પરિવાર સાથે શાનદાર સમય વિતાવ્યો હતો. 23 ફેબ્રુઆરીએ રશ્મિકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘કોઝી ડિનર’ની તસવીરો શેર કરી હતી, જેમાં પિંક ટ્યુલિપ્સ અને સફેદ ફૂલોથી સજાવટ જોવા મળી હતી. ટેબલ પર ખાસ ‘VIROSH’ લખેલું કાર્ડ પણ હતું. બીજી તરફ, વિજય દેવરકોંડાએ પણ પૂલ પાર્ટીની ઝલક શેર કરી હતી, જેમાં તે તેના મિત્રો સાથે પૂલ વોલીબોલ રમતો અને એન્જોય કરતો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિજય અને રશ્મિકાએ ઓક્ટોબર 2025માં ખૂબ જ ખાનગી રીતે સગાઈ કરી લીધી હતી. જે રીતે તેમણે સગાઈને મીડિયાની નજરથી દૂર રાખી હતી, તે જ રીતે લગ્નને પણ ‘લો-કી’ એટલે કે મર્યાદિત મહેમાનોની હાજરીમાં જ સંપન્ન કરવાનું નક્કી કર્યું છે. આ સ્ટાર કપલ કોઈ ભવ્ય શો-બાજીને બદલે અંગત પળોને માણવામાં માને છે, જે તેમની આ પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
22 ફેબ્રુઆરીએ રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી નોટ શેર કરી હતી, જેને બાદમાં વિજયે પણ રી-શેર કરી હતી. રશ્મિકાએ લખ્યું કે, "જ્યારે અમે કશું જ નક્કી નહોતું કર્યું, ત્યારે તમે અમને સાથ આપ્યો અને અમને ‘VIROSH’ નામ આપ્યું. આજે અમે આ નવી શરૂઆત તમારા નામે કરીએ છીએ. આ લગ્નનું નામ ‘દ વેડિંગ ઓફ VIROSH’ હશે." આ પોસ્ટ દ્વારા તેમણે વર્ષોથી તેમના સંબંધો પર પ્રેમ વરસાવનારા ચાહકોનો આભાર માન્યો હતો.