અયોધ્યાઃ રામ મંદિરમાં દાનચોરી કેસમાં પદાધિકારીઓના રાજીનામાઓને લઈને મસમોટી ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ચંપત રાય અને અનિલ મિશ્રા પર અનેક વિષયોને લઈને વાત થઈ રહી છે. એ પછી મુદ્દો સુરક્ષાનો હોય કે સ્ટાફની બેદરકારીનો, દરેક પાસાને લઈને આ બન્ને વ્યક્તિઓના નામ ઘણા સમયથી ચર્ચાય રહ્યા છે. SITની તપાસનો રિપોર્ટ રાજ્ય સરકાર સુધી પહોંચી ગયો છે ત્યારે હવે અનિલ મિશ્રા અને ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. આ મુદ્દા પર હવે રામ મંદિર ટ્રસ્ટની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ટ્રસ્ટે આ અંગે પોતાનું એક નિવેદન પણ જાહેર કરી દીધું છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિદદેવ ગીરીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને એક મોટી સ્પષ્ટતા કરી છે.
પ્રેસ રિલીઝમાં શું છે?
ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગીરીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરતા જણાવ્યું હતું કે, આ મંદિર સાથે જોડાયેલો વિવાદ છે અને મને મને આ અંગે દુઃખ છે કે, રામ મંદિરનું નામ દાનચોરીના વિષય પર વિવાદમાં આવ્યું છે.જે લોકો દોષી સાબિત થયા છે એની સામે કાયદાકીય એક્શન લેવાઈ રહ્યું છે. દાન મામલે ટ્રસ્ટે સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આ સમગ્ર કેસની તપાસ ચાલું છે. પોલીસ અને SIT બન્ને તપાસ કરી રહી છે. દેશ-વિદેશમાં વસતા લાખો રામ ભક્તોને ખાતરી આપી છે કે, રામની સેવા માટે ભક્તોએ ટ્રસ્ટના અધિકારીઓને જે પણ વસ્તુઓ જેમ કે, સોનું, ચાંદી, કિંમતી ઈંટ, ધાતુ, દાગીના તથા સામગ્રી વ્યક્તિગત રૂપે અર્પણ કરી હતી એ પૂરી રીતે સુરક્ષિત છે. ટ્રસ્ટ આવી ચીજ વસ્તુઓનો રેકોર્ડ રાખે છે અને વ્યવસ્થિત રીતે એ રેકોર્ડને સાચવે છે. સનાતન ધર્મની સામે જે કાવતરૂ ઘડ્યું હતું એ કાવતરાખોરોની યોજના નિષ્ફળ સાબિત થઈ ગઈ છે.
ભાવિકોને શું અપીલ કરી?
પ્રભુ રામના ભક્તોને અપીલ છે કે, તેઓ સોશિયલ મીડિયા અને અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી, પાયાવિહોણી તેમજ ગેરમાર્ગે દોરતી અફવા પર ધ્યાન ન આપે.બીજાને પણ આ અંગે સમજ આપીને શિકાર થતા અટકાવે.કેટલાક અસામાજિક, અધાર્મિક અને સ્વાર્થી તત્ત્વો આ ઘટનાની આડમાં સનાતન ધર્મને બદનામ કરવા માટે કામ કરી રહ્યા છે. આ પ્રકારના પ્રયાસો થયા છે.
આ પ્રકારના પ્રયાસોને ક્યારેય સફળ થવા દેવામાં નહીં આવે.આરોપીને કાયદાકીય સજા મળશે.આ મુશ્કેલીના વાદળો દૂર થઈ જશે, અંધારૂ દૂર થશે અને સત્યને સૂરજ ઊગી નીકળશે. ચંપત રાય અને અનિલ મિશ્રા પોતાનું રાજીનામુ આપી ચૂક્યા છે પણ ટ્રસ્ટે હજુ સુધી તે મંજૂર કર્યું નથી. 11 જુલાઈના રોજ રામમંદિર જન્મભૂમિ ટ્રસ્ટની ખાસ બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જ બેઠકમાં બન્ને વ્યક્તિઓના રાજીનામા પણ અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.
મોટી વિગત સામે આવવાના એંધાણ
આ સાથે ટ્રસ્ટ એક નવી ટીમ તૈયાર કરવા ઉપર પણ વિચાર કરે છે. જો ખરેખર આવું થયું તો એક નવી ટીમને લઈને ફરીથી કોઈ ગાઈડલાઈન્સ નક્કી થશે. ટ્રસ્ટ જરૂરી મુદ્દાઓ પર કોઈ ઈમરજન્સી બેઠક પણ બોલાવી શકે છે. શુક્રવારે સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાઓ પર આ બન્ને વ્યકિતઓના રાજીનામાને લઈને ચર્ચા થતી રહી.
પણ સૌથી મોટો મુદ્દો એ છે કે, જે સીસીટીવી અંતર્ગત દાનની રકમ ગણવામાં આવતી હતી એ વિડિયોને ડિલિટ કોણે કર્યા? આ સિવાય જે કેશ સિવાયની સામગ્રીની ચોરી થઈ છે એની યાદીને લઈને કેમ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી? આ સમગ્ર મામલે આગામી દિવસોમાં પોલીસ તપાસ બાદ કોઈ મોટી વિગત સામે આવી શકે છે.