અયોધ્યાઃ અયોધ્યામાં આવેલા શ્રી રામ મંદિરમાં કરોડો રૂપિયાના દાનની ચોરી થઈ, તે મુદ્દો દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિવાદમાં અનેક મોટા તથ્યો પ્રકાશમાં આવ્યાં છે. આ મામલે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પણ પોતાની કોઈ કાર્યવાહી કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મળતી જાણકારી પ્રમાણે આગામી 6 જુલાઈએ ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. જેમાં અનેક મોટા ખુલાસા થશે તેવું જાણવા મળ્યું છે. દાન કૌભાંડ આચરનાર આરોપીઓએ હિંદુઓની આસ્થા સાથે રમત રમી છે, એટલે ટ્રસ્ટ કઠોર કાર્યવાહી કરે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ બેઠક દરમિયાન ટ્રસ્ટના બે વરિષ્ઠ સભ્યો રાજીનામું આપી શકે તેવી સંભાવના છે. આ પહેલા જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રા તો પોતાનું રાજીનામું આપી ચૂક્યાં છે, જેનો ટ્રસ્ટ દ્વારા સ્વીકાર પણ કરી લેવામાં આવશે, પરંતુ આ બે નામ સિવાય બીજા પણ બે નામ ટ્રસ્ટમાંથી બાકાત થઈ શકે છે.
કોના પાસેથી કેટલી રકમ મળી આવી?
દાન કૌભાંડ કેસમાં કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસ દ્વારા જે પણ રકમ રિકવર કરવામાં આવી છે, તેનો રિપોર્ટ આવી ગયો છે. આ કેસમાં કોના પાસેથી કેટલી રકમ મળી છે, તેની વાત કરવામાં આવે તો મનીષ કુમાર યાદવ પાસેથી 2 લાખ રૂપિયા મળી આવ્યાં, કરૂણેશ પાંડેયના ઘરેતી 18,07063 રૂપિયા મળી આવ્યાં અયોધ્યામાં કૌશલપુરમાં રહેતા અનુકલ્પ મિશ્રાના ઘરેથી 16,82,040 રૂપિયા, નયાઘાટમાં રહેતા તુલસીરામ યાદવના ઘરેથી 1 લાખ રૂપિયા રમાંકર મિશ્રાના ઘરેથી 7,32,170 રૂપિયા, લવકુશ મિશ્રાના ઘરેથી 14,25,000 રૂપિયા અને અવિનાશ શુક્લાના ઘરેથી 20,39,220 લાખ રૂપિયા, 1121 અમેરિકી ડોલર, 159.54 ગ્રામ ચાંદી અને 1 પયલી ધાતુની ચેન જપ્ત કરવામાં આવી છે.
આરોપીઓ સામે ટ્રસ્ટ શું કાર્યવાહી કરશે?
મહત્વની વાત એ છે કે, આ વિવાદમાં હવે ટ્રસ્ટ દ્વારા જે બેઠક બોલવવામાં આવી છે, તેમાં કેવી ચર્ચા કરવામાં આવશે અને શું કાર્યવાહી થશે તેના પર દરેકની નજર છે. રાજીનામા સહિત આગામી સમયમાં કેવી રણનીતિ બનશે તેના અંગે પણ ચર્ચા થઈ શકે છે.
રામ મંદિરના નિર્માણ માટે બનેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ 2020થી કાર્યરત છે. અત્યારે મંદિરના તમામ પ્રકારના કામ અને કાર્યભાર આ ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવે છે. હવે આ જ ટ્રસ્ટના સભ્યો દાન ચોરીને લઈને વિવાદમાં આવ્યાં છે. જો ચંપત રાય રાજીનામુ આપે છે તો તેમનું સ્થાન કોણ લેશે? બેઠકમાં તેની પણ ચર્ચા કરવામાં આવશે.