રાજકોટઃ રાજકોટ વાસીઓને શનિવારથી મોટી રાહત થવાની છે, જેની છેલ્લા કેટલાક સમયથી રાહ જોવાઈ રહી હતી એ સાંઢિયાપુલ આખરે તૈયાર થઈ ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા રીડેવલપમેન્ટમાં અગાઉના બ્રિજમાં જે ખામી હતી એને દૂર કરવામાં આવી છે. શનિવારે (તા.13 જુન 2026, શનિવાર) આ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે અને નાગરિકો માટે આ બ્રિજ ખુલ્લો મૂકશે. આ ફોરબેન બ્રિજ તૈયાર થતા હોસ્પિટલ ચોકથી જામનગર હાઈવે તરફના રસ્તાઓ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી થઈ જશે. જામનગરથી રાજકોટ અપ-ડાઉન કરતા લોકોને મોટી રાહત મળી રહેશે.
ભારે વાહનો માટે પણ સરળતા
નવા બ્રિજ પરથી ભારે વાહનો પણ પસાર થઈ શકશે, સિટીમાંથી જામનગર જવા અને મોરબી તરફ જવા માટેનો વધુ એક રસ્તો શનિવારથી શરૂ થઈ જશે. પુલ બની રહ્યો હતો એ સમયે વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધારે હતું હવે એ સમસ્યા ઓછી થશે અને વાહનચાલકોના સમય તથા ફ્યૂઅલની પણ બચત થશે. આ પહેલા રાજકોટના મેયર સહિત અનેક અધિકારીઓએ સાંઢિયા પુલની મુલાકાત લીધી હતી.એ સમયે પુલ પર ખામી એ હતી કે, વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હતી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટમાં અન્ય ટેક્નિકલ ખામી દેખાતા મેયરે યુદ્ધના ધોરણે આદેશ આપ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. સુપરવાઈઝર અને કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં ઝાટક્યા હતા. વાહનચાલકોની સુરક્ષા મામલે કોઈ બાંધછોડ નહીં અને તાત્કાલિક ખામી દૂર કરવા આદેશ આપ્યા હતા.

મેયરે જણાવી હકીકત
આવી કેટલીક ખામી સુધારી લેવાતા બ્રિજ તૈયાર થયો હતો. લોકાર્પણ પહેલા બ્રિજનું બારિકીથી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. મેયર અને કોર્પોરેશનના કમિશનરે બ્રિજ પર વૉક કરીને સમગ્ર બ્રિજનું નિરિક્ષણ કર્યું હતું. પાણીના નિકાલ માટે વધારાની પાઈપલાઈન અને મોટી સાઈઝના પાઈપની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કારણ હવે ચોમાસામાં બ્રિજ પર કોઈ રીતે પાણી ભરાશે નહીં. બ્રિજના લોકાર્પણની તૈયારીઓ થઈ રહી છે. રસ્તાથી લઈને ડ્રેનેજ સુધીની વ્યવસ્થા થઈ ચૂકી છે. રાજકોટ શહેરના મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે આ બ્રિજની તપાસ મેં કરી હતી. જે નાની-મોટી ભૂલ હતી એ અંગે સૂચના આપી છે.એ પછી કમિશનર સાથે રહીને સમગ્ર બ્રિજનું નિરિક્ષણ કરવામાં આવ્યું છે. હવે આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ બ્રિજથી વાહનચાલકોને સારો એવો ફાયદો થશે.હવે લોકાર્પણ માટેની તૈયારીઓ ચાલી રહી છે.

સૌથી મોટો પડકાર હતો.
આગાઉ જે બ્રિજ હતો એ રાજકોટ જામનગરને જોડતો ભોમેશ્વર પાસે 40 વર્ષ જૂનો હતો. હવે ફોરલેન બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે તે સમયે ટ્રેકનો ભાગ તોડવો કેવી રીતે એ પડકાર હતો, ખાસ કરીને નીચેથી પસાર થતી રેલવે લાઈનને કોઈ પ્રકારે નુકસાન ન થાય એ પણ ખાસ જોવાનું હતું. જુદા-જુદા ટેક્નિકલ અભિગમને અપનાવ્યા બાદ ફોરલેન માટે બ્રિજ બનાવવા પ્લાન મંજૂર થયો હતો. રેલવે ટ્રેકની ઉપરનો ભાગ તોડવા માટે ડાયમંડ કટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણ મહિના સુધી તોડવાની કામગીરી પછી જે પ્લાન મંજૂર થયો એ અનુસાર ફોન ટ્રેક બ્રિજની કામગીરી શરૂ થઈ હતી. આ બ્રિજ સાથે ક્નેક્ટ થતો રસ્તો છેક માધાપર ચોકડી પાસે નીકળે છે. માધાપર ચોકડી ચાર રસ્તા પાસેથી એક રસ્તો શહેરમાં તો એક રસ્તો અમદાવાદ-મોરબી તરફ જાય છે. જ્યારે એક રસ્તો સિવિલ હોસ્પિટલ તરફ આવે છે.