Tue Aug 18 2026

Logo

રાજકોટની 16 વર્ષની છોકરીને ફસાવીને મોરબીના અરમાન શેખે કર્યો રેપ, 2 વર્ષના શોષણ પછી કઈ રીતે ઝડપાયો?

2026-08-17 08:25:00
Author: Vimal Prajapati
Article Image

રાજકોટઃ રાજકોટમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધવા અને તેને ભગાડી જવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. આ મામલે સગીરાના માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા સત્વરે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. 

16 વર્ષીય સગીરાને અરમાન શેખે પ્રેમજાળમાં ફસાવી

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટમાં રહેતી 16 વર્ષીય સગીરાને મોરબીના અરમાન શેખ નામના યુવકે પ્રેમમાં ફસાવી હતી. એટલું જ નહીં પરંતુ પ્રેમજાળમાં ફસાવીને સતત 2 વર્ષ સુધી શારીરિક અત્યાચાર પણ ગુજાર્યો હતો. આરોપી સગીરા સાથે સતત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી આરોપી અરમાન શેખ સગીરા સાથે આવું વર્તન કરી રહ્યો હતો. ગત પાંચ દિવસ પહેલા આરોપીએ સગીરાને પોતાના સાથે ભાગી જવા માટે મનાવી લીધી હતી. 

અરમાન શેખે પોતાના મિત્રની મદદથી સગીરાને ભગાડી

આરોપી અરમાન શેખે પોતાના મિત્ર અફઝલ શેખની મદદથી સગીરીને ભગાડીને અમદાવાદ લઈ ગયો હતો. અહીં અમદાવાદમાં પણ સગીરા સાથે મરજી વિરૂદ્ધ સંબંધો બાંધ્યાં હતાં. દીકરી પાંચ દિવસથી ઘરે ના આવી હોવાથી માતા-પિતા સહિત પરિવારે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાને ગંભીરતાથી લેતા સત્વરે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે કાર્યવાહી કરતા દરોડા પાડ્યા અને અમદાવાદથી સગીરાને શોધી કાઢી હતી. આ સાથે આરોપી અરમાન શેખ અને તેનો સાથ આપનાર અફઝલ શેખની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.