Thu Jul 23 2026

Logo

રાજકોટના મેયર તરીકે કોની થઈ વરણી? આ કારણથી આવ્યા હતા વિવાદમાં

2026-05-28 11:07:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામની આજે જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે નેહલ શુક્લ,  ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા તથા દંડક તરીકે સંજયસિંહ રાણાના નામની જાહેરાત થઈ હતી.

નેહલ શુક્લને કોર્પોરેશનની ચૂંટણીમાં શૈલેષ જાનીના સ્થાને અંતિમ ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી. જેને લઈ ઘણો વિરોધ થયો હતો.

મેયર નેહલ શુક્લ આ રીતે આવ્યા હતા વિવાદમાં

ગત ટર્મમાં  વોર્ડ નંબર 7 ના સિનિયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુકલ સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજરરહ્યા હતા. તેમને  બરતરફ કરવા અંગે કમિશ્નરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. આ મામલે ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાને કારણે ભાજપનાં જ અન્ય નેતાઓના ઈશારે આ કૃત્ય કરાયું હોવાની ચર્ચાઓ ઉઠી હતી.

રાજકોટમાં ભાજપે કેટલી સીટ જીતી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણીમાં ભાજપે 72માંથી 65 બેઠક પર કેસરિયો લહેરાવ્યો હતો. કૉંગ્રેસને 7 બેઠક મળી હતી. આ પહેલાં 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટને 23માં મેયર, 35માં ડેપ્યુટી મેયર અને 35માં સ્ટેન્ડિંગ ચેરમેન મળ્યા હતા. રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણૂક માટે આટલો વિલંબ ક્યારેય નથી થયો.