Mon Aug 24 2026

Logo

દિગ્ગજ ભારતીય ખેલાડીએ કહ્યું, `ટેસ્ટ ક્રિકેટને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓની જરૂર છે'

London   2026-08-22 19:29:19
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ અહીં યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગ (ઇટીપીએલ)ની એક ઇવેન્ટ વખતે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડે એક મુલાકાતમાં કહ્યું, `ટેસ્ટ ક્રિકેટને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓની ખાસ જરૂર છે.'

2005ની આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સના કોચ તરીકે વૈભવ સૂર્યવંશીને તાલીમ આપનાર દ્રવિડ (Dravid) ઈટીપીએલની ડબ્લિન ગાર્ડિયન્સ ટીમનો સહ-માલિક છે. તેનું એવું માનવું છે કે `ક્રિકેટર તરીકે વૈભવનો વિકાસ સંતુલિત હોવો જરૂરી છે. વાઇટ-બૉલ ક્રિકેટ પરથી તેની એકાગ્રતા ઓછી ન થાય એ રીતે તેને રેડ-બૉલ ક્રિકેટમાં રમાડવો જોઈએ. તેને આઇપીએલમાં વાઇટ-બૉલ સામે રમવાનો અનુભવ તો મળી જ રહ્યો છે, તેણે રેડ-બૉલથી રમાતી ડોમેસ્ટિક ક્રિકેટ પણ ખૂબ રમવી જોઈએ.'

દ્રવિડે ક્રિકેટની એક જાણીતી વેબસાઇટને કહ્યું, `આપણે બધા ટેસ્ટ-ક્રિકેટનું અસ્તિત્વ ટકાવી રાખવા ઉપરાંત આ ફૉર્મેટનો વિકાસ થાય એ પણ ઇચ્છીએ છીએ અને એટલે જ આ ફૉર્મેટને વૈભવ (Vaibhav) જેવા ખેલાડીની ખાસ જરૂર છે. તે ભારત વતી તમામ ફૉર્મેટમાં રમે એ પણ જરૂરી છે.'

દ્રવિડે વૈભવ વિશે વધુમાં કહ્યું, `વૈભવ હજી માંડ 15 વર્ષનો છે. તેને દુનિયાભરની ટી-20 ટૂર્નામેન્ટોમાં (દ્વિપક્ષી સિરીઝોમાં) રમાડવા કરતાં ઘરઆંગણે રેડ-બૉલથી રમાતી ડોમેસ્ટિક મૅચોમાં રમવા દેવો જોઈએ કે જેથી તેને આ બૉલથી રમવાનો વધુ અનુભવ મળે જે તેને ટેસ્ટ-ક્રિકેટમાં પણ કામ લાગી શકે. તે જ્યારે વાઇટ-બૉલની જેમ રેડ-બૉલ ક્રિકેટમાં પણ ભારત વતી રમતો થશે ત્યારે એ જોવું કેવું સરસ લાગશે!'

ઉલ્લેખનીય છે કે 2025ની આઇપીએલ દરમ્યાન દ્રવિડ ઈજાગ્રસ્ત હતો ત્યારે તેણે કોચિંગ માટેના સેશનમાં વ્હીલચેરમાં મેદાન પર આવીને વૈભવ સહિતના રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓને કોચિંગ આપ્યું હતું.