Wed Aug 19 2026

Logo

8 વર્ષ પછી કમબેક કરવામાં 'ખચકાઈ' હતી પ્રીતિ ઝિન્ટા, પણ કોણે મદદ કરી?

2026-08-05 20:05:35
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા આખરે 8 વર્ષ બાદ ફિલ્મી પડદે પરત ફરી રહી છે. તેની કમબેક ફિલ્મ 'બટવારા 1947' હશે, જે ભારત-પાકિસ્તાન ભાગલા અને પંજાબના બટવારાની દુઃખદ કહાની પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રીતિ ફરી એકવાર સની દેઓલ સાથે જોવા મળશે. આ પહેલા બંને 'ફર્ઝ', 'ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય' અને 'ભૈયાજી સુપરહિટ'માં સાથે કામ કરી ચૂક્યા છે. 

રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મ દ્વારા 25 વર્ષ બાદ આમિર ખાન અને પ્રીતિ ઝિન્ટા પણ એક પ્રોજેક્ટમાં સાથે જોડાયેલા છે. જોકે, આ વખતે બંને સ્ક્રીન શેર નહીં કરે કારણકે આમિર ખાન આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. 

પ્રીતિએ ખુલાસો કર્યો કે લાંબા સમયથી તેમને ફિલ્મોની ઓફર મળી રહી હતી પરંતુ કોઈ પણ પ્રોજેક્ટમાં કામ કરવાની તેના ઈચ્છા નહોતી. ત્યારે જ આમિર ખાનનો ફોન આવ્યો હતો. આગળ પ્રીતિએ કહ્યું કે 'જયારે ખબર પડી કે આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે ત્યારે મેં સ્ટોરી સાંભળવાનો નિર્ણય કર્યો હતો. પહેલા તો લાગ્યું કે હળવી કોમેડી ફિલ્મ હશે. મેં આમિર ખાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે હું ફિલ્મ માટે તૈયાર નથી, પરંતુ તેણે આગ્રહ કરીને કહ્યું હતું કે પહેલા સ્ક્રિપ્ટ તો સાંભળી લે.' 

શૂટિંગ વખતે ધર્મેન્દ્ર સાથે મુલાકાત થઈ 

પ્રીતિએ જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાન સાથે તેની મુલાકાત થઈ નહોતી. 'તે ફક્ત એકવાર જ સેટ પર આવ્યો હતો.' પરંતુ મુંબઈમાં ફિલ્મ નેરેશન દરમિયાન તેની મુલાકાત ધર્મેન્દ્ર સાથે થઈ હતી. જેને તે ક્યારેય ભૂલી નહિ શકે. તેણે કહ્યું કે 'હું સનીના ઘરે હતી, જ્યાં ધર્મેન્દ્રજી પણ હાજર હતા. ફિલ્મની સ્ટોરી સાંભળ્યા બાદ તેઓ ભાવુક બન્યા હતા.' 

8 વર્ષ પછી કેમેરા સામે આવતા થઈ નર્વસ 

આટલા લાંબા બ્રેક બાદ પ્રીતિએ પાછા ફરવાના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે 'હું ઘણી નર્વસ હતી. મને સનીએ તે સમયે સપોર્ટ કર્યો હતો. પહેલા જ દિવસે રાજકુમાર સંતોષીએ ફિલ્મનો સૌથી મુશ્કેલ સીન શૂટ કરાવ્યો હતો. હું વારંવાર સની તરફ જોઈને વિચારતી હતી કે હું કેવી રીતે કરીશ.' પ્રીતિએ આગળ કહ્યું કે 'હું ફ્લાઇટમાંથી ઉતરી જ હતી. મારો સમાન પણ આવ્યો નહોતો અને અમે લૂક ટેસ્ટ લીધો હતો. બીજા જ દિવસે રાઇડિંગ બાદ સીધુ શૂટિંગ શરૂ થયું હતું.'

વર્ષો બાદ પણ સની બદલાયો નહીં

એક દાયકાથી વધુ સમય બાદ સની દેઓલ સાથે બીજી વાર કામ કરવાના અનુભવ પર પ્રીતિએ સની દેઓલના વખાણ કરતા કહ્યું 'હું સનીને ખૂબ પ્રેમ કરું છું. તે દયાળુ અને સારો માણસ છે. સનીએ મને કહ્યું હતું કે ટેંશન નહીં લે, રાજજીને રીટેક પસંદ છે. બધું સારું થઈ જશે. તેઓ કમાલના એક્ટર છે. સૌથી મહત્વનું તે આજે પણ એવા જ છે. આજે પણ તે સેટ પર બધા માટે સ્વાદિષ્ટ ભોજન લઈને આવે છે. તેઓ મારી સાથે ન હોત તો હું આ ફિલ્મ ન કરી શકી હોત.'