પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન પ્રયાગરાજના સ્વામિનારાયણ મંદિરનો એક ભાગ વરસાદ
વચ્ચે ધરાશાયી થયો હતો. જ્યોર્જ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ માળની ઈમારતનો ભાગ અચાનક ધરાશાયી થઈને બાંધકામ માટે ખોદવામાં આવેલા એક મોટા ખાડામાં ખાબક્યો હતો. આ ઘટના બાદ મંદિર પરિસરમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. આ સમયે લોકો મંદિર પરિસરમાં સૂઈ રહ્યા હતા. અચાનક જોરદાર ધડાકાના અવાજ સાંભળતાં જ લોકો જાગી ગયા હતા.
માહિતી મુજબ, મંદિરનો જે ભાગ ધરાશાયી થયો તેનો ઉપયોગ મુખ્યત્વે બહારથી આવતા મહેમાનોના રોકાણ માટે કરવામાં આવતો હતો. મંદિર પરિસરને અડીને આવેલા ભાગમાં ત્રણ માળનું કોમર્શિયલ-કમ-રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી ચાલી રહી હતી, જેના માટે ઘણો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સતત વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાઈ રહ્યું હતું. તેનાથી મંદિરના પાયાની આસપાસની માટીમાં ભેજ વધી ગયો હતો અને બેઝ નબળો પડવા લાગ્યો હતો. આ કારણોસર મંદિરનો આગળનો વિશાળ હિસ્સો અચાનક ધરાશાયી થઈ ગયો હતો.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મંદિરની પાછળની તરફનો ઈમારતનો કેટલોક ભાગ હજુ પણ ઊભો છે, જ્યારે આગળનો મોટો ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. વહીવટીતંત્ર અને સંબંધિત ટીમો ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. હાલ આ દુર્ઘટનાનું કારણ અને બાંધકામના કામથી મંદિરના સ્ટ્રક્ચર પર પડેલી અસરની તપાસ કરવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે રાત્રિના સમયે આ દુર્ઘટના બની હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી.
#WATCH | Prayagraj, Uttar Pradesh: A portion of the Swaminarayan Temple collapsed last night. The affected area was primarily used as accommodation for guests. A pit had been dug for the construction of an adjacent building, and the accumulation of rainwater caused the soil to… pic.twitter.com/u8HZrGVJbK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 29, 2026