Thu May 28 2026

Logo

આખરે પ્રાજક્ત તનપુરેએ નિર્ણય લીધો, ભાજપમાં પ્રવેશની તારીખ નક્કી: વિધાન પરિષદ માં ઉમેદવારી મળશે?

2026-05-28 17:57:23
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી-એસપીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન પ્રાજક્ત તનપુરે ભાજપમાં જોડાઈ જશે એવું જાણવા મળ્યું છે.  તનપુરેને ભાજપ તરફથી અહિલ્યાનગરની વિધાન પરિષદની બેઠક માટે ઉમેદવારી આપવામાં આવશે એવી પણ ચર્ચા છે, ત્યારે ભાજપના દેવલાલી પ્રવરાના મેયર સત્યજીત કદમે વિધાન પરિષદના ઉમેદવાર બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સત્યજીત કદમ ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય ચંદ્રશેખર કદમના પુત્ર છે.

2009માં મારા પિતાએ પાર્ટીના નિર્દેશ પર ઉમેદવારી કરી નહોતી, પછીથી 2014 2019, 2024માં પણ. પરંતુ હવે અમારી પાર્ટી ચોક્કસપણે વફાદાર કાર્યકરને તક આપશે, એમ સત્યજિત કદમે જણાવ્યું હતું. 

વિધાન પરિષદમાં મતદાન પસંદગીના ક્રમમાં છે, જો ભાજપ પ્રાજક્ત તનપુરેને ઉમેદવાર બનાવે છે, તો શું સત્યજીત કદમ ઉમેદવારી કરશે? શું સ્થાનિક ભાજપના કાર્યકરો વફાદાર કાર્યકરો સાથે રહેશે કે પ્રાજક્ત તનપુરેને ટેકો આપશે? રાજકીય વર્તુળોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

પ્રાજક્ત તનપુરેનો ભાજપમાં પ્રવેશ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યો છે. તનપુરેને અહિલ્યાનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. વિશ્ર્વસનીય સૂત્રોએ એવી માહિતી આપી છે કે 30મી મેના રોજ તનપુરેનો ભાજપમાં પ્રવેશ થશે. રાહુરી પેટાચૂંટણી દરમિયાન અક્ષય કર્ડિલેની ઉમેદવારી વખતે તનપુરેએ ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું હતું. પ્રાજક્ત તનપુરે શરદ પવારના વરિષ્ઠ એનસીપી નેતા જયંત પાટીલના ભત્રીજા છે. તેઓ શહેરના એક મોટા નેતા પણ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સંપર્કમાં છે. હવે એવી પુષ્ટિ મળી છે કે તેઓ ભાજપમાં જોડાશે. 

જયંત પાટીલનો ફોટો ડીપી પર મૂક્યો

પ્રાજક્ત તનપુરેનો ભાજપમાં પ્રવેશ લગભગ નિશ્ર્ચિત થયા પછી, તેમણે પોતાની ફેસબુક પ્રોફાઇલ બદલી છે અને જયંત પાટીલનો ફોટો ડીપી પર મૂક્યો છે. તેથી, એવી ચર્ચા છે કે આ કોઈ પ્રકારનું ભાવનાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે. એવી ચર્ચા હતી કે પ્રાજક્ત તનપુરેના ભાજપમાં પ્રવેશની તારીખ નક્કી કરવામાં આવશે. એવી ચર્ચા છે કે પ્રાજક્ત તનપુરેના ભાજપમાં પ્રવેશથી શહેરમાં ભાજપની તાકાત વધશે અને તે શરદ પવારની એનસીપી માટે મોટો ફટકો હશે.

સિદ્ધાંતો પ્રત્યે વફાદાર રહેનારાઓનું રાજકારણ સમાપ્ત થઈ રહ્યું છે: પ્રાજક્ત તનપુરે

રાહુરી પેટાચૂંટણીમાંથી ખસી ગયા પછી, પ્રાજક્ત તનપુરે દ્વારા આપવામાં આવેલા ઉપરોક્ત નિવેદન અંગે ઘણી ચર્ચા થઈ હતી. મારી સાથે પાર્ટીમાં રહેલા ત્રણ લોકો એનસીપી અજિત પવાર પાર્ટીમાં જોડાયા, જ્યાં તેમને કેબિનેટ પ્રધાનપદ મળ્યું. જોકે, બીજી તરફ, પ્રાજક્ત તાનપુરેએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે તેઓ દુ:ખી છે કે અમારા જેવા વફાદાર રાજકારણીઓનું રાજકારણ સમાપ્ત થઈ રહ્યું છે.

2024ની વિધાનસભા ચૂંટણીમાં ઘડિયાળના પ્રતીક પર લડવાનો પ્રસ્તાવ હતો, પરંતુ મને લાગ્યું કે મારે મારી વફાદારી અને સિદ્ધાંતો પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ. વર્તમાન રાજકારણ એ સિદ્ધાંતો સાથે જોડાયેલા રહેવાવાળા રાજકારણનો અંત છે. તેનાથી વિપરીત, સિદ્ધાંતો સાથે સમાધાન કરનારાઓને સત્તામાં ઉચ્ચ પદ મળી રહ્યા છે, એવા શબ્દોમાં પ્રાજક્ત તાનપુરેએ તાજેતરમાં જ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમના ‘આ’ નિવેદન પછી, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ હતી કે પ્રાજક્ત તનપુરે ભાજપમાં જોડાવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે અથવા તેમણે પોતાનો નિર્ણય લઈ લીધો છે.