મૅક્ગ્રા સહિત ત્રણ ફાસ્ટ બોલરે બદલી હતી હિન્ગેની જિંદગી
હૈદરાબાદઃ સોમવારે આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સની ચાર વિકેટ લઈને આઇપીએલમાં ધમાકેદાર ડેબ્યૂ કરનાર વિદર્ભના ફાસ્ટ બોલર પ્રફુલ હિન્ગેને કારકિર્દીની શરૂઆતમાં ઈજા નડી હતી જેને લીધે તેની કરીઅર ભયમાં મુકાઈ ગઈ હતી, પરંતુ ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર પ્રશાંત વૈદ્ય, ફાસ્ટ બોલર વરુણ આરૉન તેમ જ ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રા (McGrath)ના પ્રયાસોથી હિન્ગેની જિંદગીમાં પરિવર્તન આવી ગયું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદના 24 વર્ષના પ્રફુલ હિન્ગે (Praful Hinge)એ સોમવારે પહેલી જ ઓવરમાં રાજસ્થાનના વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને લુઆન-ડ્રે પ્રીટોરિયસની વિકેટ લીધી હતી. ત્યાર પછી તેણે કૅપ્ટન રિયાન પરાગને પણ આઉટ કર્યો હતો. તેણે 34 રનમાં ચાર વિકેટ લઈને રાજસ્થાનને પરાજય તરફ ધકેલ્યું હતું.
પિતા અને પરિવાર છેક સુધી અજાણ
નાગપુરમાં જન્મેલા પ્રફુલ હિન્ગેને સનરાઇઝર્સ હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ 30 લાખ રૂપિયામાં મેળવ્યો છે. તેને આઇપીએલની આ સીઝન રમવાના 30 લાખ રૂપિયા મળશે. તેના પિતા પ્રકાશ હિન્ગ અગાઉ અકાઉન્ટન્ટ હતા. પુત્રની પહેલી જ મૅચમાં ચાર વિકેટની ઉપલબ્ધિથી તેઓ તેમ જ પરિવારજનો બેહદ ખુશ છે. પ્રકાશ હિન્ગેને મૅચની શરૂઆત થઈ ત્યાં સુધી જાણ નહોતી કે પુત્ર આ મૅચમાં ડેબ્યૂ કરવાનો છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું, `અમે તેને ક્યારેય નથી પૂછતા કે તે કઈ મૅચમાં રમવાનો છે. રોજ રાત્રે 10 વાગ્યે ફોન પર તેની સાથે વાતચીત થતી હોય છે. અમે તેને સામાન્ય બાબત પૂછી લેતા હોઈએ છીએ કે જમ્યો કે નહીં? વગેરે...સોમવારે મૅચ શરૂ થઈ ત્યારે ટીવી પર મેં જોયું કે પ્રફુલ આ મૅચથી ડેબ્યૂ કરી રહ્યો છે.'
પિતાની પુત્રને અમૂલ્ય સલાહ
પ્રકાશ હિન્ગે પુત્ર વિશે કહે છે, `તે 13 વર્ષનો હતો ત્યારે ક્રિકેટમાં તેની રુચિ જોઈને મેં તેને સ્થાનિક જિમખાના ક્લબમાં મોકલ્યો હતો. મેં તેને માત્ર રસ્તો બતાવ્યો હતો. તેના પર કોઈ પ્રકારનું દબાણ નહોતું કર્યું. પોતાનો માર્ગ પસંદ કરવાનું અમે તેના પર જ છોડ્યું હતું. અમે તેને એક જ સલાહ આપતા હતા કે મહેનત કર, કોચનું સાંભળ અને તેઓ કહે એ ફૉલો કર અને જે તક મળે એ ઝડપી લે.'
મૅક્ગ્રાની કઈ સલાહ કામ લાગી?
વિદર્ભ અન્ડર-16 ટીમમાં સિલેક્ટ થયા બાદ પ્રુફુલ હિન્ગેની કરીઅરે વેગ પકડ્યો હતો. ભારતના ભૂતપૂર્વ પેસ બોલર પ્રશાંત વૈદ્યની સલાહને આધારે તેને ચેન્નઈની એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં કોચ એમ. સેન્થિલનાથન તથા ફાસ્ટ બોલર વરુણ આરૉનની દેખરેખમાં પ્રફુલે બોલિંગમાં ઘણો સુધારો કર્યો હતો. એક સમયે પીઠના દુખાવાને કારણે તેની કારકિર્દી ભયમાં મુકાઈ ગઈ હતી. જોકે કોચ અને તેમની ટીમે પહેલા તો પ્રફુલને ઈજામુક્ત કરાવવા પર કામ કર્યું હતું અને પછી તેની બોલિંગની ટેક્નિકમાં સુધારો કરવા પર ધ્યાન આપ્યું હતું. છ મહિના સુધી મહેનત કર્યા બાદ તે ડોમેસ્ટિક સીઝનમાં રમવાલાયક થયો હતો. પેસ ફાઉન્ડેશનના ચીફ ગ્લેન મૅક્ગ્રા પાસેથી રણનીતિ સંબંધિત સલાહથી પ્રફુલની કરીઅર મજબૂત થઈ હતી. મોટી મૅચમાં માનસિક દબાણનો કેવી રીતે સામનો કરવો અને દરેક બૉલ પર વાપસી કેવી રીતે કરવી એની શીખ મૅકગ્રાએ પ્રફુલ હિન્ગેને આપી હતી.