Thu Oct 01 2026

Logo

76મા જન્મદિવસે પીએમ મોદીને બોલીવુડના કલાકારો તરફથી મળી શુભેચ્છાઓઃ અક્ષય કુમારથી શત્રુઘ્ન સિન્હા સુધીના દરેક સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ

2026-09-17 16:46:28
Author: Mumbai Samachar Team
76મા જન્મદિવસે પીએમ મોદીને બોલીવુડના કલાકારો તરફથી મળી શુભેચ્છાઓઃ અક્ષય કુમારથી શત્રુઘ્ન સિન્હા સુધીના દરેક સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 76મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ અવસરે દેશભરથી તેમના જન્મદિવસ નિમિતે તેમને જન્મદિવસની શુભકામનાઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવનારાઓની ભારે મોટી સંખ્યા જોવા મળી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા સિતારાઓએ પણ પોતાના અંદાજમાં વડા પ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. કોઈએ સેવા ભાવ સાથે દિવસ મનાવવાની વાત કીધી તો કોઈએ પીએમ મોદીના સ્વસ્થ આરોગ્ય અને લાંબા આયુષ્યની શુભકામનાઓ આપી હતી. ફિલ્મ સ્ટાર્સ જેવા કે અક્ષય કુમાર, ચિરંજીવી, શત્રુઘ્ન સિન્હા, કંગના રનૌત, અનુપમ ખેર, શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ સહિત અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.   

અક્ષય કુમારે દેશને પ્રેરણા આપવાની શુભેચ્છા

અક્ષય કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભકામનાઓ આપતા પોતાની પોસ્ટમાં આ દિવસને સેવાના સંકલ્પ સાથે મનાવવાની વાત કરી હતી. તેણે લખ્યું કે કોઈ પણ જરૂરિયાતમંદના કામે આવવું કે કોઈના ચહેરા પર સ્મિત લાવવું જન્મદિવસ મનાવવાની સુંદર રીત હોય શકે છે. અભિનેતાએ પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપતા તેમને આગળ પણ દેશને પ્રેરણા આપતા રહેવાની શુભકામનાઓ પાઠવી હતી. 

દક્ષિણ ભારતના કલાકારોએ આપી શુભેચ્છાઓ

સાઉથ સિનેમાના દિગ્ગ્જ અભિનેતા ચિરંજીવીએ પણ વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંદેશમાં પીએમ મોદીની સફરને દ્રઢ સંકલ્પ, અનુશાસન અને દેશસેવા પ્રત્યે પ્રતિબદ્ધતાથી જોડતા શુભકામનાઓ પાઠવી હતી. ચિરંજીવીએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, ખુશી અને આવનારા વર્ષો માટે શક્તિની શુભેચ્છાઓ આપી હતી. 

શત્રુઘ્ન સિન્હાએ એડવાન્સમાં બર્થડે વિશ કરી  

શત્રુઘ્ન સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસથી એક દિવસ અગાઉ જ શુભેચ્છાઓ પાઠવી હતી. તેણે પીએમ મોદી સાથે પોતાની બે તસવીરો શેર કરી અને કહ્યું કે તેણે પહેલા જ શુભેચ્છાઓ આપવાનો નિર્ણય કર્યો કારણકે જન્મદિવસના દિવસે ઢગલાબંધ શુભકામનાઓ વચ્ચે તેમનો સંદેશો ખોવાઈ ન જાય. તેણે પીએમ મોદી માટે આરોગ્ય, ખુશી, શાંતિ અને લાંબા આયુષ્યની કામના કરી હતી. 

કંગના રનૌતે સંસ્કૃત શ્લોક સાથે આપી શુભકામનાઓ 

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેણે સંસ્કૃત શ્લોક સાથે પોતાના સંદેશની શરૂઆત કરી અને વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી હતી. કંગનાએ પોતાની પોસ્ટમાં દેશસેવા માટે તેમને શક્તિ મળવાની પ્રાર્થના પણ કરી હતી. આ સાથે જ તેણે લોકોને 'આશીર્વાદનો દીવો' પ્રગટાવી વડા પ્રધાનને શુભકામનાઓ આપવાની અપીલ કરી હતી. 

અનુપમ ખેરે યાદ કરી પીએમ સાથેની મુલાકાત 

અનુપમ ખેરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપતા તેમની સાથેની પ્રથમ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમદાવાદમાં થયેલી તે મુલાકાત તેમના માટે પ્રેરણાદાયક રહી હતી. અભિનેતાએ પોતાના સંદેશમાં પીએમ મોદીના શિસ્ત, મહેનત અને દેશ પ્રત્યે સમર્પણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વડા પ્રધાનના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરતા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. 

જેકી શ્રોફ, પરેશ રાવલએ પણ આપી શુભેચ્છાઓ 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસ્વીર શેર કરી જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. અભિનેતા જેકી શ્રોફે પણ વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપી પોતાની તસ્વીર શેર કરી હતી, જેમાં બંને હાથ મિલાવતા નજર આવી રહ્યા છે. જેકી શ્રોફે આ તસ્વીર દ્વારા વડા પ્રધાનને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. અભિનેતા પરેશ રાવલે પણ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેણે એક્સ પોસ્ટમાં લખ્યું કે, 'ઈશ્વર પાસે નરેન્દ્ર મોદીજીના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના.'