Mon Sep 07 2026

Logo

વડા પ્રધાન મોદીએ 'મન કી બાત'માં ઉલ્લેખ કર્યો એ મુંબઈના કૃષ્ણ શેષાદ્રી કોણ છે?

2026-08-30 17:28:14
Author: Mumbai Samachar Team
વડા પ્રધાન મોદીએ 'મન કી બાત'માં ઉલ્લેખ કર્યો એ મુંબઈના કૃષ્ણ શેષાદ્રી કોણ છે?

નવી દિલ્હી/મુંબઈઃ મુંબઈમાં રહેતા કૃષ્ણ શેષાદ્રીએ ભારતીય ઈતિહાસને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને સરળ અને રસપ્રદ બનાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. તેમના આ પ્રયાસથી પ્રભાવિત થઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 137મા એપિસોડમાં કૃષ્ણ શેષાદ્રીના કામની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, વડા પ્રધાન મોદીએ કાર્યક્રમ દરમિયાન કૃષ્ણ સાથે સીધી વાતચીત પણ કરી હતી.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે ‘મન કી બાત’ એક એવો મંચ છે, જ્યાં દેશના લોકોના નવા પ્રયાસો, નવીન વિચારો અને તેમની મહેનતને લોકો સમક્ષ લાવવામાં આવે છે. આવા અનેક પ્રયાસો પાછળ લોકો પોતાની જીવનભરની ઊર્જા અને મહેનત લગાવતા હોય છે. 

કૃષ્ણ શેષાદ્રીના પ્રયાસનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર કોઈએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે, “આષાઢી એકાદશીના પાવન અવસરે મને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે ઈતિહાસને રસપ્રદ બનાવવાના મારા પ્રયાસનો પ્રારંભ કરી રહ્યો છું.” આ પોસ્ટ બાદ વડા પ્રધાન મોદીએ આ પ્રયાસ વિશે વધુ માહિતી મેળવવાનું નક્કી કર્યું. તેમણે જણાવ્યું કે કૃષ્ણ શેષાદ્રિએ ઈતિહાસને સમજવાની એકદમ સરળ રીત રજૂ કરી છે.

કૃષ્ણ શેષાદ્રિએ ભારતરાજ્ય.કોમ (BharatRajya.com) નામની એક વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ એક વર્ષ પસંદ કરીને તે સમયગાળા દરમિયાન ભારતના કયા વિસ્તારમાં કયા શાસક અથવા રાજવંશનું શાસન હતું તેની માહિતી સરળતાથી મેળવી શકાય છે. 
વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેમને પણ આ વેબસાઈટ અને તેનો વિચાર ખૂબ જ રસપ્રદ લાગ્યો. તેમણે આ કામ વિશે વધુ માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે મુંબઈમાં રહેતા કૃષ્ણ શેષાદ્રિએ આ અનોખી પહેલ કરી છે.

PM મોદીએ કૃષ્ણના પ્રયાસની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે વેબસાઈટનું નામ પણ ખૂબ જ સરળ રાખ્યું છે અને તેમનો આ પ્રયાસ દેશના વધુમાં વધુ લોકો સુધી પહોંચવો જોઈએ. તેથી જ તેમણે ‘મન કી બાત’માં સીધા કૃષ્ણ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. 

વાતચીત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણ શેષાદ્રિને પૂછ્યું હતું કે તમે ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને ઈતિહાસના શિક્ષક પણ નથી તો પછી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઈતિહાસ સાથે જોડાયેલી આ વેબસાઈટ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

તેના જવાબમાં કૃષ્ણ શેષાદ્રિએ જણાવ્યું કે તેઓ એન્જિનિયર હતા. ત્યાર બાદ તેમણે MBA કર્યું અને માર્કેટિંગ ક્ષેત્રમાં નોકરી કરી. જોકે, તેમને બાળપણથી જ ઈતિહાસમાં ખૂબ રસ હતો. કૃષ્ણે જણાવ્યું કે તેમને હંમેશાં એવું લાગતું હતું કે આપણે જે રીતે ઇતિહાસ શીખવીએ છીએ તેમાં ઘણો સુધારો અને બદલાવ કરી શકાય છે. ઈતિહાસને માત્ર તારીખો અને ઘટનાઓ તરીકે નહીં, પરંતુ એક રસપ્રદ વાર્તા તરીકે લોકો સુધી પહોંચાડવામાં આવે તો તેને સમજવામાં વધુ સરળતા રહે.
 
કૃષ્ણ શેષાદ્રિનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વિશાળ અને વૈવિધ્યસભર ઈતિહાસને સામાન્ય લોકો માટે સરળ અને રસપ્રદ બનાવવાનો છે. BharatRajya.com દ્વારા તેમણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઈતિહાસને લોકોની આંગળીના ટેરવે સરળ માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. 

વેબસાઈટ પર કોઈ ચોક્કસ વર્ષ પસંદ કરીને તે સમય દરમિયાન ભારતના અલગ-અલગ વિસ્તારોમાં કયા રાજા, રાજવંશ અથવા શાસકનું શાસન હતું તે જાણી શકાય છે. આ રીતે ભારતના ઈતિહાસને સમય અને સ્થળના સંદર્ભમાં સમજવામાં મદદ મળે છે.
 
‘મન કી બાત’ દરમિયાન વડા પ્રધાન મોદીએ કૃષ્ણ શેષાદ્રિના પ્રયાસને નવીન વિચાર અને ટેક્નોલોજીના સકારાત્મક ઉપયોગનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશના લોકો દ્વારા કરવામાં આવતા આવા અનોખા પ્રયાસોની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જરૂરી છે. 

કૃષ્ણ શેષાદ્રિની પહેલ એ પણ દર્શાવે છે કે ઇતિહાસ જેવા વિષયને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને નવી પેઢી માટે વધુ સરળ અને રસપ્રદ બનાવી શકાય છે. મુંબઈના એક ટેક્નોલોજી પ્રોફેશનલનો ઇતિહાસ પ્રત્યેનો રસ આજે એક એવી વેબસાઇટના રૂપમાં સામે આવ્યો છે, જે ભારતના ભૂતકાળને સમજવાની નવી રીત રજૂ કરે છે.