મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત પહેલા મુંબઈમાં સુરક્ષામાં ચૂક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. મહાનગર મુંબઈમાં વડા પ્રધાન મોદીનો કાર્યક્રમના એક દિવસ પહેલા જ પોલીસે બે જણને ઝડપી લીધા હતા. BKC સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં PMOના ઓફિસર બની આવેલા બે વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી છે.
આ અધિકારીના વેશમાં આવેલા વ્યક્તિ સાથે એક વ્યક્તિ પાસેથી બંદૂક પણ જપ્ત કરવામાં આવી મુંબઈ ક્રાઈમ બ્રાંચ બન્નેની તપાસ કરી રહી છે. વડા પ્રધાન મોદી ગુજરાતમાંથી કાર્યક્રમ પૂરો કરીને મુંબઈ પહોંચશે જ્યાં તેઓ ગ્લોબલ ફિટનેસ ફેસ્ટ 2026નો શુભારંભ કરાવશે. ગ્લોબલ ફિટનેસ ફેસ્ટની આ સાતમી એડિશન છે જે 8થી 11 સપ્ટેમ્બર સુધી ચાલશે.
બનાવટી આઈડી આવ્યું ક્યાંથી?
પોલીસના જણાવ્યા અનુસાર જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે એનું નામ રોહન પારેખ (ઉ.વ.24) તરીકે થઈ છે. NMACCના પરિસરમાં PMOનો અધિકારી બનીને ફરી રહ્યો હતો. એની વર્તણૂંક અને પ્રવૃતિઓ પર વૉચ રાખવામાં આવી હતી. આ પછી સુરક્ષાના અધિકારીઓને એના પર આશંકા જતા અટકાયત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને પરિસરમાં પહેલાથી જ SPG અને મુંબઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત કરાયો હતો. પોલીસ સાથેની પૂછપરછમાં રોહને પોતાની ઓળખ સાબિત કરવા માટે PMOનું ઓળખપત્ર પણ આપ્યું હતું.
પોલીસે જ્યારે આની તપાસ કરી એ સમયે ખ્યાલ આવ્યો કે તે ખરેખર નકલી આઈડીકાર્ડ હતું. રોહન સાથે એના બોડીગાર્ડ તરીકે ફરતો હતો એની તપાસ કરતા એની પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસે આ બન્ને વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ઘટના બાદ સવાલ એ ચર્ચામાં છે કે, નકલી આઈડી કાર્ડ તૈયાર કરીને PMOના અધિકારી તરીકે કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી જનાર આ નકલી અધિકારી NMCC સેન્ટર સુધી પહોંચ્યો કેવી રીતે?
સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો
સુરક્ષા એજન્સીઓ એ તપાસ કરવામાં મથી રહી છે કે,રોહને આ નકલી આઈડી કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કર્યો હતો અને એ કાર્ડ પર તેણે શું પ્રવૃતિઓ કરી હતી. આ કાર્ડ એને કોની મદદથી તૈયાર કરાવ્યું હતું. આ બનાવ પછી તેના આવું કરવા પાછળના હેતુની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સવાલ એ પણ ચર્ચામાં છે કે, રોહને પોતાની સાથે તેનો બોડીગાર્ડ શા માટે રાખ્યો હતો? આ પ્રકારની પ્રવૃતિ તે કેટલા સમયથી કરી રહ્યો છે? આની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરે છે કે કંઈ બીજુ કારણ છે? એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
વર્તણૂકથી આશંકાના દાયરામાં આવેલા આ બે વ્યક્તિઓને લઈને પોલીસ હવે પોતાના બીજા પણ કેટલાક સૂત્રોને એલર્ટ કરી દીધા છે. આ ઘટના બાદ વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.