Fri Apr 17 2026

Logo

મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન: યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી

2026-03-05 15:52:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ હુમલો કરી રહ્યાં છે. મધ્યપૂર્વના આ યુદ્ધ વચ્ચે હવે પીએમ મોદીનું એક મોટું નિવેદન આપ્યું છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને 5 દિવસથી વધુ સમય થઈ ગયા છે ત્યારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટી સંખ્યામાં મિસાઈલ અને ડ્રોન હુમલાથી મોટી જાનહાનિના સમાચાર છે. અત્યાર સુધીમાં પીએમ મોદીએ કેટલાક દેશો સાથે વાત કરી હતી, પરંતુ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નહોતું. પરંતુ હવે પીએમ મોદીએ એક નિવેદન આપ્યું છે. 

સૈન્ય કાર્યવાહી કોઈ સમસ્યનું સમાધાન નથી

પીએમ મોદીએ કહ્યું કે, યુક્રેન હોય કે પછી પશ્ચિમ એશિયા માત્ર સૈન્ય કાર્યવાહીથી કોઈ પણ સમસ્યા કે સંઘર્ષનું સમાધાન આવે નહીં. ભારત અને ફિનલેન્ડ બંને કાયદાના શાસન, સંવાદ અને રાજદ્વારીમાં વિશ્વાસને છે. અમે સંમત છીએ કે કોઈ પણ મુદ્દાનો ઉકેલ ફક્ત લશ્કરી સંઘર્ષ દ્વારા શક્ય નથી. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષોનો અંત લાવવા અને શાંતિ પ્રાપ્ત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપતા રહીશું. 

મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં ભારત શાંતિદૂત બનશે? 

પ્રશ્ન એ થાય છે કે, પીએમ મોદીએ આવું નિવેદન શા માટે આપ્યું? શું મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં ભારત શાંતિદૂત બનશે? વડા પ્રધાન મોદીનું માનવું છે કે, અત્યારે વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાયેલી છે. જેથી વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વિશ્વભરની સંસ્થાઓમાં સુધારા માત્ર જરૂરી જ નથી પણ તાત્કાલિક પણ છે. આતંકવાદના દરેક સ્વરૂપને તેના મૂળથી ઉખાડીને ખતમ કરવા માટે ભારત કટિબદ્ધ છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. 

ઈરાનના હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યાનો યુએસનો દાવો

યુદ્ધની વાત કરવામાં આવે તો અમેરિકા અને ઇઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ હવે વધારે ઉગ્ર બની રહ્યું છે. આ યુદ્ધમાં ઈરાનમાં અત્યાર સુધીમાં એક હજારથી પણ વધારે લોકોના મોત થયાં છે. તેવામાં અમેરિકાએ એવો પણ દાવો કર્યો છે કે, તેણે ઇરાનના હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવી લીધું છે. એટલું જ નહીં પરંતુ ઈરાનની નેવીને પણ સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવી હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં સબમરીન હુમલામાં ઈરાનનું યુદ્ધ જહાજ IRIS દેના પણ ડૂબી ગયું હોવાનો અમેરિકાએ વીડિયો શેર કર્યો હતો.