Wed Jun 24 2026

Logo

વૈશ્વિક અનિશ્ચિતતાને તકમાં રૂપાંતરિત કરવા ગોયલનો ઉદ્યોગને અનુરોધ

2026-05-20 19:39:54
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગોએ વર્તમાન વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓથી ગભરાવાને બદલે તેને વિકાસની તકોમાં રૂપાંતરિત કરવી જોઈએ, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અને ભૂરાજકીય અનિશ્ચિતતાઓને ભારત માટે વ્યવસાયિક પ્રક્રિયાઓને મજબૂત કરવા, ઝડપી સુધારા હાથ ધરવા, વધુ સ્થિતિસ્થાપકતા ઊભી કરવા અને પુરવઠા ચેઈનને મજબૂત કરવાની એક તક તરીકે જોવી જોઈએ. ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કદી કોઈપણ કટોકટી જવા નથી દીધી. હાલની વિશ્વની સ્થિતિ ખરેખર એક તક છે,

અનિશ્ચિતતાના સંજોગોમાં આપણે ઊંડાણપૂર્વક જોડાવાની સાથે આપણી વ્યવસાયિક પ્રક્રિયાઓને મજબૂત કરવાના માર્ગો શોધો અને ઉજ્જવળ તથા વધુ સારા ભવિષ્ય માટે સજ્જ થવા ઉદ્યોગને તેમણે અત્રે એસોચેમ દ્વારા આયોજિત `બિઝનૅસ રિફોર્મ સમિટ 2026'ને સંબોધતા કહ્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન શીખેલા પદાર્થપાઠોએ ડિજિટલ જોડાણ અને રિમોટ વર્કિંગ મૉડૅલની અસરકારકતા દર્શાવી હતી. તે જ પ્રમાણે પશ્ચિમ એશિયાની કટોકટીથી પણ ગભરાવાની જરૂર નથી, એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)જેવી ઊભરતી ટૅક્નોલૉજી ભારતીય ઉદ્યોગ માટે લાભ લેવાની તકો લાવે છે. તેમણે ઉદ્યોગને જાપાન સહિતની ઉત્પાદનની યંત્રણાઓને ધ્યાનમાં રાખીને ઉત્પાદનમાં અસરકારકતા લાવવા અને ઓછામાં ઓછો બગાડ થાય તેવી પદ્ધતિઓ અપનાવવા આહ્વાન કર્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ટૅરિફ, રશિયા-યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની કટોકટી જેવાં પડકારો છતાં ગત નાણાકીય વર્ષમાં ભારતની નિકાસ 863 અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી, જેમાં વેપારી માલ-સામાન (મર્કન્ડાઈઝ) અને સેવાઓ (સર્વિસીસ) બન્નેની નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ હતી. ભારત દ્વારા કરવામાં આવેલા મુક્ત વેપાર કરારોએ વધુ બજારો એક્સેસ કરવા માટે દરવાજા ખોલ્યા છે. જેનો ઉપયોગ માત્ર આયાત વધારવા જ નહીં, પરંતુ નિકાસ વધારવા અને રોકાણો આકર્ષિત કરવા પણ જરૂરી છે. 

ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા દરમિયાન મળેલાં સૂચનોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ મંજૂરીઓ માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરવા માટે ઔદ્યોગિક પાર્કમાં એક જ સંસ્થા સ્થાપવાની શક્યતાઓ ચકાસી રહી છે. રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમમાં ઉદ્યોગો તરફથી પૂરતો સહયોગ અને પ્રતિસાદ ન મળ્યો હોવાથી તેમણે ચિંતા વ્યક્ત કરતાં સરકારી વ્યવસ્થાઓમાં સુધારો લાવવા માટે ખાનગી ક્ષેત્રને પણ જોડાવા માટે વિનંતી કરી હતી. 

ભારત હવે એક ટ્રિલિયન ડૉલરની નિકાસનો લક્ષ્ય રાખી રહ્યું છે અને સમજૂતી કરાર ઔપચારિક રીતે અમલમાં આવે તે પહેલા જ નિકાસકારોએ નવા બજારોની શોધ કરીને સેમ્પલિંગ તથા ટ્રાયલ ઓર્ડર હાથ ધરીને વૈશ્વિક જોડાણ વધારીને આગામી મુક્ત વેપાર કરારનો સક્રિયપણે લાભ લેવો જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. 

46 સંસ્થાઓ હેઠળ 216 શહેરોમાં 482 કચેરીઓ ધરાવતું મંત્રાલય રાજ્યની રાજધાનીઓ અને મોટાં શહેરોમાં સિંગલ પૉઈન્ટ સંપર્ક કેન્દ્રોમાં કામગીરીને મજબૂત બનાવવા કાર્ય કરી રહ્યું હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આના થકી વ્યવસાયો સંકલિત અને ડિજિટલ ધોરણે જોડાયેલી પ્રણાલીઓ દ્વારા ડીજીએફટી, કૉફી બોર્ડ, તેના-મસાલા બોર્ડ, જીઈએમ અને અન્ય સંસ્થાઓ સાથે સંબંધિત સેવાઓ મેળવી શકશે.