Wed Jun 24 2026

Logo

હાસ્ય અને લોકસાહિત્ય કલાકાર સાંઈરામ દવેના પિતા વિષ્ણુપ્રસાદ દવેનું નિધન

2026-06-24 14:41:04
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટ: સૌરાષ્ટ્રની પ્રાચીન સંતવાણી પરંપરાને છેલ્લા પચાસ વર્ષથી એક ભજનિક તરીકે જીવંત રાખનારા આદરણીય ભજન પુરુષ શ્રી વિષ્ણુપ્રસાદ કેશવલાલ દવે (શ્રી પ્રસાદજી)નું 23 જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓ 50 વર્ષથી ભજનને જીવ્યા છે તેવા ભજનાન્દી શિવમાં વિલીન થયા. તેઓ છેલ્લા એકાદ વર્ષથી અન્નનળીના કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. તેમના નિધનથી સમગ્ર ગુજરાતના કલાજગતમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે.  

આકાશવાણીથી મળી ઓળખ

ઈ.સ. 1976માં આકાશવાણી રાજકોટ પરથી હેમુ ગઢવીએ તેમની ભજનિક તરીકે પસંદગી કરી હતી. જીવનના ઉત્તરાર્ધમાં તેઓ આકાશવાણીના 'એ' ગ્રેડના ભજનિક તરીકે માન્યતા પામ્યા હતા. 80ના દાયકામાં રેડિયો પરથી રજૂ થયેલા તેમના પ્રખ્યાત ભજન 'મારું રે પિયરીયું માધવપુરમાં...!' થી તેમને વ્યાપક ખ્યાતિ મળી હતી. રેડિયોના 'અર્ચના સંતવાણી' કાર્યક્રમમાં તેમણે આશરે 100 જેટલા પ્રાચીન ભજનો રજૂ કર્યા હતા.  

ગૌરવ પુરસ્કાર અને સાહિત્યિક પ્રદાન

રવિ-ભાણ સદ્ગુરુ પરંપરાના ભજનોમાં નિપુણતા ધરાવતા પ્રસાદજીએ લખેલા, શોધેલા અને કંપોઝ કરેલા અનેક ભજનો જેવા કે 'જયલે હરિકા નામ', 'કાના નાના છાના માના', અને 'પવન પાવડી' આજે પણ લોકોની જીભે રમે છે. વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમને અને તેમના પુત્ર સાંઈરામ દવેને સંયુક્ત રીતે 'ગૌરવ પુરસ્કાર'થી નવાજવામાં આવ્યા હતા. સાંઈરામ દવેનો મુંબઈ સમાચાર સાથે અનેરો નાતો હતો. મુંબઈ સમાચાર પરિવારે પણ વિષ્ણુપ્રસાદ કેશવલાલ દવેને હાર્દિક શ્રધાંજલિ આપી છે.