વોશિંગ્ટન: ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટોનો બીજો રાઉન્ડ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાય તેવી શક્યતા છે, પરંતુ બંને દેશોના આક્રમક વલણને જોતા આ સીઝફાયર લાંબો સમય ટકે તેમ લાગતું નથી. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીધી વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો બીજી તરફ ઈરાની સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈપણ હુમલાનો સામનો કરવા માટે સજ્જ છે. ઈરાનનું કહેવું છે કે દુશ્મનની ધમકીઓની તેમના પર કોઈ અસર થશે નહીં અને તેઓ પૂરી તાકાત સાથે તેનો જવાબ આપશે.
ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના સ્થાપના દિવસ નિમિત્તે મેજર જનરલ અલી અબ્દોલ્લાહીએ સશસ્ત્ર દળોની શક્તિનું પ્રદર્શન કરતા જણાવ્યું હતું કે, આજે ઈરાનની જનતાને સેનાની વ્યુહાત્મક ક્ષમતાઓ પર ગર્વ છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ ઈઝરાયેલ અને અમેરિકાને એટલા દબાણમાં લાવી દીધા છે કે તેઓ હવે લાચારી અનુભવી રહ્યા છે અને તે જ કારણ છે કે તેઓ મજબૂરીમાં યુદ્ધવિરામની માંગ કરી રહ્યા છે.
ઈરાની કમાન્ડરે વધુમાં જણાવ્યું કે દેશની જનતા સશસ્ત્ર દળોની સાથે એકજૂથ છે અને સર્વોચ્ચ કમાન્ડરના નિર્દેશોનું પાલન કરવા માટે તૈયાર છે. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાની સેના દુશ્મનની કોઈપણ કાર્યવાહીનો નિર્ણાયક અને તાત્કાલિક જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જનતાનો જોશ અને સૈન્યની સતર્કતા એ સાબિત કરે છે કે ઈરાન પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતું નથી.
સેનાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું જ નિયંત્રણ રહેશે અને તેઓ અમેરિકાને વાસ્તવિકતા વિશે ભ્રામક ચિત્ર રજૂ કરવા દેશે નહીં. મેજર જનરલ અબ્દોલ્લાહીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ પણ સમજૂતી કે સંધિનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો ઈરાન તેનો સક્ષમ અને પ્રભાવી રીતે જવાબ આપશે.