Mon Sep 07 2026

Logo

બનાસકાંઠામાં શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રૂ. 5 લાખની ખંડણી માંગનાર ટોળકીનો પર્દાફાશ, 3 ઝડપાયા

2026-09-04 22:07:58
Author: Mumbai Samachar Team
બનાસકાંઠામાં શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રૂ. 5 લાખની ખંડણી માંગનાર ટોળકીનો પર્દાફાશ, 3 ઝડપાયા

અમદાવાદઃ બનાસકાંઠાના દાંતા પંથકમાં સરકારી શાળાના એક શિક્ષકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 5 લાખની ખંડણી માંગનારી હનીટ્રેપ ટોળકીને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડી છે. આ ચોંકાવનારા ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર પાલનપુરની ખાનગી શાળાનો પૂર્વ શિક્ષક મહેબૂબ ખાન હતો. ફરિયાદી શિક્ષક સાથેની જૂની મિત્રતાનો ગેરલાભ ઉઠાવીને મહેબૂબ ખાને સાગરીતો સાથે મળી આ જાળ બિછાવી હતી. યોજના મુજબ એક મહિલા શિક્ષકને બાલારામ નજીકના જંગલમાં લઈ ગઈ હતી, જ્યાં અગાઉથી જ ગોઠવાયેલા આરોપીઓએ આવીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી શિક્ષક પાસેથી રોકડ તથા ઓનલાઈન ટ્રાન્સફર મારફતે રૂપિયા 1.15 લાખ પળાવી લીધા હતા.

પત્રકાર તરીકે ઓળખ આપીને ધમકી આપી
ત્યારબાદ ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર તરીકે ઓળખ આપનાર મુજાહિદ ખાને ન્યૂઝની લિંક મોકલી સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી વધુ રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. ભોગ બનનાર શિક્ષકે આ મામલે ફરિયાદ નોંધાવતા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચનાથી એલસીબી પીઆઈ ડી.એમ. રાઠોડની ટીમે દરોડો પાડીને મુખ્ય સૂત્રધાર મહેબૂબ ખાન, સલીમ ખાન અને નરસિંહ રાવળની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી નરસિંહ રાવળ અને સલીમ ખાન સામે અગાઉ પણ હનીટ્રેપ સહિતના ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

તપાસનો ધમધમાટ શરૂ
ઝડપાયેલા ત્રણેય આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા, જ્યાં પીઆઈ વાઘેલા દ્વારા વધારે તપાસ શરૂ કરવામાં આવશે. આ કેસમાં સામેલ આશા શર્મા, કાર ચાલક શ્રવણ રાવળ અને કથિત પત્રકાર મુજાહિદ ખાન હાલ પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસ આ કેસમાં હવે ત્રણેય આરોપીની આકરી ઢબે પૂછપરછ કરી શકે છે. આ પછી પોલીસ કોઈ મહત્ત્વની દિશામાં તપાસ શરૂ કરી શકે છે.