ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાંથી મુક્તિ અને લોકશાહી અધિકારોની પુનઃસ્થાપનાની માંગ સાથે 'પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાન' (PTI) દ્વારા આગામી 27 સપ્ટેમ્બરે યોજાનારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને પગલે શાહબાઝ શરીફ સરકારે રાજધાની ઇસ્લામાબાદને કિલ્લેબંધીમાં ફેરવી દીધી છે. ઇસ્લામાબાદ તરફ આવતા તમામ મુખ્ય રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાન સરકારે 2000 કન્ટેનરો તૈનાત કરી દીધા: સૂત્રો
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઇસ્લામાબાદ અને તેની આસપાસના સીમાવર્તી વિસ્તારોમાં 2,000 થી વધુ વિશાળ શિપિંગ કન્ટેનરો મૂકીને રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. 23 સપ્ટેમ્બરની રાતથી જ ઇસ્લામાબાદ-પેશાવર મોટરવે (M-1), ઇસ્લામાબાદ-ડેરા ઇસ્માઇલ ખાન મોટરવે (M-14) અને જીટી રોડના મહત્વના ભાગોને આગામી આદેશ સુધી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. આ સાથે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતને પંજાબ અને રાજધાની સાથે જોડતા વ્યૂહાત્મક અટોક બ્રિજ પર ભારે સુરક્ષા ખડકી દેવામાં આવી છે. એકલા અટોક જિલ્લામાં જ 30,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે.
હોસ્પિટલોમાં 30 સપ્ટેમ્બર સુધી 'રેડ એલર્ટ' જાહેર
વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ હિંસક અથડામણ કે ઈમરજન્સી ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે ઇસ્લામાબાદની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને 30 સપ્ટેમ્બર સુધી હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. તમામ હોસ્પિટલોના બ્લડ બેંકોને ઓછામાં ઓછી 100 બેગ બ્લડનો રિઝર્વ જથ્થો રાખવાનો આદેશ અપાયો છે. આ સાથે ઈમરજન્સી વોર્ડમાં વધારાના બેડ, ઓક્સિજન સિલિન્ડર અને જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે.
બંધારણ અને લોકશાહી બચાવવા શાંતિપૂર્ણ આંદોલનનો PTI નો દાવો
બીજી તરફ, PTI ના નેતાઓનું કહેવું છે કે, તેમનું 27 સપ્ટેમ્બરનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને બંધારણીય મર્યાદામાં રહીને યોજાશે. પાર્ટીનો દાવો છે કે આ લડાઈ માત્ર ઇમરાન ખાનની મુક્તિ માટે જ નથી, પરંતુ દેશમાં કાયદાના શાસન અને નાગરિકોના લોકશાહી અધિકારોની પુનઃસ્થાપના માટે છે. જોકે, સરકાર પીટીઆઈના સમર્થકોને કોઈ પણ સંજોગોમાં રાજધાનીમાં પ્રવેશવા દેવાના મૂડમાં નથી.