કરાચી/લંડન: પાકિસ્તાનની મેન્સ ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડમાં ઉપરાઉપરી બીજી ટેસ્ટ પણ ખરાબ રીતે હારી જતાં ઇંગ્લૅન્ડે ત્રણ મૅચની શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી એના આઘાત વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અભૂતપૂર્વ અને ચોંકાવનારા પગલાં ભર્યા છે. ઉલ્લેખનીય છે કે પીસીબીએ ઇંગ્લૅન્ડ મોકલેલી પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાંથી અડધા ભાગના ખેલાડીઓને પાછા બોલાવી લીધા છે.
લૉર્ડસમાં 194 રનના પરાજય બાદ પીસીબીએ ટેસ્ટ ટીમના હેડ-કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ-કોચ ઉમર ગુલ (UMAR GUL)ને ટીમમાંથી કાઢી મૂક્યા છે. માત્ર ત્રીજી ટેસ્ટ માટે તેઓ વન-ડે અને ટી-20ના હેડ-કોચ માઈક હેસનના હાથ નીચે કામ કરશે.
પીસીબીએ ત્રણ સિનિયર ખેલાડીઓ મોહમ્મદ રિઝવાન, ઈમામ ઉલ હક અને ભૂતપૂર્વ કેપ્ટન સલમાન અલી આગાને તેમ જ અલી ઉસ્માન, આમેર જમાલ, અવેઇસ ઝફર તથા ખુર્રમ શાહઝાદને ટીમમાંથી છૂટા કરી દીધા છે.
એટલું જ નહીં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બે જૂના ખેલાડી સઈમ અયુબ અને અબ્દુલ્લા ફઝલને ટીમમાં પાછા સમાવ્યા છે તેમ જ પાંચ નવા ખેલાડીઓને તાબડતોબ ઇંગ્લૅન્ડ મોકલ્યા છે. એ નવા ખેલાડીઓમાં રઝઉલ્લા ખાન, સાદ બેગ, મોહમ્મદ ઇમરાન, અરાફત મિન્હાસ અને રોહેલ નઝીરનો સમાવેશ છે.
અગાઉ પાકિસ્તાનની ટીમમાં મોટા પ્રમાણમાં ફેરફારો થયા હતા, પરંતુ શ્રેણીની મધ્યમાં કે જેમાં પાકિસ્તાન ટ્રોફી ગુમાવી ચૂક્યું હોય એમાં આટલા મોટા પાયે ફેરફારો પહેલી જ વખત થયા છે.
Pakistan have dropped seven players and two coaches ahead of the final Test against England 🇵🇰 pic.twitter.com/856wQMVhXy
— Sky Sports Cricket (@SkyCricket) August 31, 2026
પાકિસ્તાન બીજી ટેસ્ટમાં કેવી રીતે હાર્યું?
ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાન શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને 103 રનથી પરાજિત થયું હતું. રવિવારે રાત્રે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો 194 રનથી પરાજય થયો હતો. પહેલા દાવમાં ઇંગ્લૅન્ડે 290 રન બનાવ્યા પછી પાકિસ્તાનનો માત્ર 110 રનમાં ઘડોલાડવો થઈ ગયો હતો. બીજી ઈનિંગ્સમાં ઇંગ્લૅન્ડે 208 રન બનાવીને પાકિસ્તાનને 389 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. જોકે સાઉદ શકીલના 97 રન છતાં પાકિસ્તાનની ટીમ માત્ર 194 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને 194 રનથી એની હાર થઈ હતી.
બાબર આઝમ બંને દાવમાં સાવ ફ્લૉપ
બાબર આઝમ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો, પરંતુ બીજી ટેસ્ટમાં તે સદંતર ફ્લોપ રહ્યો હતો. તે પહેલા દાવમાં આઠ રન અને બીજા દાવમાં છ રન બનાવી શક્યો હતો.
Joe Root returns as captain with England’s first Test series win in 20 months 🏴#ENGvPAK #Cricket pic.twitter.com/EgLds1ePeR
— Wisden (@WisdenCricket) August 30, 2026
સતત બીજી ટેસ્ટમાં રોબિનેશન મૅન ઑફ ધ મૅચ
આ બીજી ટેસ્ટમાં પણ ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર્સનું પ્રભુત્વ હતું. ઑલી રૉબિન્સન ચાર, જૉશ ટન્ગે ત્રણ અને જોફ્રા આર્ચરે બે વિકેટ લીધી હતી. રૉબિન્સન સતત બીજી ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.