આજે દેશભરમાં રામ નવમીની ઉજવણી થઈ રહી છે. હિંદુ શાસ્ત્રોમાં ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે દેશભરના રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા અને તેમના આશિર્વાદ મેળવવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે શું તમને ખબર છે કે દેશમાં એક એવું મંદિર પણ છે કે જ્યાં લોકો રામને ભગવાન તરીકે નહીં પણ રાજા તરીકે રાખે છે? એટલું જ નહીં આ મંદિરમાં ભગવાન રામને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવે છે? ચાલો જોઈએ તમને જણાવીએ કે ક્યાં આવેલું છે આ મંદિર...
અહીં જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ ભારતના હૃદય સમાન મધ્ય પ્રદેશના બુંદેલખંડના ઓરછા શહેરમાં આવેલું છે. ઓરછામાં આજે પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના રાજસી વૈભવનું સાક્ષી છે. અહીં ભગવાન રામ માત્ર એક દેવતા તરીકે નહીં, પરંતુ ઓરછાના 'જીવંત રાજા' તરીકે બિરાજમાન છે. આ વિશ્વનું આ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ભગવાનની પૂજા મંદિરમાં નહીં પણ રાજમહેલમાં થાય છે અને તેમને રાજ્યના સર્વોચ્ચ શાસક તરીકે સન્માન આપવામાં આવે છે.
ઓરછામાં ભગવાન રામને પથ્થરની મૂર્તિ નહીં, પરંતુ આ રિયાસતના વાસ્તવિક અને બંધારણીય શાસક માનવામાં આવે છે. આજે પણ વહીવટીતંત્રનું કોઈ પણ મોટું કામ રાજા રામની 'પરવાનગી' વિના શરૂ થતું નથી. અહીં ભક્તો દર્શન કરવા નહીં, પરંતુ પોતાના રાજાના દરબારમાં 'હાજરી' પુરાવવા આવે છે.
વાત કરીએ આ મંદિરમાં જોવા મળતી સૌથી આશ્ચર્યજનક પરંપરા એ છે કે અહીં મધ્ય પ્રદેશ પોલીસના જવાનો હથિયારો સાથે ભગવાન રામને સલામી આપે છે. જે રીતે દેશના રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને સૈન્ય સન્માન આપવામાં આવે છે, તે જ રીતે દિવસના વિવિધ પ્રહરોમાં પોલીસની ટુકડી રાજા રામને નમન કરે છે.
એક દંત કથા અનુસાર ઓરછાના મહારાણી કુંવરી ગણેશ ભગવાન રામની પરમ ભક્ત હતા અને તેમણે ભગવાન રામજીના જન્મસ્થાન એટલે કે અયોધ્યા જઈને સરયુ નદીના કિનારે કઠોર તપશ્ચર્યા કરી હતી. ઓરછાના મહારણીના ભક્તિ ભાવથી પ્રસન્ન થઈને ભગવાન રામ બાળ સ્વરૂપે તેમની સાથે ઓરછા આવવા તૈયાર થયા હતા, પરંતુ તેમણે મહારાણી સમક્ષ બે શરતો મૂકી હતી.
વાત કરીએ ભગવાન રામે મૂકેલી શરતોની તો તેમણે મૂકેલી પહેલી શરત પ્રમાણે રામજી ઓરછામાં દેવતા તરીકે નહીં પણ એક રાજા તરીકે નિવાસ કરશે અને ત્યાંનું શાસન સંભાળશે. આ સિવાય તેમણે બીજી શરત એવી મૂકી હતી કે ઓરછા પહોંચ્યા પછી તેમને જ્યાં પહેલીવાર બેસાડવામાં આવશે, તેઓ ત્યાં જ હંમેશ માટે સ્થાપિત થઈ જશે અને ત્યાંથી ક્યારેય ખસશે નહીં.
ઓરછાના મહારાણીએ ભગવાન રામે મૂકેલી બંને શરતો સ્વીકારી હતી અને બસ એ દિવસથી ભગવાન રામ ઓરછાના રાજા બનીને મહેલમાં બિરાજમાન થયા અને ત્યારથી આ ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા શરૂ થઈ જે આજે પણ ચાલી આવી છે...