Sun May 31 2026

Logo

જાણો કોણ છે જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ? 'ઓપરેશન રાઈનો'ના કમાન્ડરથી લઈને દેશના ત્રીજા CDS સુધીની સફર

2026-05-31 16:32:55
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: જનરલ એન.એસ. રાજા સુબ્રમણિએ આજે દેશના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. સાઉથ બ્લોકમાં પદભારગ્રહણ કર્યા બાદ તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગઢવાલ રેજિમેન્ટના આ વરિષ્ઠ અધિકારીએ જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લીધું છે, જેઓ 30 મેના પોતાનો કાર્યકાળ પૂર્ણ કરીને નિવૃત્ત થયા હતા. નવો કાર્યભાર સંભાળ્યા બાદ જનરલ સુબ્રમણિએ સ્પષ્ટ કર્યું કે તેમના નેતૃત્વ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોનું મુખ્ય ધ્યાન 'JAI' - જોઈન્ટનેસ, આત્મનિર્ભરતા અને ઇનોવેશન) પર કેન્દ્રિત રહેશે.

40 વર્ષથી વધુની ઉજ્જવળ ડિફેન્સ કારકિર્દી ધરાવતા લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ ભારતીય સેનાના અત્યંત અનુભવી અને તેજ-તર્રાર અધિકારી છે. આ નવી નિમણૂક પહેલા તેઓ 1 સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં સૈન્ય સલાહકાર તરીકે કાર્યરત હતા. અગાઉ તેમણે 1 જુલાઈ 2024થી 31 જુલાઈ 2025 સુધી થલસેનાના ઉપ-પ્રમુખ તરીકે અને માર્ચ 2023થી જૂન 2024 સુધી મધ્ય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી. જનરલ સુબ્રમણિને પશ્ચિમી અને ઉત્તરીય બંને સરહદો પરની ઓપરેશનલ પરિસ્થિતિઓની ઊંડી જાણકારી અને સમજ છે.

ગઢવાલ રાઈફાલ્સનું નેતૃત્વ કર્યું
તેમણે તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ સંઘર્ષ ક્ષેત્રો અને ભૌગોલિક પરિસ્થિતિઓમાં અનેક કમાન્ડ, સ્ટાફ અને પ્રશિક્ષણની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. 14 ડિસેમ્બર, 1985ના રોજ ગઢવાલ રાઇફલ્સની 8મી બટાલિયનમાં કમિશન મેળવનાર જનરલ સુબ્રમણિએ આસામમાં 'ઓપરેશન રાઈનો' હેઠળ 16 ગઢવાલ રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીરમાં 168 ઇન્ફન્ટ્રી બ્રિગેડનું નેતૃત્વ કર્યું હતું. 

આ ઉપરાંત, તેમણે પડકારજનક ઓપરેશનલ વાતાવરણમાં મધ્ય ક્ષેત્રમાં 17 માઉન્ટેન ડિવિઝન અને પશ્ચિમી મોરચા પર ભારતીય સેનાની એક મુખ્ય સ્ટ્રાઇક કોર 'II કોર' સહિત બે કોરની કમાન્ડ સંભાળીને પોતાની વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

તેમના શૈક્ષણિક બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ એકાદમી (NDA) અને ભારતીય સૈન્ય એકાદમી (IMA)ના સ્નાતક છે. તેઓ જોઈન્ટ સર્વિસિસ કમાન્ડ સ્ટાફ કોલેજ (UK) અને નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. તેમની પાસે લંડનની કિંગ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ આર્ટ્સ અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં એમ. ફિલની ડિગ્રી છે. 

રાષ્ટ્ર પ્રત્યેની તેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ જનરલ સુબ્રમણિને 'પરમ વિશિષ્ટ સેવા મેડલ', 'અતિ વિશિષ્ટ સેવા મેડલ', 'સેના મેડલ' અને 'વિશિષ્ટ સેવા મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.