અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ 2026ની સૌથી મોટી ભરતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE)ની જાહેરાત કરવામાં આવી છે અને જેમાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે. તેની પ્રાથમિક પરીક્ષા આગામી સપ્ટેમ્બર માસમાં લેવાય શકે છે. જો કે આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓને અમુક દસ્તાવેજ કે કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં હોવાના કારણે અરજી કરી શક્યા નહોતા. ત્યારે હવે આગામી અઠવાડિયામાં જ CCE 2 ભરતીની જાહેરાત થાય તેવા અહેવાલો છે.
મળતી વિગતો અનુસાર, આગામી અઠવાડિયામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) 2 માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત વિવિધ ખાતાની 3000 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવે તેવા સંકેતો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CCE 2026ની ભરતીની જાહેરાત બાદ સરકારના જુદા જુદા ખાતાઓના માંગણાપત્રકને ધ્યાને લઈને આ ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી શકે છે. જો કોઈ ઉમેદવાર કોઈ કારણોસર CCEના પહેલા ફેઝમાં અરજી કરી શક્યા નથી તેવા લાખો ઉમેદવારોને ફાયદો મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ગ્રુપ-A માં કુલ 2365 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં સૌથી વધુ કલેક્ટર કચેરીઓ હેઠળ 1600 મહેસૂલી ક્લાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ ખાતાના વડાની કચેરીઓમાં 503 સિનિયર ક્લાર્ક, 134 હેડ ક્લાર્ક, 125 સમાજ કલ્યાણ નિરીક્ષક અને 3 કાર્યાલય અધિક્ષકની જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.
બીજી તરફ, ગ્રુપ-B હેઠળ સૌથી વધુ 3005 જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આમ, ગ્રુપ-A અને ગ્રુપ-B મળીને કુલ 5370 પદો પર પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી અને જેમાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે.