મુંબઈ: રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ મહાયુતિમાં બેઠકોની વહેંચણી હજુ ફાઈનલ થઈ નથી. ભાજપ અને શિંદે જૂથ વચ્ચે છત્રપતિ સંભાજીનગર અને નાશિક બેઠક પર વિવાદ છે, જ્યારે અજિત પવારની રાષ્ટ્રવાદી પાર્ટી ત્રણ બેઠકોની માંગ કરી રહી છે. આ ખેંચતાણ વચ્ચે એક મોટા નેતાએ બળવો કરીને સીધું ઉમેદવારી ફોર્મ ભરી દેતાં મહાયુતિને મોટો ફટકો પડ્યો છે.
મળેલી માહિતી મુજબ, સાંગલી-સતારા વિધાન પરિષદ બેઠક પર સાંગલીથી શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને સાંગલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર તાનાજી પાટીલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. તેમણે આ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે મોટું શક્તિપ્રદર્શન કર્યું હતું.
તેમની સાથે આટપાડી તાલુકાના શિવસેના પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર હતા. સાંગલી-સતારા વિધાન પરિષદની આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. અહીં મહાયુતિ તરફથી ભાજપના ઉમેદવાર હોય તે અપેક્ષિત છે. પરંતુ તે પહેલા જ શિંદે જૂથના તાનાજી પાટીલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું.
આ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, "મેં ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. પક્ષના આદેશ પછી હવે અમે આગળનો નિર્ણય લઈશું." બીજી તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે તેઓ મહાયુતિના ઉમેદવારોની યાદી જાહેર કરશે. તેથી હવે સાંગલી-સાતારા બેઠકનું ચોક્કસ શું થશે? તે જોવું મહત્વનું રહેશે.