Fri Aug 28 2026

Logo

કાશ્મીરમાં 326 દિવસના મેગા ઓપરેશનનો અંત: સેનાએ ડ્રોન ટેકનોલોજીથી આતંકી નેટવર્કનો બોલાવ્યો સફાયો...

2026-02-23 16:41:00
Author: Devayat Khatana
કાશ્મીરમાં 326 દિવસના મેગા ઓપરેશનનો અંત: સેનાએ ડ્રોન ટેકનોલોજીથી આતંકી નેટવર્કનો બોલાવ્યો સફાયો...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ વિસ્તારમાં ભારતીય સુરક્ષાદળોએ આતંકવાદ વિરુદ્ધ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. ભારતીય સેનાના 'વ્હાઇટ નાઈટ કોર્પ્સ' એ માહિતી આપી છે કે છેલ્લા 326 દિવસથી પહાડી વિસ્તારોમાં ચાલી રહેલા સતત સંયુક્ત ઓપરેશનમાં કુલ સાત આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં સિવિલ ઇન્ટેલિજન્સ ગ્રીડ અને મિલિટરી ઇન્ટેલિજન્સની સચોટ ભૂમિકાને કારણે તમામ આતંકીઓને ખતમ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરી શકાયો છે.

આ ઓપરેશનની સૌથી મોટી સફળતા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સૈફુલ્લાહ અને તેની ટીમનો ખાતમો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓના ધર્મ પૂછીને તેમની હત્યા કરી હતી, જેના કારણે સુરક્ષાદળોમાં ભારે રોષ હતો. કમાન્ડર સૈફુલ્લાહના મોતના પગલે હવે આતંકી નેટવર્કને જોરદાર ફટકો પડ્યો છે. સેનાએ આ ઓપરેશન બાદ માર્યા ગયેલા આતંકીઓના ફોટો પણ રિલીઝ કર્યા છે.
 

પહાડી વિસ્તારોના પડકારજનક ભૂપ્રદેશમાં આતંકીઓને શોધવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેનાએ FPV ડ્રોન, સેટેલાઇટ તસવીરો અને UAV ની મદદથી આતંકીઓના છુપાવાના સ્થળો શોધી કાઢ્યા હતા. કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે પણ સુરક્ષાદળોએ હાર માની નહોતી. આતંકીઓ સતત કિશ્તવાડ, ડોડા અને કઠુઆના જંગલોમાં લોકેશન બદલી રહ્યા હતા, પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સીઓના મક્કમ ઈરાદા અને જવાનોની બહાદુરી સામે તેઓ ટકી શક્યા નહીં.

સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સે ગૌરવ સાથે જણાવ્યું હતું કે, અમારા જવાનો અને એજન્સીઓના સંકલ્પ સામે કંઈ પણ ટકી શકે નહીં. અમે હંમેશા તૈયાર છીએ—અપેક્ષા કરતા પણ વહેલા! તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુમાં સુરક્ષા સમીક્ષા બેઠક યોજી આતંકીઓને મિશન મોડમાં ખતમ કરવા આદેશ આપ્યા હતા, જેનો અમલ કરીને સેનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ દેશની રક્ષા માટે કટિબદ્ધ છે.